Gujarat

વડોદરામાં ગુનેગારો બેખોફ એસ્ટેટ બ્રોકરને જાહેરમાં દોડાવીને માર્યો પછી અપહરણ કર્યુ

By GS Team
10 Oct 20243 mins read
This article was originally published on 10 Oct 2024
વડોદરામાં ગુનેગારો બેખોફ એસ્ટેટ બ્રોકરને જાહેરમાં દોડાવીને માર્યો પછી અપહરણ કર્યુ

વડોદરા : વડોદરામાં ગુનેગારો ઉપર પોલીસનો ખોફ રહ્યો નથી.ખુલ્લેઆમ જાહેરમાં ગુનાને અંજામ આપી રહ્યા છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશન નજીક જ એક એસ્ટેટ બ્રોકરને પહેલા રોડ ઉપર દોડાવીને દોડાવીને માર્યો પછી કારમાં અપહરણ કરીને સનફાર્મા રોડ ઉપર લઇ ગયા અને ત્યાં ઢોર મારવામાં આવ્યો. બ્રોકર આરોપી પત્ની અને આરોપીના સસરા સાથે કલાલીમાં એક મિલકત બતાવવા માટે ગયો હતો અને પરત ફરતી વખતે આ ઘટના બની હતી.

ગત તા.૫ ઓક્ટોબર, શનિવારના રોજ જેપલ રાજદીપભાઇ પટેલ (ઉ.૩૯, રહે.કુબેર કુટીર, હરણી રોડ)એ જે.પી.રોડ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે 'હું તા.૪ ઓક્ટોબર શુક્રવારે સાંજે નિલોફર અને તેના પિતા દિલશાદભાઇને લઇને કલાલી ખાતે એક મિલકત બતાવવા માટે ગયો હતો. નિલોફરને પ્રિ-સ્કૂલ ચાલુ કરવાની હોવાથી તે મિલકત શોધી રહી હતી. અમે કલાલીથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઓલ્ડ પાદરો રોડ ઉપર રાજસ્થાન પાણીપુરી ખાતે નિલોફરે ગાડી ઉભી રખાવી હતી અને તે પાણીપુરી પેક કરાવવા માટે ગઇ હતી.

હું અને દિલશાદભાઇ ગાડીમાં હતા. આ સમયે જ બે લોકો ઓલા સ્કૂટર ઉપર આવ્યા અને મને કારમાંથી ઉતારીને મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા એટલે હું કારમાં બેસી ગયો અને દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન નિલોફરનો પતિ મોહસીન ત્યાં આવી પહોંચ્યો હતો. હું તેમને ઓળખતો હોવાથી કારમાંથી ઉતર્યો તે સાથે જ મોહસીન મને માર મારવા લાગ્યો હતો આ દરમિયાન એક સફેદ વેગન આર ગાડી પણ આવી હતી અને તેમાંથી પણ બે જણ લાકડીઓ લઇને ઉતર્યા હતા અને મને મારવા લાગ્યા હતા. તેમનાથી બચવા હું રોડ ઉપર ભાગ્યો હતો. આ સમયે એક બાઇક ચાલક રોકાયો હતો હું તેની બાઇકમાં બેસી ગયો હતો. તે લોકો સફેદ વેગન આરમાં મારો પીછો કરી રહ્યા હતા.ઓલ્ડ પાદરા રોડ ઉપર કલેક્ટર કચેરીની સામે જ યોગા સર્કલ ઉપર મારી બાઇકને આંતરી હતી. મને ત્યાં રોકીને માર માર્યો હતો અને વેગન આર કારમાં ખેંચીને બેસાડી દીધો હતો. જે બાદ તેઓ મને સનફાર્મા રોડ ઉપર લક્ષ્મીનારાયણ રિસોર્ટ પાસેના ખુલ્લા મેદાનમાં લઇ આવ્યા હતા. અહી મને નીચે પાડીને માર માર્યો હતો પછી મોહસીન મારી છાતી ઉપર બેસી ગયો હતો અને છરી બતાવીને ધમકી આપી હતી કે મારી પત્ની સાથે ફરીશ તો જાનથી મારી નાખીશ.

આરોપીઓના નામ

(૧) મોહસિન યુનુસભાઇ પટેલ (ઉ.૩૮, રહે રોયલ બંગ્લો, તાંદલજા)

(૨) કેસ ઉર્ફે મુમુ હનિફભાઇ પટેલ (ઉ.૩૧, રહે. મધુરમ સોસાયટી, તાંદલજા)

(૩) સોહેલ ઇસ્માઇલભાઇ મલેક (ઉ.૩૦, રહે. અરઝુ બંગ્લો, તૈફ નગર)

(૪) જમિલ જાનીબાબુ ચૌહાણ (ઉ.૨૬, રહે.નુરજહા પાર્ક, તૈફ નગર)

આરોપીઓએ રેગ્યુલર જામીન માટે અરજી કરી

બિચ્ચુ ગેંગના મુન્ના તડબૂચની ટાંચમાં લીધેલી મિલકત મોહસીનના નામે નીકળી

મોહસિનની પત્ની નિલોફર ૯૯ ટકા હિન્દુ વસતી ધરાવતા કુંઢેલા ગામમાં સરપંચ રહી ચુકી છે

એસ્ટેટ બ્રોકર જેપલ પટેલના અપહરણ અને માર મારવાના ગુનામાં મુખ્ય આરોપી મોહસીન અગાઉ પણ પોલીસ રડારમાં આવી ચુક્યો છે. બિચ્છુ ગેંગરના અસલમ બોડિયાનો સાગરીત મુન્ના તરબુચની મિલકતો ટાંચમાં લેવામાં આવી ત્યારે દિવાલીપુરામાં અલહમ્દ રેસિડેન્સીમાં ૩૦ મકાનોનું ૨.૪૬ લાખ બાંધકામ પણ ટાંચમાં લેવામાં આવ્યુ છે. આ મિલકતમાં મોહસિન પટેલ ૨૫ ટકાનો ભાગીદાર હોવાનું સામે આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે જેપલ પટેલ જેમને લઇને મિલકત બતાવવા ગયો હતો મોહસિનની પત્ની નિલોફર કુંઢેલા ગામમાં સરપંચ રહી ચુકી છે. આ ગામમાં ૯૯.૯૯ ટકા હિન્દુઓની વસતી વચ્ચે એકમાત્ર મુસ્લિમનું ઘર એટલે કે નિલોફરનું ઘર છે છતા તે સરપંચ તરીકે ચૂંટાઇ આવી હતી.