Lifestyle & Fashion

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

By GS Team
23 Apr 20263 mins read
TukuTouch Logo
ભારતમાં હાલમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગએ દેશના અનેક ભાગોમાં હીટવેવ (લૂ) ની ચેતવણી જારી કરી છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પૂર્વી ભારતમાં તાપમાન સતત વધી રહ્યું છે. એપ્રિલના અંત સુધીમાં ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. આ ભીષણ ગરમીની અસર ફક્ત બહાર જ નહીં પરંતુ ઘરની અંદર પણ અનુભવાઈ રહી છે. છત પર રાખેલી પાણીની ટાંકીમાંથી ઉકળતું પાણી નીકળી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

How To Keep Water Tank Cool In Summer: ભારતમાં હાલમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગએ દેશના અનેક ભાગોમાં હીટવેવ (લૂ) ની ચેતવણી જારી કરી છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પૂર્વી ભારતમાં તાપમાન સતત વધી રહ્યું છે. એપ્રિલના અંત સુધીમાં ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. આ ભીષણ ગરમીની અસર ફક્ત બહાર જ નહીં પરંતુ ઘરની અંદર પણ અનુભવાઈ રહી છે. છત પર રાખેલી પાણીની ટાંકીમાંથી ઉકળતું પાણી નીકળી રહ્યું છે. 

કેટલાક ઘરોમાં તો એવી સ્થિતિ છે કે, નળ ચાલું કરતા જ ઉકળતું પાણી નીકળે છે. આ પાણીથી સ્નાન કરવું તો દૂરની વાત, વાસણ ધોવું પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તો કેટલાક દેશી જુગાડ તમારી મોટી મદદ કરી શકે છે.  

1. ઈન્સ્યુલેટેડ વોટર ટેન્ક (Insulated Water Tank) 

સૌથી સરળ અને અસરદાર ઉપાય એ છે કે, ટાંકીને કવર કરવી. બજારમાં ઈન્સ્યુલેટેડ વોટર ટેન્ક કવર સરળતાથી મળી જાય છે, જે ટાંકીને સીધા સૂર્યપ્રકાશથી બચાવે છે. જો તમે થોડો જૂગાડુ અંદાજ અપનાવવા માગો છો, તો ઘરમાં રહેલ થર્મોકલ શીટ્સ, રેક્સિન અથવા તો જૂના ગાદલાનો ઉપયોગ કરીને કવર બનાવી શકો છો. તેનાથી ટાંકી પર સીધો સૂર્યપ્રકાશ નહીં પડશે અને પાણીનું તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો રહેશે. 

2. છત પર શેડ લગાવો 

ઉનાળાની ઋતુમાં પ્રચંડ ગરમીને કારણે ઘરની છત સૌથી વધુ તપે છે અને તેના પર જ પાણીની ટાંકી રાખવામાં આવેલી હોય છે. જેના કારણે નળમાં આવતું પાણી પણ અત્યંત ગરમ થઈ જાય છે. જો ટાંકીની ઉપર ટીન, ફાઈબર અથવા ગ્રીન નેટનો શેડલગાવી દેવામાં આવે, તો ટાંકી પર સીધો સૂર્યપ્રકાશ પડતો અટકે છે. આ ઉપાય લાંબા ગાળા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આનાથી માત્ર પાણીની ટાંકી જ ઠંડી નથી રહેતી, પરંતુ ધાબાના અન્ય ભાગોને પણ ઠંડા રાખવામાં મદદ મળે છે. 

3. ટાંકીને સફેદ અથવા હળવા રંગથી પેઈન્ટ કરો

તમે ઘણીવાર જોયું હશે કે લોકો ઉનાળામાં સફેદ કપડાં પહેરવાનું પસંદ કરે છે. તેવી જ રીતે ટાંકી પર પણ હળવા રંગો સૂર્યપ્રકાશને રિફ્લેક્ટ કરે છે. જો તમારી ટાંકી કાળી કે ઘેરી હોય, તો તમે તેને સફેદ અથવા હળવા રંગથી પેઈન્ટ કરાવી શકો છો. આનાથી ટાંકી ઓછી ગરમ થશે અને પાણી પણ વધુ નહીં તપશે. 

4. ટાંકીની આસપાસ છોડ અથવા ગ્રીન કવર લગાવો

જો હજુ વધુ દેશી જુગાડ અપનાવવા માગો તો ટાંકીની આસપાસ કુંડા રાખી દો અથવા તો વેલા વાળા છોડ લગાવો. આનાથી કુદરતી છાંયો બને છે અને ટાંકી પર સીધો સૂર્યપ્રકાશ ઓછો પડે છે. તે છતને પણ ઠંડક આપે છે. આજે પણ ગામડાઓમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે આવા જ જુગાડ અપનાવીને ગરમીથી રાહત મેળવે છે.

આ પણ વાંચો: BREAKING: ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ

5. ટાંકીનો ઉપયોગ દિવસ દરમિયાન ઓછો અને સવાર-સાંજ વધુ કરો

જો પાણી ખૂબ ગરમ થઈ જાય, તો દિવસ દરમિયાન પાણીનો ઉપયોગ ઓછો કરો. વહેલી સવારે અને રાત્રે ટાંકીનું પાણી ઠંડુ થઈ જાય છે, તેથી તે સમયે સ્નાન કરવાનો અને અન્ય કામ કરવાનો પ્રયાસ કરો. આ સાથે જ જો શક્ય હોય તો સંતુલિત તાપમાન જાળવવા માટે દિવસ દરમિયાન ટાંકીમાં થોડું તાજું પાણી પણ ઉમેરતા રહો.