Gujarat

'ફોર્મ સી' રિન્યુ ન થાય તો ૫૦૦ ખાનગી હોસ્પિટલોમાં સીલ લાગશે

By GS Team
22 Mar 20222 mins read
This article was originally published on 22 Mar 2022
'ફોર્મ સી' રિન્યુ ન થાય  તો ૫૦૦ ખાનગી હોસ્પિટલોમાં સીલ  લાગશે

અમદાવાદ,મંગળવાર

આગામી ૩૧ માર્ચ સુધીમાં સી ફોર્મ રિન્યુઅલ નહીં કરવામાં આવે તો અમદાવાદની ૫૦૦ ખાનગી હોસ્પિટલોને સીલ લાગી શકે છે અને ૧૫૦૦થી વધુ સ્ટાફની રોજગારીનો પ્રશ્ન પણ સર્જાવવાની અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (આહના) દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

ફોર્મ 'સી' રજીસ્ટ્રેશનના રીન્યુઅલ અને બીયુના પ્રશ્નના મુદ્દે  'આહના' દ્વારા યોજાયેલી પ્રતિકાર રેલીમાં ખાનગી હોસ્પિટલના ૩૦૦થી વધુ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફે ભાગ લીધો હતો. વલ્લભ સદન-રિવરફ્રન્ટથી આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 'આહના' દ્વારા અમદાવાદ મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર આપીને આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, 'અમદાવાદ શહેરમાં બીયુ પરમિશન વિનાની ૫૦ ટકાથી વધુ ઈમારતો છે. ખાનગી હોસ્પિટલોએ કાર્યરત્ રહેવા દર વર્ષે અમદાવાદમાં સી ફોર્મ રિન્યુ કરાવવાનું હોય છે. ૩૧ માર્ચ સુધી ફોર્મ સી રિન્યુ ન થાય તો ૫૦૦ હોસ્પિટલને સી લાગે તેવી સ્થિતિ છે. '

ખાનગી હોસ્પિટલોના તબીબોના મતે અમદાવાદ સિવાય અન્ય જિલ્લામાં બીયુનો કાયદો લાગુ પડતો નથી. માત્ર અમદાવાદમાં જ શા માટે હોસ્પિટલોને પરેશાન કરવામાં આવે છે. ૩૧ માર્ચ સુધીમાં ફોર્મ સી રિન્યુ ન થાય તો ખાનગી હોસ્પિટલોમાં સર્જરી થઇ શકે નહીં. સી ફોર્મ વિના મેડિક્લેઇમ પણ પાસ થઇ શકે નહીં. અગાઉ સી ફોર્મ રિન્યુઅલ માટે ૫ થી ૧૦ વર્ષનો સમયગાળો હતો. જે સમયગાળો હવે ઘટાડીને ૧ વર્ષ કરાતાં તેની સામે ડોક્ટરો દ્વારા રજૂઆત કરાઇ છે.