2 વર્ષથી નાના બાળકોને ભૂલથી પણ ફોન ન આપતા, લાઈફ ટાઈમ માટે થઈ શકે છે આ ગંભીર નુકસાન!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Screen Time For Babies Under Two Health Risks 2026: બ્રિટનની ચાર પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક ઐતિહાસિક અને અત્યાર સુધીના સૌથી વ્યાપક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિસર્ચ અનુસાર, બે વર્ષથી ઓછી ઉંમરના શિશુઓ અને નાના બાળકો માટે સ્માર્ટફોન, ટેબ્લેટ કે અન્ય ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ તેમના સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા પર લાંબાગાળાની નકારાત્મક અસરો કરે છે. સંશોધકોએ ચેતવણી આપી છે કે કિશોરોની ડિજિટલ આદતો પર ધ્યાન આપવાની પ્રક્રિયામાં નવજાત શિશુઓ અંગે નીતિઓમાં એક મોટો બેબી બ્લાઇન્ડ સ્પોટ ઊભો થયો છે, જેને તાત્કાલિક સુધારવાની જરૂર છે.
બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ રુંધાશે
યુનિવર્સિટી ઓફ લીડ્સ, લીડ્સ ટ્રિનિટી, લફબરો અને એસ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની બનેલી 'એક્શન ઓન ડિજિટલ ડિવાઇસ ઇમર્સિવ કન્ડિશન્સ ટીમ' ના અહેવાલ મુજબ, આટલી નાની ઉંમરે સ્ક્રીન જોવાથી બાળકોમાં અનેક પ્રકારના નુકસાન થાય છે. આનાથી બાળકોને તેમના માતા-પિતા કે કેરગિવર્સ સાથે ભાવનાત્મક સંબંધ બાંધવાની તકો ઘટી જાય છે, અન્ય બાળકો સાથે શારીરિક રમત રમવાનો સમય ઓછો મળે છે અને ભાષાનો વિકાસ મર્યાદિત થઈ જાય છે. આ ઉપરાંત, અતિશય સ્ક્રીન યુઝથી બાળકોમાં ઓવરસ્ટિમ્યુલેશન વધે છે, ઊંઘવામાં મુશ્કેલી પડે છે, આંખોના સ્વાસ્થ્ય પર અસર થાય છે અને બાળપણમાં જ મેદસ્વીતાનો ખતરો વધી જાય છે.
ભૂલથી પણ બાળકોને શાંત રાખવા ફોન ન આપો
અભ્યાસના સહ-વડા રાફે ક્લેટોને જણાવ્યું કે, માતા-પિતા પોતાની સ્ક્રીનની આદતો અંગે કોઈ યોગ્ય માર્ગદર્શન ન હોવાને કારણે અજાણતા જ પોતાના બાળકોને સ્ક્રીન ઉપકરણો સાથે બિનઆરોગ્યપ્રદ સંબંધો કેળવવાનું શીખવી રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે શિશુઓ હવે માતા-પિતા પાસે જવાને બદલે શાંત થવા અને આશ્વાસન મેળવવા માટે ડિજિટલ ઉપકરણો તરફ વળી રહ્યા છે. સંશોધકોએ સ્પષ્ટપણે ભલામણ કરી છે કે બે વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને જાણીજોઈને નિયમિત સ્ક્રીન ટાઇમ આપવો જ જોઈએ નહીં. સોસાયટીમાં પેસિવ એક્સપોઝર અનિવાર્ય છે, પરંતુ જાણીજોઈને બાળકોને ફોન આપવો તેમના જોખમને બમણું કરે છે.
સરકારી ગાઇડલાઇન અને ટેક કંપનીઓ પર સવાલ
આ અહેવાલે બ્રિટન સરકારની તાજેતરની પાંચ વર્ષથી નાના બાળકો માટેની સ્ક્રીન ટાઇમ માર્ગદર્શિકા પર પણ સવાલો ઉઠાવ્યા છે, જેમાં વીડિયો કોલિંગ કે લર્નિંગ જેવી કેટલીક મર્યાદિત બાબતો માટે સ્ક્રીન શેર કરવાની છૂટ અપાઈ છે. સંશોધકોનું કહેવું છે કે આવી છૂટછાટોથી માતા-પિતા એવું સમજી બેસે છે કે અમુક પ્રકારનો સ્ક્રીન ટાઇમ સુરક્ષિત છે, જે આખરે બાળકો માટે નુકસાનકારક સાબિત થાય છે. ભૂતપૂર્વ મંત્રી એન્ડ્રિયા લીડસમ અને અન્ય નિષ્ણાતોએ પણ આ અહેવાલને 'વેક-અપ કોલ' ગણાવ્યો છે અને ટેક કંપનીઓને એવી વિનંતી કરી છે કે તેઓ બાળકો માટે યોગ્ય ન હોય તેવા કન્ટેન્ટને 'બાળકો માટે લાયક' કહીને પ્રમોટ કરવાનું બંધ કરે.









