Gujarat

ધુમ્મસિયા વાતાવરણે હાઇવે પર વાહનચાલકોનું જોખમ વધાર્યું

By GS Team
27 Dec 20212 mins read
This article was originally published on 27 Dec 2021
ધુમ્મસિયા વાતાવરણે હાઇવે પર વાહનચાલકોનું જોખમ વધાર્યું

અમદાવાદ,તા.27 ડિસેમ્બર 2021,સોમવાર

પૂર્વ અમદાવાદમાં સવારે ધુમ્મસિયું વાતાવરણ રહેતા મુખ્ય હાઇવે પર વાહનોની ગતિ અવરોધાઇ રહી છે, સવારના ૧૦ વાગ્યા સુધી ધુમ્મસનું સામ્રાજ્ય રહેતું હોવાથી પૂર્વમાંથી પસાર થતા નેશનલ હાઇવે-૮, અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરથી પસાર થતા વાહનચાલકોએ જોખમો વચ્ચે ધીમીગતિએ પસાર થવાની ફરજ પડી રહી છે.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં થોડી રાહત મળી છે. અગાઉ જે ૧૧ ડિગ્રી સુધીનું લઘુતમ તામમાન જોવા મળ્યું હતું તે  વધીને તા.૨૭ને સોમવારે ૧૪.૫ ડિગ્રી રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન મહતમ તાપમાન ૩૦ ડિગ્રી સુધીનું રહેતા લોકોને ઠંડીમાં રાહત મળી છે.

પરંતુ વહેલી સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગાઢ ધુમ્મસ છવાઇ જતું હોય છે. જેના કારણે ૫૦૦ મિટર સુધી જ દ્રશ્યમાનતા રહે છે.વિજિબિલિટી ઘટી જવાના કારણે રોડ પર વાહન અકસ્માતનું જોખમ વધ્યું છે.

ખાસ કરીને જંગલ વિસ્તાર , ખેતરોમાં ધુમ્મસના કારણે સ્થિતિ વધુ વણસી જવા પામી છે. ખેડૂતો સવારે ખેતરમાં જઇ શકતા નથી. વહેલી સવારે મુસાફરી કરવી હોય તો વાહનચાલકોએ જીવના જોખમે સાચવીને વાહન હંકારવાની ફરજ પડી રહી છે. અમદાવાદ-પરોડા એક્સપ્રેસ વે પર રોડની સાઇડમાં ટ્રકો ખોટકાયેલી હોય છે આ સ્થિતિમાં વાહન અકસ્માતનું જોખમ વધી જાય છે.

સ્ટ્રીટલાઇટો હોતી નથી, જોખમી વળાંક આવે છે, ગતિ મર્યાદામાં વાહનો ક્યારે કઇ સાઇડ લઇ લે અને વાહન હંકારવાની લેન બદલી લે તે નક્કી ન હોવાથી અકસ્માતનું જોખમ રહેતું હોય છે.

અમદાવાદ-ઇન્દોર એક્સપ્રેસ હાઇવે પર પણ આજ સ્થિતિ જોવા મળી રહી છે. વાહનોનું અતિ ભારણ, વધુ પડતી ગતિ, જોખમી વળાંકો અને તેમાંય ધુમ્મસનું વાતાવરણ જોખમ નોતરી રહ્યું છે.