Explainer: અભિનેત્રી કેટરિના કૈફ ઓવરવેટથી ટ્રોલ થઈ, વજનના આધારે થતા ભેદભાવનો અંત આવશે ખરો? રિસર્ચ હતાશાભર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Body Shaming and Mental Health: તાજેતરમાં 14 સપ્ટેમ્બર, 2026ના રોજ મુંબઈમાં અંબાણી પરિવારના ઘર ‘એન્ટિલિયા’ ખાતે ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ તેના પતિ વિકી કૌશલ અને પુત્ર વિઆન સાથે પહોંચી હતી. આ પ્રસંગ બાદ સોશિયલ મીડિયા પર તેના ગર્ભાવસ્થા (પ્રેગ્નન્સી) પહેલાના અને પછીના ફોટાના કોલાજ વાઈરલ થયા, અને લોકોએ તેના શરીર અને વધેલા વજન પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું. આ અગાઉ ઐશ્વર્યા રાય બચ્ચનને પણ કાન્સ 2026 માં તેના વજન માટે ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ આ માત્ર સેલિબ્રિટીઝ પૂરતું સીમિત નથી. આ એ જ કડવી વાસ્તવિકતા છે જેનો સામનો રોજબરોજ દરેક મેદસ્વી વ્યક્તિ ઓફિસમાં, ઘરમાં, લગ્ન બજારમાં કે ડૉક્ટરના ક્લિનિકમાં શાંતિથી કરી રહી છે. આખરે સમાજ વજનને લઈને આટલો કઠોર કેમ છે?
સ્થૂળતાને ખરાબ શા માટે માનવામાં આવે છે?
સામાજિક વિજ્ઞાનની ભાષામાં આ માનસિકતાને 'ફેટફોબિયા' (Fatphobia) કહેવામાં આવે છે. આ કોઈ એક વ્યક્તિનો અંગત દ્વેષ નથી, પરંતુ એક આખી સિસ્ટમ છે, જે લોકોને તેમના શરીરના કદ અને વજનના આધારે નીચા દેખાડે છે અને અપમાનિત કરે છે. ભારતીય સિનેમામાં પણ મેદસ્વી પાત્રોને હંમેશા હાસ્યાસ્પદ પાત્ર તરીકે જ રજૂ કરવામાં આવે છે. વર્ષ 2025 માં મલયાલમ સિનેમા પર થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ફિલ્મોમાં મેદસ્વી લોકોના વજન અને કદ બાબતે ‘કોમેડી’ કરવામાં આવતી હોવાથી સમાજમાં ‘ફેટફોબિયા’ વધુ ફેલાય છે, જેના લીધે લોકોમાં મેદસ્વી લોકોનું ‘બોડી શેમિંગ’ કરવાનું પ્રમાણ વધે છે.
ભારતીય સમાજમાં વજન પ્રત્યેની નફરત કેટલી ઊંડી છે?
ભારતમાં તાજેતરમાં બેરિયાટ્રિક સર્જરી(વજન ઘટાડવા માટેની સર્જરી)ની તૈયારી કરી રહેલા લોકો પર એક ખાસ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે.
- 71% થી વધુ લોકોએ પોતાના વધેલા વજન પ્રત્યે નફરત અને દ્વેષ દર્શાવ્યો.
- 74.6% લોકો પોતાના વજનના કારણે ડિપ્રેશન અને હતાશા અનુભવતા હતા.
- અડધાથી વધુ લોકો પોતાની જાતને જ નફરત કરતા થઈ ગયા હતા.
- 50% લોકોનું માનવું હતું કે જ્યાં સુધી તેમનું વજન ઘટશે નહીં, ત્યાં સુધી તેમનું સામાજિક જીવન સુધરશે નહીં.
મુંબઈના જાણીતા બેરિયાટ્રિકે મત રજૂ કર્યો કે-વજનને લઈને થતી ગુંડાગીરી (Bullying) બાળપણથી જ શરૂ થઈ જાય છે અને મોટી ઉંમર સુધી ચાલે છે. મેદસ્વી લોકોને સમાજ વારંવાર 'આળસુ' અથવા 'નબળા મનોબળ' વાળા માની લે છે. દિલ્હી-NCR માં મલ્ટીનેશનલ કંપનીઓના કર્મચારીઓ પર થયેલા રિસર્ચમાં પણ સાબિત થયું છે કે કામના સ્થળે વજનને લઈને થતી મજાક એ માનસિક તણાવનું સૌથી મોટું કારણ છે.
ફેટફોબિયા સામેનો વિરોધ આજનો નથી, આ નફરત અને ભેદભાવની શરૂઆત ક્યાંથી થઈ?
- વર્ષ 1967 માં ન્યુ યોર્કના સેન્ટ્રલ પાર્કમાં લગભગ 500 લોકોએ ‘ફેટ-ઇન’ (Fat-In) નામનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે આહાર (ડાયેટ) સંબંધિત પુસ્તકો સળગાવીને ભેદભાવ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
- 1973 માં 'ફેટ અંડરગ્રાઉન્ડ' નામના એક જૂથે ‘ફેટ લિબરેશન મેનિફેસ્ટો’ બહાર પાડ્યો, જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે મેદસ્વી લોકોને પણ સંપૂર્ણ માનવીય સન્માન અને ગૌરવ મેળવવાનો અધિકાર છે.
- 2001 માં યેલ યુનિવર્સિટીના સંશોધકો રેબેકા પુહલ અને કેલી બ્રાઉનેલે દર્શાવ્યું કે મેદસ્વી લોકોને રોજગાર, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓમાં પણ ભેદભાવ સહન કરવો પડે છે. આ રિસર્ચ મુજબ, 28% શિક્ષકો એવું માનતા હતા કે વધારે વજન હોવું એ કોઈપણ વ્યક્તિના જીવનની સૌથી ખરાબ બાબત છે. જ્યારે 24% નર્સો મેદસ્વી દર્દીઓને જોઈને ‘ઘૃણા’ અનુભવતી હતી.
મેડિકલ ક્ષેત્રે થતો ભેદભાવ
સૌથી દુઃખદ બાબત એ છે કે, વજનના કારણે ડૉક્ટર પાસે જવું પણ મેદસ્વી લોકો માટે ડરનું કારણ બની ગયું છે. ઘણા દર્દીઓ પોતાની સારવાર માત્ર એ ડરથી ટાળે છે કે ડૉક્ટર તેમને તેમના શરીર પરથી ‘જજ’ કરશે. ભારતમાં વર્ષ 2026ના એક અભ્યાસ મુજબ, મેડિકલ સિસ્ટમમાં પણ એવી માનસિકતા ઘર કરી ગઈ છે કે કોઈપણ તબીબી સારવાર માટે વજન ઘટાડવું ફરજિયાત છે.
'દરેક કદમાં સ્વસ્થ' (Health At Every Size - HAES) શું છે?
આ સમસ્યાઓના ઉકેલ રૂપે હવે આરોગ્ય નિષ્ણાતો એક નવો અભિગમ લાવી રહ્યા છે - Health At Every Size (HAES). જેનો અર્થ એવો નથી કે વજન બિલકુલ મહત્ત્વનું નથી, પરંતુ તેનો સાચો અર્થ એ છે કે વ્યક્તિનું ધ્યાન માત્ર વજન ઘટાડવાની પાછળ ભાગવાને બદલે સભાન આહાર (Healthy Eating), યોગ્ય કસરત અને શારીરિક આદર પર કેન્દ્રિત હોવું જોઈએ.
સ્થૂળતા વગરની દુનિયા કેવી દેખાશે?
સ્થૂળતા વગરની દુનિયાનો અર્થ એવો બિલકુલ નથી કે દુનિયામાં જાડા લોકો હશે જ નહીં. તેનો સાચો અર્થ એક એવી દુનિયા બનાવવાનો છે જ્યાં સ્થૂળતા પ્રત્યે કોઈ ભેદભાવ કે નફરત નહીં હોય.
- એક એવી દુનિયા જ્યાં કોઈ માતાને બાળકને જન્મ આપ્યા પછી વધેલા વજન માટે માફી ન માંગવી પડે.
- જ્યાં કોઈ પણ દર્દી ડૉક્ટર પાસે જતા ડરે નહીં.
- જ્યાં ઓફિસમાં કોઈની ભોજનની થાળી કે શરીરના કદ પર મજાક ન ઉડે.
- જ્યાં શાળામાં જતા બાળકો બોડી શેમિંગના ડરથી રડે નહીં.
આ જ દિશામાં 'નેશનલ ઈટિંગ ડિસઓર્ડર્સ એસોસિએશન' (NEDA) દ્વારા ‘ઇમેજિન અ વર્લ્ડ વિધાઉટ વેઈટ હેટ’ (વજન પ્રત્યેની નફરત વિનાની દુનિયાની કલ્પના કરો) નામનું એક સુંદર અને પ્રેરણાદાયક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. સમય આવી ગયો છે કે આપણે વજનના કાંટાથી ઉપર ઉઠીને માણસાઈ અને સ્વાસ્થ્યને સાચું મહત્ત્વ આપીએ.




