Lifestyle & Fashion

દરરોજ દારૂનો એક પેગ પણ વધારી શકે હાર્ટ એટેકનું જોખમ, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

By GS Team
6 Jul 20263 mins read
TukuTouch Logo
એક નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ, રોજ માત્ર 1 ડ્રિંક પીવાથી પણ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધી શકે છે. અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાના 19,548 લોકો પર થયેલા આ સંશોધનમાં જણાયું કે દારૂનું ઓછું સેવન પણ હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. 'હાઈપરટેન્શન' જર્નલમાં પ્રસિદ્ધ આ રિસર્ચમાં સ્પષ્ટ થયું કે દારૂની માત્રા અને બ્લડ પ્રેશર વચ્ચે સીધો સંબંધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દરરોજ દારૂનો એક પેગ પણ વધારી શકે હાર્ટ એટેકનું જોખમ, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો

Alcohol Effect On Heart: જો તમે એવું વિચારતા હોવ કે ઓછી માત્રામાં દારૂ પીવો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નથી, તો આ નવી રિસર્ચ તમારી આંખો ખોલી શકે છે. એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે રોજ માત્ર એક ડ્રિંક પીવાથી પણ વ્યક્તિનું બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે. લાંબા ગાળે આ સ્થિતિ હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ હાર્ટની બીમારીઓનું કારણ બની શકે છે.

અમેરિકન હાર્ટ એસોસિએશનના પ્રતિષ્ઠિત જર્નલ ‘હાઈપરટેન્શન’માં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાના આશરે 19,548થી વધુ લોકોના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકોના સ્વાસ્થ્ય પર ઘણા વર્ષો સુધી નજર રાખવામાં આવી હતી.

ઓછી માત્રામાં પણ કોઈ ફાયદો નહીં: સીધું કનેક્શન

રિસર્ચર્સના જણાવ્યા અનુસાર, દારૂની માત્રા અને બ્લડ પ્રેશર વચ્ચે સીધો સંબંધ છે. જેમ-જેમ રોજિંદો વપરાશ વધે છે, તેમ-તેમ સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે કે જ્યારે હાર્ટ લોહી પમ્પ કરે છે તે દબાણમાં વધારો થાય છે.

અભ્યાસના મુખ્ય લેખક અને યુનિવર્સિટી ઓફ મોડેના એન્ડ રેજિયો એમિલિયાના પ્રોફેસર માર્કો વિન્સેટીએ જણાવ્યું કે,

“અમને આશ્ચર્ય એ વાતનું થયું કે ખૂબ ઓછી માત્રામાં દારૂ પીનારા લોકોમાં પણ બ્લડ પ્રેશરમાં સતત વધારો નોંધાયો હતો. જે લોકો બિલકુલ દારૂ નથી પીતા, તેમની સરખામણીમાં ઓછું પીનારા લોકોને કોઈ જ સ્વાસ્થ્ય લાભ મળ્યો નથી.”

આંકડા શું કહે છે? કેટલી માત્રાથી કેટલું બ્લડ પ્રેશર વધ્યું?

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસમુજબ, સામાન્ય વયસ્કોમાં 140/90 mmHg કે તેથી વધુ પ્રેશરને હાઈ બ્લડ પ્રેશર ગણવામાં આવે છે. રિસર્ચમાં સામે આવેલા આંકડા નીચે મુજબ છે:

  • રોજ 12 ગ્રામ આલ્કોહોલ: આટલી ઓછી માત્રા લેનારાઓમાં પણ સિસ્ટોલિક બ્લડ પ્રેશર સરેરાશ 1.25 mmHg જેટલું વધી ગયું.
  • રોજ 48 ગ્રામ આલ્કોહોલ: આ માત્રા લેનારા લોકોમાં બ્લડ પ્રેશરમાં સરેરાશ 4.9 mmHgનો મોટો ઉછાળો જોવા મળ્યો.

પુરુષો અને મહિલાઓ પર અલગ અસર: આ રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે દારૂના સેવનથી પુરુષોમાં ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર (હાર્ટના ધબકારા વચ્ચેનું દબાણ) સરેરાશ 3.1 mmHg જેટલું વધ્યું હતું, જ્યારે મહિલાઓમાં આ ડાયસ્ટોલિક પ્રેશરનો પ્રભાવ એટલો સ્પષ્ટ જોવા મળ્યો નથી.

પહેલેથી જ હાઈ બીપી હોય તેમના માટે વધુ ખતરો

વર્લ્ડ હાઈપરટેન્શન લીગના અધ્યક્ષ પ્રોફેસર પોલ વ્હેલને આ સંશોધન વિશે વાત કરતા જણાવ્યું કે, જે લોકોનું બ્લડ પ્રેશર શરૂઆતથી જ થોડું વધારે (બોર્ડરલાઈન પર) હતું, તેમના પર આલ્કોહોલની નકારાત્મક અસર ખૂબ જ ઝડપથી અને સ્પષ્ટ રીતે જોવા મળી હતી.

નિષ્ણાતોની સલાહ: હાર્ટને સ્વસ્થ રાખવા શું કરવું?

હેલ્થ એક્સપર્ટ્સના મતે, માત્ર દારૂ જ નહીં પરંતુ આપણી જીવનશૈલીના અન્ય પરિબળો પણ હાર્ટ રોગ માટે જવાબદાર છે. હાર્ટ અટેક અને સ્ટ્રોકના જોખમથી બચવા માટે નીચેની બાબતોનું પાલન કરવું જરૂરી છે:

  1. આલ્કોહોલથી અંતર: દારૂનું સેવન બને એટલું મર્યાદિત કરવું અથવા તો તેને સંપૂર્ણપણે ટાળવું એ જ હાર્ટ માટે સર્વશ્રેષ્ઠ છે.
  2. સ્વસ્થ જીવનશૈલી: રોજિંદા આહારમાં પૌષ્ટિક ખોરાક લેવો, નિયમિત વ્યાયામ કરવો અને વજન નિયંત્રણમાં રાખવું.
  3. ધૂમ્રપાનનો ત્યાગ: સ્મોકિંગ મનને શાંત કરવાને બદલે હાર્ટની ધમનીઓને સીધું નુકસાન પહોંચાડે છે, તેથી ધૂમ્રપાન તાત્કાલિક છોડવું જોઈએ.