Get The App

અહીં ગોકળ ગાયની રેસ યોજાય છે, હરીફાઇની દુનિયામાંથી બહાર નીકળી લોકો માણે છે ‘ધીમા જીવન’નો આનંદ

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
Taiwan's Fenglin Snail Race

Taiwan's Fenglin Snail Race: આજની ભાગદોડભરી દુનિયામાં જ્યાં દરેક વ્યક્તિ ઝડપ પાછળ પાગલ છે, ત્યાં તાઇવાનના હુલિએન કાઉન્ટીમાં આવેલું 'ફેંગલિન' શહેર એક અલગ જ ફિલોસોફી પર ચાલે છે. આ શહેરના લોકો માને છે કે જિંદગીનો અર્થ માત્ર વેગ નથી, પરંતુ શાંતિ અને સંતુલન પણ છે. આ જ વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે અહીં એક અનોખી 'ગોકળગાય રેસ' (Snail Race)નું આયોજન કરાય છે, જે સમગ્ર તાઇવાનમાં ચર્ચાનો વિષય બની છે. અંગ્રેજીમાં જેને 'સ્નેઇલ પેસ' કહેવાય છે, તે ધીમી ગતિને અહીં નબળાઈ નહીં પણ એક ઉત્સવ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આમ, એક રીતે લોકો ધીમા જીવનનો આનંદ માણવા તેમાં રસ લે છે. 

ભૂકંપ બાદ પ્રવાસનને વેગ આપવા અનોખો પ્રયાસ

માત્ર 10,000ની વસ્તી ધરાવતું ફેંગલિન શહેર વર્ષ 2014માં 'Cittaslow' (સ્લો સિટી નેટવર્ક) સાથે જોડાયું હતું, જેનું પ્રતીક જ ગોકળ ગાય છે. આ પ્રતીક ધૈર્ય અને શાંત જીવનનો સંદેશ આપે છે. વર્ષ 2024માં આવેલા વિનાશક ભૂકંપને કારણે અહીંના પર્યટન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. પ્રવાસીઓની સંખ્યા ઘટતા સ્થાનિક લોકોએ પોતાની આ 'ધીમી ઓળખ'ને જ દુનિયા સામે લાવવાનો નિર્ણય કર્યો. પરિણામે, પાંચ વર્ષના વિરામ બાદ ફરી એકવાર ભવ્ય સ્નેઇલ રેસનું આયોજન કરાયું, જેણે પ્રવાસીઓને ફરી આ શહેર તરફ આકર્ષ્યા છે.

33 સેન્ટીમીટરની રોમાંચક રેસ અને વિજેતા 'બ્રધર સ્નેઇલ'

આ અનોખી રેસનું ફોર્મેટ ખૂબ જ રસપ્રદ હતું. એક રાઉન્ડ ટેબલની મધ્યમાં ગોકળ ગાયને મૂકવામાં આવે છે. જે ગોકળ ગાય સૌથી પહેલા 33 સેન્ટિમીટર દૂર આવેલા કિનારે પહોંચે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ વર્ષે 'બ્રધર સ્નેઇલ' નામની ગોકળ ગાયે માત્ર 3 મિનિટ 3 સેકન્ડમાં આ અંતર કાપીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. આ રેસમાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. કેટલાક સ્પર્ધકો તો પોતાની ગોકળગાયને તાજા ફળો, શાકભાજી અને શક્કરિયાના પાન ખવડાવીને ખાસ તૈયાર કરે છે. એક દંપતી તો પોતાના 'જાયન્ટ આફ્રિકન સ્નેઇલ' સાથે પાંચ કલાકની મુસાફરી કરીને અહીં પહોંચ્યું હતું.

આ પણ વાંચો: Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા

માત્ર મનોરંજન નહીં, જીવનનો સંદેશ

ફેંગલિન શહેર માત્ર આ રેસ પૂરતું મર્યાદિત નથી. અહીંની જાપાની સમયની ઇમારતો, જૂના તંબાકુના ગોડાઉન, હક્કા સંસ્કૃતિ અને ઈ-બાઈક ટૂર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને એ સમજાવવાનો છે કે જીવનમાં હંમેશા ભાગવું જરૂરી નથી. ક્યારેક ધીમે ચાલીને પણ પ્રકૃતિ અને જીવનનો અસલી આનંદ માણી શકાય છે. ફેંગલિનની આ સ્લો લાઈફસ્ટાઈલ લોકોને માનસિક શાંતિ આપે છે અને કુદરત સાથે જોડે છે. આ શહેરનો સીધો અને સાદો સંદેશ છે: 'ધીરે ચાલો, ખુશ રહો અને જીવનની દરેક પળને માણો.'

અહીં ગોકળ ગાયની રેસ યોજાય છે, હરીફાઇની દુનિયામાંથી બહાર નીકળી લોકો માણે છે ‘ધીમા જીવન’નો આનંદ 2 - image