Gujarat

અમરાઇવાડીમાં ગટરો ઉભરાતા હાલાકી, રોગાચાળાનો ભય

By GS Team
21 Mar 20221 min read
This article was originally published on 21 Mar 2022
અમરાઇવાડીમાં ગટરો ઉભરાતા હાલાકી, રોગાચાળાનો ભય

અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર

અમરાઇવાડી વોર્ડમાં ન્યુ કોટન મેટ્રો રેલવે સ્ટેશન પાસે આવેલા સિદ્ધીવિનાયક કોમ્પ્લેક્ષના ભોયતળિયે આવેલી મુતરડી, શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યા છે. બાજુમાં જ પીવાના પાણીની ટાંકી પણ આવેલી છે. તેમ છતાંય સફાઇ થઇ રહી નથી, લોકોને હાલાકી પડી રહી છે. આ મામલે સત્વરે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગણી છે.

સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્ષમાં અનેક દુકાનો, ટયુશન ક્લાસીસ આવેલા છે , મોટી સંખ્યામાં લોકો ત્યાં અવર-જવર કરતા હોય છે. બાજુમાં જ મુખ્ય રોડ પણ છે આટલા મોટા કોમ્પ્લેક્ષમાં જાહેર મુતરડી અને શૌચાલય માટે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. 

ભોયતળિયે સફાઇ થતી નથી, ગટરો ઉભરાઇ રહી છે, ગટરના ગંદા પાણી આખા ભોયતળિયામાં રેલાઇ ગયા છે. અસહ્ય દુર્ગંધ, ગંદકી અને માખી મચ્છરના ત્રાસ વચ્ચે લોકોએ પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે.

રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે, સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ લોકોને તેમજ દુકાનદારોને પણ ભારે તકલીફ પડી રહી છે. છતાંય સફાઇ કરવામાં આવી રહી  નથી. જનહિતમાં સફાઇ કામગીરી હાથ ધરવામાં આવે તેવી  લોકોની માંગણી છે. મ્યુનિ.તંત્ર દ્વાર પણ સ્થળ તપાસ કરીને યોગ્ય પગલા લેવામાં આવેતેવી પણ માંગણી ઉઠવા પામી છે.

અમરાઇવાડી વોર્ડમાં અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યા છે. અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં સફાઇનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે દુકાનદારો, ગ્રાહકો પણ પરેશાન છે.