Get The App

સુરતની 'રબરગર્લ' અન્વી ઝાંઝરૂકિયાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરાયો

Updated: Jan 25th, 2022

GS TEAM

Google News
Google News
સુરતની 'રબરગર્લ' અન્વી ઝાંઝરૂકિયાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરાયો 1 - image

દિવ્યાંગતા છતાં યોગાસનમાં વૈશ્વિક ખ્યાતિ મેળવી

વડાપ્રધાને બ્લોક ચેઇન ટેકનોલોજી દ્વારા એવોર્ડ અને એક લાખની રકમ અર્પણ કરી, 26મી જાન્યુઆરીએ સોમનાથમાં સન્માન કરાશે

ગાંધીનગર : પોતાની શારીરિક અક્ષમતા છતાં સખત અને સતત મહેનત તેમજ કોઠાસૂઝથી યોગાસનમાં મહારથ મેળવી 'ધ રબર ગર્લ'નું બિરૂદ પ્રાપ્ત એવી સુરતની યુવતી અન્વી ઝાંઝરૂકિયાને 'રાષ્ટ્રીય બાલિકા દિન' અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કર્યો છે.

26મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગીર સોમનાથ ખાતે અન્વીનું સન્માન કરાશે.કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયને દેશભરમાંથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે 600 બાળકો તરફથી અરજીઓ મળી હતી. જેમાં વર્ષ-2022 માટે 29 બાળકોની પસંદગી કરવામાં આવી હતી

જેમાં ગુજરાતની એકમાત્ર અને સુરતની દીકરી અન્વીએ આ એવોર્ડ મેળવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. મોદીના હસ્તે આ દીકરીને 'બ્લોક ચેઈન ટેકનોલોજી' દ્વારા એવોર્ડ તથા રૂપિયા એક લાખની ધનરાશિ એનાયત કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પાંચથી અઢાર વર્ષની વયના બાળકોને ખેલ, સમાજ સેવા, શિક્ષણ, કલા સંસ્કૃતિ, વિરતા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત બાળકોને આપવામાં આવે છે. અન્વીનો જન્મ થયો ત્યારથી અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારી સામે તેણી ઝઝૂમી રહી છે.

જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલ તેને માઇટ્રલ વાલ્વ લિકેજ છે. તેના મોટા આંતરડામાં ક્ષતિ છે અને તે 75 ટકા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે. 11 વર્ષની ઉંમરે યોગ શિખવાનું શરૂ કરી તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

અન્વીએ અનેક શારીરિક સમસ્યાઓ અને મર્યાદાઓ છતાં પણ મક્કમ મનોબળ અને સખત પરિશ્રમ થકી યોગમાં રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાની અનેકવિધ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા છે. તેણે છેલ્લા ત્રણ વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં ત્રણ સુવર્ણ ચંદ્રકો અને બે કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. કુલ 42 યોગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, અને 51 જેટલા મેડલો મેળવ્યા છે.

અન્વી 112 કરતાં પણ વધુ આસનો કરી શકે છે. એટલું જ નહિ, અન્વીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર બે લાખથી વધુ લાઇક પણ મેળવી છે. તેણી જ્યારે 13 વર્ષની હતી ત્યારે ગયા વર્ષે રાષ્ટ્રપતિના હસ્તે ક્રિયેટીવ ચાઇલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરીમાં નેશનલ એવોર્ડ મેળવી ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેણીને અભિનંદન આપ્યાં છે.