Lifestyle & Fashion

ફરી એકવાર ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશહાલ દેશ... શું ત્યાંના કર્મચારી પણ ખુશ રહે છે?

By GS Team
8 Jul 20263 mins read
TukuTouch Logo
યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ મુજબ, ફિનલેન્ડ સતત 7 વર્ષથી વિશ્વનો સૌથી ખુશહાલ દેશ છે. મજબૂત સોશિયલ વેલફેર સિસ્ટમ, ઉત્તમ હેલ્થકેર, ઉચ્ચ શિક્ષણ અને શ્રેષ્ઠ વર્ક-લાઇફ બેલેન્સ તેનું મુખ્ય કારણ છે. ફિનલેન્ડમાં કર્મચારીઓ ખુશ રહે છે કારણ કે ત્યાં પોઝિટિવ કાર્યસંસ્કૃતિ, ફ્લેક્સિબલ વર્ક-લાઇફ બેલેન્સ, ઓછા કામના કલાકો અને પરસ્પર વિશ્વાસ જોવા મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફરી એકવાર ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશહાલ દેશ... શું ત્યાંના કર્મચારી પણ ખુશ રહે છે?
AI Image

World Happiest Country Report: યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ફિનલેન્ડ સતત ઘણા વર્ષોથી દુનિયાનો સૌથી ખુશહાલ દેશ રહ્યો છે. મજબૂત સોશિયલ વેલફેર સિસ્ટમ, ઉત્તમ હેલ્થકેર, ઉચ્ચ શિક્ષણ અને શ્રેષ્ઠ વર્ક-લાઇફ બેલેન્સને તેનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જોકે અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે, શું ત્યાંના કર્મચારીઓ પણ વાસ્તવમાં એટલા જ ખુશ અને સંતુષ્ટ રહે છે, જેટલો આ દેશનો ગ્લોબલ સ્કોર દર્શાવે છે?

દુનિયાનો સૌથી ખુશહાલ દેશ કયો છે? જો તમને એવું લાગતું હોય કે આ સવાલનો જવાબ દર વર્ષે બદલાતો હશે, તો તમે ખોટા છો. સતત ઘણા વર્ષોથી ફિનલેન્ડ આ વૈશ્વિક ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન પર અડીખમ રહ્યું છે. એવામાં એક સવાલ વારંવાર ચર્ચાય છે કે, આખરે આ દેશમાં એવું તો શું ખાસ છે જે લોકોને આટલા ખુશ રાખે છે? શું તેનું કારણ તેમની નોકરી અને અનોખી કાર્યશૈલી પણ છે? કારકિર્દી નિષ્ણાતોનું માનવું છે કે આ સવાલનો જવાબ મોટા ભાગે "હા" માં જ છે.

જોકે, એવી કોઈ સત્તાવાર વૈશ્વિક રેન્કિંગ નથી જે સ્પષ્ટપણે સાબિત કરે કે ફિનલેન્ડના કર્મચારીઓ દુનિયામાં સૌથી વધુ ખુશ છે. જોકે વૈશ્વિક અહેવાલો ચોક્કસપણે દર્શાવે છે કે ત્યાંની પોઝિટિવ કાર્યસંસ્કૃતિ, ફ્લેક્સિબલ વર્ક-લાઇફ બેલેન્સ અને કર્મચારીઓ પ્રત્યેનો પરસ્પર વિશ્વાસ લોકોના જીવન ધોરણને ખૂબ જ ઉચ્ચ સ્તરે લઈ જાય છે.

ઓછા કામના કલાકો, સર્વોચ્ચ વિશ્વાસ

ફિનલેન્ડમાં કામ દરમિયાન કર્મચારીઓનું મૂલ્યાંકન માત્ર ઓફિસમાં વિતાવેલા કલાકો પર નહીં, પરંતુ તેમના વાસ્તવિક પરિણામના આધારે કરવામાં આવે છે. મોટા ભાગની સંસ્થાઓમાં કર્મચારીઓને પોતાના કામ કરવાની રીત અને સમય અંગે પૂરતી સ્વતંત્રતા આપવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો તણાવમુક્ત રહીને પોતાના પરિવાર, મિત્રો અને અંગત જીવન માટે પૂરતો સમય ફાળવી શકે છે.

રજાને બર્નઆઉટ અટકાવવા માટે અનિવાર્ય માનવામાં આવે છે

ભારત જેવા એશિયન દેશોમાં કર્મચારીઓ રજા લેતા પહેલાં ઘણી વખત ખચકાટ અનુભવે છે અથવા લાંબું વિચારવું પડે છે. તેનાથી વિપરીત, ફિનલેન્ડમાં રજા લેવી એ કોઈ કમજોરી કે આળસ નથી, પરંતુ કામની ગુણવત્તા વધારવા માટેનો એક અનિવાર્ય ભાગ માનવામાં આવે છે. ત્યાં કર્મચારીઓને પૂરતી વાર્ષિક રજાઓ મળે છે અને મેનેજમેન્ટ દ્વારા તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, સતત ઘસાયા કરવાને બદલે સમયાંતરે લીધેલો આરામ અંતે તો કંપનીની ઉત્પાદકતામાં જ વધારો કરે છે.

'બોસ' સંસ્કૃતિ નહીં, પણ સમાન 'ટીમ' ભાવના

ફિનલેન્ડના કોર્પોરેટ સેક્ટરની અન્ય એક મોટી ખાસિયત એ છે કે ત્યાં પદ કે ડેઝિગ્નેશનનો તફાવત હોવા છતાં વ્યવહારમાં સમાનતાનું વાતાવરણ જોવા મળે છે. ત્યાં કોઈ હાયરાર્કીનું દબાણ હોતું નથી. જુનિયર કર્મચારીઓ પણ પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ખુલ્લેઆમ અને નીડરતાથી વાત કરી શકે છે. આ ઓપન કોમ્યુનિકેશનના કારણે કાર્યસ્થળ પર તણાવનું સ્તર ખૂબ ઓછું રહે છે અને ટીમમાં પરસ્પર વિશ્વાસ મજબૂત બને છે.

રોજગાર નિષ્ણાતોના મતે, સારો પગાર ચોક્કસપણે જરૂરી છે, પરંતુ લાંબા ગાળા સુધી વફાદાર અને સંતુષ્ટ એ જ કર્મચારીઓ રહે છે જેમને પોતાના કામનો ચોક્કસ હેતુ સમજાય છે, સતત નવું શીખવાની તક મળે છે અને સૌથી મહત્ત્વનું એટલે કે જેમની વાતો અને સૂચનોને ગંભીરતાથી સાંભળવામાં આવે છે. આ જ મુખ્ય કારણ છે કે ફિનલેન્ડ જેવા પ્રગતિશીલ દેશો માનસિક સ્વાસ્થ્ય અને વેલનેસ પાછળ મોટું રોકાણ કરે છે.

કર્મચારીઓનો વાસ્તવિક સંતોષ કેટલો?

વિવિધ યુરોપિયન સર્વેક્ષણો અને OECD (Organisation for Economic Co-operation and Development)ના આંકડા અનુસાર, ફિનલેન્ડમાં જોબ સેટિસ્ફેક્શન સામાન્ય સ્તર કરતાં ઘણો ઊંચો છે. આ ઊંચા સ્કોર પાછળ માત્ર આકર્ષક સેલરી પેકેજ જ જવાબદાર નથી, પરંતુ મજબૂત નોકરીની સુરક્ષા, સામાજિક સમાનતા અને વ્યાપક સામાજિક સુરક્ષા પણ છે. જોકે, દરેક ક્ષેત્ર અને વ્યક્તિગત સ્તરે અનુભવો થોડા ભિન્ન હોઈ શકે છે, પરંતુ એકંદરે ફિનલેન્ડનું મોડેલ સમગ્ર વિશ્વના કોર્પોરેટ જગત માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.