Gujarat

પીઓકે યોગ્ય સમયમાં ભારતનો હિસ્સો બની જશે

By GS Team
26 Feb 20221 min read
This article was originally published on 26 Feb 2022
પીઓકે યોગ્ય સમયમાં ભારતનો હિસ્સો બની જશે

અમદાવાદ ખાતે પૂર્વ સૈન્ય અધિકારીના મતે

છેલ્લા એક વર્ષમાં 50થી વધુ યુવાનો આંતકી છાવણીથી છેડો ફાડી ઘરે પરત ફરી ચૂક્યા છે

અમદાવાદ : પાકિસ્તાનના કબ્જા હેઠળનું કાશ્મીર (પીઓકે) યોગ્ય સમયમાં ભારતનો હિસ્સો બની જશે તેવો લેફટન્ટ જનરલ કેજેએસ ધિલ્લોન (રિટાયર્ડ) દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદ આવેલા કેજેએસ ધિલ્લોને જણાવ્યું કે, 'ઘણા લોકોનું માનવું હતું કે આર્ટિકલ 370 ક્યારેય નહીં હટાવાય. પરંતુ આર્ટિકલ 370નો યોગ્ય સમયે  જ છેદ ઉડાવાયો હતો.

આ જ રીતે પાકિસ્તાન કબ્જા હેઠળનું કાશ્મીર પણ યોગ્ય સમયે ભારતનો હિસ્સો બની જશે. આર્ટિકલ 370 હટાવાયા બાદ કાશ્મીરમાં 30 વર્ષ બાદ શાંતિનું વાતાવરણ પરત ફર્યું છે. આ બાબત દર્શાવે છે કે મજબૂત સરકાર નીડર નિર્ણયનો અમલ કરી જાણે છે. હુરિયત દ્વારા બંધનું એલાન કરવામાં આવતું. પરંતુ આજે હૂરિયતનું કોઇ અસ્તિત્વ જ રહ્યું નથી.

કાશ્મીરમાં છૂટીછવાઇ આતંકી ઘટના બને છે પરંતુ તેને તુંરંત જ ડામી દેવાય છે. કાશ્મીરના યુવાનોની માતાઓને કહેવામાં આવ્યું હતું કે આજે જે યુવાનો પથ્થરમારામાં આગળ છે તેઓ આવનારા સમયમાં આતંકી બનશે અને તેઓ આંતકી બન્યાના પ્રથમ વર્ષમાં જ હણાઇ જાય તેની પૂરી સંભાવના છે.

આ વાતની કાશ્મીરના યુવાનોમાં પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષમાં 50થી વધુ યુવાનો આંતકી છાવણીમાંથી છેડો ફાડીને પરત ફરી ચૂક્યા છે.