Lifestyle & Fashion

Explainer: 21મી સદીના એન્જિનિયરિંગનો ચમત્કાર, સમુદ્ર પર તરશે ‘ઓશનિક્સ બુસાન’ નામનું શહેર

By GS Team
24 Feb 20264 mins read
TukuTouch Logo
કુદરતી મર્યાદાઓને પડકારવું એ માનવ સ્વભાવ છે. જે વિચાર ક્યારેક કલ્પનાસર્જિત લાગતો હતો તે આજે વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ વિકાસથી હકીકત બની રહ્યો છે. સમુદ્ર પર તરતું શહેર આવો જ એક વિચાર છે. વધતા જતાં દરિયાઈ સ્તર અને ગ્લોબલ વોર્મિંગના ખતરાને ધ્યાનમાં રાખીને હવે સમુદ્ર પર વસવાટ કરવાની વિચારધારા ગંભીરતાથી અમલમાં આવી રહી છે. દક્ષિણ કોરિયાના બુસાન પાસે વિકસાવાઈ રહેલું તરતું શહેર ‘ઓશનિક્સ બુસાન’ માનવ વસાહતોના ભવિષ્યને નવી દિશા આપવા સજ્જ થઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: 21મી સદીના એન્જિનિયરિંગનો ચમત્કાર, સમુદ્ર પર તરશે ‘ઓશનિક્સ બુસાન’ નામનું શહેર
All Image Credit - oceanix.com

Oceanix Busan: કુદરતી મર્યાદાઓને પડકારવું એ માનવ સ્વભાવ છે. જે વિચાર ક્યારેક કલ્પનાસર્જિત લાગતો હતો તે આજે વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ વિકાસથી હકીકત બની રહ્યો છે. સમુદ્ર પર તરતું શહેર આવો જ એક વિચાર છે. વધતા જતાં દરિયાઈ સ્તર અને ગ્લોબલ વોર્મિંગના ખતરાને ધ્યાનમાં રાખીને હવે સમુદ્ર પર વસવાટ કરવાની વિચારધારા ગંભીરતાથી અમલમાં આવી રહી છે. દક્ષિણ કોરિયાના બુસાન પાસે વિકસાવાઈ રહેલું તરતું શહેર ‘ઓશનિક્સ બુસાન’ માનવ વસાહતોના ભવિષ્યને નવી દિશા આપવા સજ્જ થઈ રહ્યું છે. 


ગ્લોબલ વોર્મિંગ અને વધતા દરિયાઈ સ્તરનો ખતરો

વિશ્વભરમાં હવામાન પરિવર્તનને કારણે દરિયાઈ સ્તર સતત વધી રહ્યું છે. વિજ્ઞાનીઓના અનુમાન મુજબ 2100 સુધી દરિયાઈ સ્તર 0.6થી 1.1 મીટર સુધી વધી શકે છે. દુનિયાની આશરે 40% વસ્તી દરિયાકાંઠા નજીક વસે છે. જાકાર્તા, માયામી, બેન્કોક, મુંબઈ જેવા અનેક શહેરો દરિયાઈ પૂરના જોખમ હેઠળ છે. યુએનના અહેવાલો સૂચવે છે કે વૈશ્વિક વેપાર અને માછીમારી માટે મહત્ત્વપૂર્ણ ગણાતા દરિયાકાંઠાના અર્થતંત્રો પર સમુદ્રી જોખમોને કારણે ગંભીર અને કાયમી અસર પડી શકે છે. આ પરિસ્થિતિએ વૈકલ્પિક વસાહતોના નિર્માણ તરફ વિચારવાની જરૂરત ઊભી કરી છે અને એમાંથી નિર્માણ પામ્યું છે સમુદ્ર પર તરતું વિશ્વનું પહેલું શહેર.


વિશ્વનું પ્રથમ તરતું સ્માર્ટ સિટી ઓશનિક્સ બુસાન

દક્ષિણ કોરિયાના બુસાન શહેરના દરિયા કિનારે ઓશનિક્સ બુસાન (Oceanix Busan) નામનું વિશ્વનું પ્રથમ તરતું સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ UN-Habitat અને Oceanix નામની કંપનીના સહયોગથી વિકસાવાઈ રહ્યો છે.

  • શહેરનો વિસ્તાર: લગભગ 15.5 એકર
  • વસ્તીઃ શરુઆતમાં 12,000 લોકો રહી શકશે પછી ક્ષમતા વધારાશે.
  • ડિઝાઇન: ષટ્કોણ આકારનું શહેર ત્રણ વિશાળ પ્લેટફોર્મ પર ઊભું કરાશે. તેની સૌથી મોટી વિશેષતા તેની મોડ્યુલરિટી છે, જેનો અર્થ એ છે કે જેમ વસ્તી વધશે તેમ લેગો બ્લોક્સ જેવા નવા પ્લેટફોર્મ ઉમેરીને શહેરનો વિસ્તાર કરી શકાશે.


જાતે મરમ્મત કરતી ‘બાયોરોક ટૅક્નોલૉજી’

આ શહેરનો પાયો પરંપરાગત કોંક્રિટ પર નહીં, પરંતુ ‘બાયોરોક’ (Biorock) નામના નવા જ પ્રકારના મટિરિયલમાંથી બનશે. આ મટિરિયલ દરિયાના ખનીજોથી બને છે. તેની વિશેષતાઓ નીચે મુજબ છે.

  • તે લોખંડ કરતાં વધારે મજબૂત છે.
  • પાણીમાં તેની મજબૂતાઈ વધી જાય છે. 
  • મટિરિયલને નુકસાન થાય તો તે જાતે જ પોતાની મરમ્મત કરી લે છે. 
  • આ મટિરિયલ કોરલ વૃદ્ધિને પ્રોત્સાહન આપે એવું હોય છે. તેથી સમુદ્રી પર્યાવરણને નુકસાન નહીં થાય પરંતુ તે વધુ જીવંત બનશે.


શહેરની રચના કેવી હશે તે પણ સમજો 

આ શહેરને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને ત્રણ વિભાગોમાં વહેંચાશે. જેમ કે...  

  • લિવિંગ પ્લેટફોર્મઃ એમાં રહેણાંક મકાનો, કોમ્યુનિટી સેન્ટર, સ્કૂલો અને આરોગ્ય સુવિધાઓ હશે.
  • લોજિંગ/હૉસ્પિટાલિટી પ્લેટફોર્મઃ એમાં પ્રવાસીઓ માટે હોટેલ અને રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને મનોરંજન સુવિધા હશે.
  • રિસર્ચ અને ઇનોવેશન પ્લેટફોર્મઃ એમાં સમુદ્રી વિજ્ઞાન અને ટૅક્નોલૉજી, ક્લાયમેટ અને ઈકો સિસ્ટમ અભ્યાસ કરવાના સંશોધન કેન્દ્રો હશે. 

પ્રદૂષણ રહિત પરિવહનની પણ સુવિધા  

ઓશનિક્સ બુસાનમાં રહેનારા લોકો ‘એક્વા સિટિઝન્સ’ (Aqua-Citizens) તરીકે ઓળખાશે. અહીં પરિવહન માટે ઇંધણથી ચાલતાં વાહનો નહીં હોય. લોકો સાયકલ, ઈલેક્ટ્રિક સ્કૂટર, નાની હોડીઓ મારફતે આવાગમન કરશે, જેથી આ શહેરમાં અવાજ પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન બંને ઓછા રહેશે.


પાણી, ખોરાક અને ઊર્જામાં આત્મનિર્ભરતા

સમુદ્રના ખારા પાણી પર ઊભેલા શહેરનો મુખ્ય પડકાર પાણી અને ઊર્જા છે. એ માટે અદ્યતન ઉકેલો અપનાવાશે. જેમ કે... 

  • ઊર્જાઃ ઊર્જા મેળવવા માટે સૌર પેનલનો ઉપયોગ થશે. દરેક છત અને બારી પર સોલાર પેનલ લગાવાશે. પવન અને સમુદ્રી મોજામાંથી ઉત્પન્ન થતી ઊર્જા પણ આ શહેરના સંચાલન માટે ઉપયોગમાં લેવાશે. 
  • પાણીઃ વરસાદી પાણીનો સંચય કરાશે. પાણીનું રિસાયક્લિંગ કરીને ફરી વપરાશ યોગ્ય બનાવાશે. સોલાર-પાવર્ડ ડિસેલિનેશન પ્લાન્ટનો ઉપયોગ કરાશે. 
  • ખોરાકઃ એરોપોનિક્સ અને હાઇડ્રોપોનિક ખેતી પદ્ધતિ વડે પાક મેળવાશે. શહેરની નીચે વિશાળ ટાંકીઓમાં માછલીઓ ઉછેરાશે, જે શહેરને તાજો ખોરાક પૂરો પાડશે. 

આમ, શહેરની રચના જ એ રીતે કરાશે કે, એ પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો સ્વયં પેદા કરી લે. 


સમુદ્રી તોફાન અને મોજા સામે શહેર સુરક્ષિત રહી શકશે

સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સમુદ્રી તોફાન અને મોજાઓ સામે આ શહેર સુરક્ષિત રહી શકશે? જવાબ છે- હા. 

  • જે પ્લેટફોર્મ્સ પર શહેર ઊભેલું હશે એ લવચીક એટલે કે ફ્લેક્સિબલ હશે, એટલે કે દરિયાના મોજા સાથે તે ઊંચા-નીચા થશે, જેથી મોજાથી નુકસાન નહીં થાય.
  • શહેર એ રીતે બનાવાશે કે, તે સમુદ્રી તોફાન સામે ટકી રહે. ‘કેટેગરી 5’ના સુપરસ્ટોર્મ્સ પણ તે સહન કરી લેશે. પરંપરાગત દરિયાકાંઠાના શહેરો ડૂબી શકે, પરંતુ આ શહેર પાણી સાથે તરતું રહેશે.


ઓશનિક્સ બુસાનનું નિર્માણકાર્ય ક્યાં પહોંચ્યું?

ઓશનિક્સ બુસાનનું નિર્માણ હજી શરુ નથી થયું. હાલમાં પ્રોજેક્ટ આયોજન, ટેક્નિકલ અભ્યાસ, પર્યાવરણ મંજૂરી અને ફંડિંગ જેવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. શરુઆતમાં 2023 આસપાસ કામ શરુ થવાની ધારણા હતી, પરંતુ સમયરેખા પાછળ ધકેલાતા હવે 2026 પછી નિર્માણ શરુ થવાની સંભાવના છે. 

વિશ્વમાં બીજે ક્યાં તરતાં શહેરો બની રહ્યા છે? 

તરતાં શહેરો ફક્ત દક્ષિણ કોરિયામાં જ આકાર લેવા જઈ રહ્યા છે એવું નથી. અન્ય દેશો પણ આ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. માલદીવ, નેધરલૅન્ડ્સ, જાપાન અને અમેરિકાનું ન્યૂયોર્ક આ દિશામાં આગળ વધી રહ્યા છે. 


ભારતમાં પણ થઈ રહ્યા છે તરતા નિવાસના પ્રયોગો

ભારતમાં પણ સમુદ્ર આધારિત રહેણાંકના પ્રયોગો શરુ થયા છે.

  • લક્ષદ્વીપ વિસ્તારમાં ફ્લોટિંગ વિલા પ્રસ્તાવ મૂકાયા છે.
  • આંદામાન-નિકોબારમાં પણ પર્યટન આધારિત પાણી વસાહતો સ્થાપવાનો વિચાર ગંભીરતાપૂર્વક મૂકાયો છે.
  • ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્માર્ટ સિટી માટેની સંભાવના શોધાઈ રહી છે.

હાલ આવા પ્રયોગો વિચારાધીન છે, પણ તે ભવિષ્યમાં મોટા પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો કરી શકે છે.