બીજા પર આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો, કરાંચી બ્લાસ્ટ મુદ્દે ભારતનો પાકિસ્તાનને જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karachi Blast : પાકિસ્તાનના કરાંચી શહેરમાં પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો. તેમાં ભારતનો હાથ હોવાનો પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો. ત્યારે આ મામલે ભારતે આતંકને પોષનારા દેશ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, આતંકવાદીઓને પાળનારો દેશ અમારા આંગળી ન ઉઠાવે.
પાકિસ્તાનના આક્ષેપોને પાયાવિહોણા : ભારત
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાને બીજા પર આક્ષેપ કરવાના બદલે પોતાના દેશમાં ચાલી રહેલા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત પાકિસ્તાન સરકારે આતંકવાદને પોતાની સરકારી નીતિનો ભાગ બનાવવાની આદત પણ છોડી દેવી જોઈએ.’
સેનાના હેડક્વાર્ટર પાસે થયો હતો વિસ્ફોટ-ગોળીબાર
ઉલ્લેખનીય છે કે, 27 જૂને કરાંચીનાં ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારના બ્લોક-6માં આવેલા પાકિસ્તાન રેન્જર્સના હેડક્વાર્ટર નજીક જોરદાર વિસ્ફોટો અને ભારે ગોળીબાર થયો હતો. પાકિસ્તાને હુમલા પાછળ જમાત-ઉલ-અહરાર સાથે સંકળાયેલા આતંકવાદીઓનો હાથ હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત આ આતંકવાદી સંગઠનની ભારત સાથે લિંક હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
હુમલાખોરેએ કુલ 3 વિસ્ફોટ કર્યા હતા
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, વિસ્તારમાં કુલ ત્રણ વિસ્ફોટ થયા હતા, જેમાંથી પહેલો વિસ્ફોટ ભયંકર શક્તિશાળી હતો. હુમલાખોરોએ હેડક્વાર્ટરના મુખ્ય ગેટ પાસે જોરદાર વિસ્ફોટ કરીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ત્યાં પાકિસ્તાની સેનાના જવાનોએ તેમને અટકાવી દીધા હતા.
3 જવાનો અને 3 આતંકવાદીના મોત
રિપોર્ટ મુજબ, પાકિસ્તાની સેનાના જવાનો અને હુમલાખોરો વચ્ચે થયેલી અથડામણાં ત્રણ આતંકવાદીના મોત થયા છે, જ્યારે એક ઈજાગ્રસ્ત આતંકવાદીને જીવતો પકડી લેવાયો છે. એવી વિગતો સામે આવી છે કે, પકડાયેલા આતંકવાદી અફઘાનિસ્તાનનો નાગરિક છે. આ ઘટનામાં પાકિસ્તાની સેનાના ત્રણ જવાનોના પણ મોત થયા છે, જ્યારે 4 જવાનને ઈજા થઈ છે.








