Gujarat

જનમાર્ગના વહીવટ સામે વિપક્ષના સવાલ , બીઆરટીએસના પ્રોજેકટમાં ગેરરીતીનો વિપક્ષે કરેલો આક્ષેપ

By GS Team
17 Mar 20221 min read
This article was originally published on 17 Mar 2022
જનમાર્ગના વહીવટ સામે વિપક્ષના સવાલ , બીઆરટીએસના પ્રોજેકટમાં ગેરરીતીનો વિપક્ષે કરેલો આક્ષેપ

  અમદાવાદ,બુધવાર,16 માર્ચ,2022

મ્યુનિ.હસ્તકના જનમાર્ગના વહીવટ સામે વિપક્ષ કોંગ્રેસે સવાલ કર્યા છે.સરકારી કંપનીને સાઈડલાઈન કરી ખાનગી કંપની સાથે મેળાપીપણુ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કરી વિજિલન્સ તપાસની વિપક્ષનેતાએ માંગ કરી છે.ઓનલાઈન માહિતી મુકવામાં આવતી ના હોવા છતાં ખાનગી કંપનીને મામૂલી પેનલ્ટી કરાતી હોવાની પણ રજૂઆત કરાઈ છે.

બીઆરટીએસના સંચાલન માટે આઈટીએમએસ પધ્ધતિથી બે કંપનીને કામગીરી સોંપવામાં આવી હતી.જે અંતર્ગત તમામ માહિતી ઓનલાઈન મુકવાની જાહેરાત કરાઈ હતી.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણની મળેલી પ્રતિક્રીયા મુજબ,એનકોડ અને એનઈસી નામની કંપનીને કામગીરી સોંપાઈ એ સમયે બસ કેટલા કીલોમીટર ચાલી એ બાબતથી લઈ તમામ માહિતી ઓનલાઈન મુકવાની વાત પોકળ પુરવાર થઈ છે.એનઈસી જાપાન બેઝ કંપની હોવાથી સિસ્ટમ ઓનલાઈન થશે એવો વિશ્વાસ વ્યકત કરાયો હતો.હાલમાં બસના કીલોમીટર ગણવા પણ પગારદાર માણસો રાખવામાં આવ્યા છે.આ કંપની સાથે મેળાપીપણુ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જે બહાર ના આવે એ માટે વિપક્ષનેતાને જનમાર્ગમાંથી દુર કરવાનો શાસકપક્ષે નિર્ણય કર્યો છે.જેથી  આ સમગ્ર બાબતની વિજિલન્સ તપાસ કરવા કોંગ્રેસ પક્ષ તરફથી માંગ કરવામાં આવે છે.