આમિરની યાદગાર જીત : જો જીતા વહી સિકંદર

- દાસ્તાન-એ-સિનેમા
- બોલિવુડમાં 'અંડરડોગ' કહાણી પરથી અનેક ફિલ્મો બની છે, પરંતુ, 'જો જીતા વહીં સિકંદર'ની તો વાત જ અલગ છે. આમિર ખાનને અભિનેતા તરીકે સ્થાપિત કરવામાં આ ફિલ્મની મહત્ત્વની ભૂમિકા રહી. દર્શકોએ ફિલ્મમાં આમિર નહીં, પરંતુ એ જે રોલ નિભાવી રહ્યો હતો તે સંજુને જોયો. આ સંજુ તેમને પોતાના જેવો લાગ્યો.
દરેક શરૂઆત હંમેશા નાની હોય. આજે ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. ત્યારે ૨૦૦૭ની યાદ આવે. એક એવી ટીમ કે જેમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્વવિડ અને સૌરવ ગાંગુલી જેવા ધૂરંધરો નહોતા. સાઉથ આફ્રિકામાં આયોજિત વર્લ્ડ કપમાં ઉતરેલી ટીમનો કેપ્ટન નવો હતો અને ટીમ પણ બિનઅનુભવી. જેને અંગ્રેજીમાં 'અંડર-ડોગ' કહેવાય તેવા તમામ ગુણો આ ટીમમા હતાં. એ સમયે ફોરેનના કોચની બોલબાલા હતી, જ્યારે ભારતીય ટીમમાં લાલચંદ રાજપૂતને મેનેજર તરીકે સામેલ કરાયા હતા. વેંકટેશ પ્રસાદ બોલિંગ કોચ અને રોબિન સિંઘ ફિલ્ડિંગ કોચ. તે સમયે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે, આ સામાન્ય દેખાતી ટીમ વર્લ્ડ કપ જીતીને લાવશે... પરંતુ, ઈતિહાસ રચાયો. જેમને ગંભીરતાથી નહોતા લેવામાં આવતા કે જેમની ગણતરી જ નહોતી તેવા પ્લેયર્સે કમાલ કર્યો. આ વર્લ્ડ કપની જીતે સાબિત કર્યું હતું કે, ટેલેન્ટ અને આત્મવિશ્વાસ મહત્ત્વના છે. ઉંમર અને અનુભવ ગૌણ. આ પ્રકારની 'અંડરડોગ' કહાણી પરથી બોલિવુડમાં અનેક ફિલ્મો બની છે, પરંતુ, 'જો જીતા વહીં સિકંદર' (૧૯૯૨)ની તો વાત જ અલગ છે. આમિર ખાનને પણ અભિનેતા તરીકે સ્થાપિત કરવામાં આ ફિલ્મની મહત્ત્વની ભૂમિકા રહી. દર્શકોએ ફિલ્મમાં આમિર નહીં, પરંતુ એ જે રોલ નિભાવી રહ્યો હતો તે સંજુને જોયો. આ સંજુ તેમને પોતાના જેવો લાગ્યો.
અંડરડોગ સંજુ
'જો જીતા વહીં સિકંદર' એટલે સંજયલાલ શર્મા ઉર્ફે સંજુની કહાણી. સંજુ એટલે કોઈપણ મહત્ત્વાકાંક્ષા વગરનો જુવાનિયો. તેણે જાણે જીવનમાં પ્રયત્ન કરવાનું જ બંધ કરી દીધું છે. પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે, જ્યારે સંજુ મિત્રો સાથે ગપાટા મારવામાંથી ઊંચો નથી આવતો. કોઈ માણસ પોતાનામાં ખૂટતી વસ્તુ અન્યમાં શોધે તેવું જ સંજુનું છે. તેના માટે ભાઈ રતનલાલ શર્મા એટલે પોતાની ખૂટતી કડી. સંજુ મજાકિયા સ્વભાવનો છે, જ્યારે ભાઈ અનુશાસિત. સંજુ ચંચળ છે, જ્યારે ભાઈનું ધ્યાન લક્ષ્ય તરફ. સંજુ ભણવામાં 'ઢ' છે, જ્યારે ભાઈ સ્કોલર. ભાઈ એક જાણીતો સાઈકલિસ્ટ છે, સંજુ ફ્રેન્ડ્સ સાથે રખડી ખાતો યુવાન. સંજુ માટે ભાઈ એટલે એક એવો પ્રકાશ કે જે તેને અંધારાથી દૂર રાખે. એટલે બસ, સંજુએ જીવનમાં પ્રયત્નો કરવાના જ છોડી દીધા. દરેક વાતનો એક જ જવાબ, 'ભાઈ છેને, ફોડી લેશે'. પરંતુ આ બધું ક્યાં સુધી? દરેક વસ્તુની એક લિમિટ હોય. તેને વધુ ન ખેંચી શકાય.
સંજુના જીવનમાં બદલાવની શરૂઆત ત્યારે થાય છે, જ્યારે તેને શેખર નામનો હરીફ મળે છે. શેખર એટલે આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિ. આજના સમય પ્રમાણે કહીએ તો ઈન્સ્ટાગ્રામ પર લાખો-કરોડો ફોલોઅર્સ ધરાવતો વ્યક્તિ કે જેની પોતાની ઓળખ છે, એને અસંખ્ય લોકો ઓળખે છે. તેની પાસે દુનિયાની તમામ સુખસુવિધાઓ છે, અને એને અનેક લોકો ડેટ કરવા માંગ છે. બીજી તરફ, સંજુ છે, કે જેને પરિવાર અને ત્રણ-ચાર મિત્રો સિવાય કોઈ ગણતરીમાં જ નથી લેતું. તેનામાં શું પ્રતિભા છે, તેની પોતાને જ ખબર નથી, તો લાખોની તો વાત જ ક્યાં રહી. તેની મિત્ર અંજલી (આશયા ઝુલ્કા) તેને પ્રેમ કરે છે પણ અંજલીની તેને ગણતરી નથી. પોતાની જાતથી ભાગી રહેલી વ્યક્તિ હંમેશા બીજામાં આશરો શોધે. તેમ સંજુ ધનાઢય પરિવારની દેવીકા (પૂજા બેદી) પાછળ લટ્ટુ બને છે. તેને ઈમ્પ્રેસ કરવા માટે પરવડે નહીં તેવી પાર્ટીઓમાં જવાનું શરૂ કરે છે. પોતાની ઓળખ ભૂલીને અન્ય વ્યક્તિ બનવાનો પ્રયત્ન તેના જીવનમાં એવી પછડાટ લાવે છે કે, બદલાવ સિવાય તેની પાસે અન્ય વિકલ્પ જ નથી રહેતો. બીજી તરફ, સાઇકલિસ્ટ ભાઈની ઈજા તેને આ જંજાળમાંથી બહાર નીકળવા મજબૂર કરે છે. સંજૂએ નછૂટકે સાઈકલ રેસમાં ભાગ લેવો પડે છે.
ઘણા કોચ સ્વિમિંગ શીખવાડવા માટે બાળકને પાણીમાં ધકેલી દે છે. તેને પ્રયત્ન કરવા દે કે જેથી બાળક સ્વબચાવમાં હાથ-પગ મારીને જાતે સ્વિમિંગ કરવા લાગે. બસ, આવું જ ભગવાન સંજુ સાથે કરે છે. સંજુ પાસે પાણીમાં ડૂબકી લગાવ્યા સિવાય છૂટકો જ નહોતો. જીત તેને માટે શ્વાસ જેવી હતી. પોપ્યુલર થવું કે પૈસાની લાલચ ક્યારેય માણસને આટલી હદે ન દોડાવે જેટલો સંજુ દોડી રહ્યો હતો. તેણે દર્ઢ નિશ્ચય કર્યો હતો કે આખી જિંદગી ભલે કશું ખાસ ન કર્યું પણ આ રેસમાં તો આખી જિંદગીની કસર કાઢી નાખવી છે.
સંજુની ટ્રેનિંગ એટલે જીતની સીડી. સંજુ પાસે ત્રણ મિત્રોના પ્રેરણાદાયક શબ્દો સિવાય કશું જ નથી. બીજી તરફ, તેનો પ્રતિસ્પર્ધી ટોળામાં જ ફરે છે. આ ટોળું આજના સોશિયલ મીડિયા યુઝર્સ જેવું છે, જે સેલેબ્સની પોસ્ટ પર કોમેન્ટ્સનો મારો ચલાવે છે. એટલે, તેની પાસે મોટિવેશનની તો કોઈ કમી જ નહીં. બીજી તરફ, સંજુ હાલતાચાલતા ટ્રોલ થયા કરે. સંજુનું શરીર પણ ટ્રેનિંગ દરમિયાન જવાબ આપે, કારણ કે, જીવનમાં મહેનત તો કરી જ નથી. આ બધી વિમાસણ વચ્ચેની તેની તૈયારીઓ પ્રેરણાદાયક છે. અનેક મુસીબતો વચ્ચે તેણે મેળવેલી જીત આ ફિલ્મને 'વન ઓફ ધ બેસ્ટ મોટિવેશનલ હિંદી ફિલ્મ' બનાવે છે.
જતીન-લલિતનું 'પહેલા નશા'
દરેક કલાકારના જીવનમાં એક માસ્ટરપીસ બને. તેમ જતિન-લલિત માટે 'પહેલા નશા' ગીત રહ્યું હતું. આ ફિલ્મ તેમને જે સંયોગોમાં મળી તે અનોખો હતો. જતીન-લલિતની ગાયિકા-અભિનેત્રી બહેન સુલક્ષણા પંડિતે તેમને ૮-ટ્રેક રેકોર્ડર ભેટમાં આપ્યું હતું. તેઓ આ રેકોર્ડર પર પોતાનાં ગીતો રેકોર્ડ કરતા અને ફિલ્મમેકર્સને મળતા. દરમિયાન તેમની મુલાકાત મન્સૂર ખાન સાથે થઈ. મન્સૂર ખાને તેમનાં ગીતો સંભાળ્યા અને ઉત્સાહિત થઈને કહ્યું કે, તમે 'જો જીતા વહી સિકંદર'ના ગીતો તૈયાર કરજો. આ નિર્ણય એવા સમયે આવ્યો હતો, જ્યારે આ 'ક્યામત સે ક્યામત તક'નો સાઉન્ડ ટ્રેક સુપરહિટ થઈ ચૂક્યો હતો. તે આલ્બમ આનંદ-મિલિદે તૈયાર કર્યું હતું. જતીન-લલિત માટે આ ફિલ્મ મળવી આશ્રર્યજનક હતી, પરંતુ તેમણે પૂરતો ન્યાય કર્યો. મજરૂહ સુલ્તાનપુરીએ લખેલાં ગીતો અને તેમનું સંગીત આજે પણ લોકપ્રિય છે. 'પહેલા નશા' સિવાય 'યહાં કે હમ સિકંદર', 'રુઠ કર હમસે', 'હમસે હૈ સારા જહાન' દર્શકોને ખૂબ પસંદ આવ્યાં.
હોલિવુડની ફિલ્મમાંથી પ્રેરણા
આ ફિલ્મની કહાણી મન્સૂર ખાન અને નાસિર હુસૈને મળીને લખી હતી. જોકે દર્શકોને તેમાં હોલિવુડની ફિલ્મ 'બ્રેકિંગ અવે'ની ઝલક જોવા મળી હતી. 'બ્રેકિંગ અવે'માં પણ સાયકલ રેસ જોવા મળે છે. તેમાં 'જો જીતા વહીં સિકંદર'ની જેમ જ સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. આ સરખામણી છતાં ૩૮મા ફિલ્મફેર એવોર્ડ્સમાં 'જો જીતા વહી સિકંદર' છવાઈ ગઈ હતી. બેસ્ટ ફિલ્મ સિવાયના તમામ મહત્ત્વના એવોર્ડ્સ તેણે જીતી લીધા.
મિલિંદ સોમનની જગ્યાએ દીપક તિજોરી
આ ફિલ્મના નિર્માણ દરમિયાન અનેક કલાકારોને બદલવામાં આવ્યા હતા. દીપક તિજોરીને આ ફિલ્મમાં લેવામાં આવ્યો તે પહેલા મિલિંદ સોમને ૭૦થી ૭૫ ટકા શૂટિંગ પૂર્ણ કરી દીધું હતું. આયેશા ઝુલ્કાની જગ્યાએ ગિરિજા શેટ્ટારને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી. રતનના રોલમાં આદિત્ય પંચોલીની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ, છેલ્લી ઘડીએ મામિક સિંહની એન્ટ્રી થઈ હતી. આ સિવાય દેવીકાનો રોલ કરી રહેલી પૂજા બેદી પણ પહેલી પસંદ નહોતી. રિપોર્ટ મુજબ, આ ફેરફારોને કારણે ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ ફરી કરવું પડયું હતું.
ફરાહ ખાનની શરૂઆત
છેલ્લા ઘણા સમયથી યુટયુબ પર છવાઈ ગયેલી બોલિવુડની કોરિયોગ્રાફર-ટર્ન્ડ-ડિરેક્ટર ફરાહ ખાન આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહી હતી. 'પહેલા નશા' શૂટ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ફિલ્મનાં કોરિયોગ્રાફર સરોજ ખાન હાજર ન રહી શક્યાં ત્યારે ફરહાનને આ ગીત કોરિયોગ્રાફ કરવા માટે કહેવામાં આવ્યું. બસ, અહીંથી ફરાહ ખાનની કિસ્મત ચમકી. સ્લો-મોશનમાં શૂટ કરવામાં આવેલું આ ગીત સુપર-ડુપર હિટ રહ્યું અને ફરહા ખાન ક્રમશ: બોલિવુડની ટોપ કોરિયોગ્રાફર અને ત્યારબાદ ડિરેક્ટર બની.








