Gujarat

પોલેન્ડની બોર્ડર પર ફસાયેલા ભારતીયોની મદદે આવ્યો આ ગુજરાતી, કહ્યું- ચિંતા ના કરશો

By GS Team
2 Mar 20222 mins read
This article was originally published on 2 Mar 2022
પોલેન્ડની બોર્ડર પર ફસાયેલા ભારતીયોની મદદે આવ્યો આ ગુજરાતી, કહ્યું- ચિંતા ના કરશો

નવી દિલ્હી, તા. 02 માર્ચ, 2022, બુધવાર

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે સાતમો દિવસ છે. યુદ્ધના 6 દિવસ વિત્યા બાદ પણ રશિયા દ્વારા સતત યુક્રેન પર હુમલા કરવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે ભારત દ્વારા 'ઓપરેશન ગંગા' હેઠળ ફ્લાઈટ ઓપરેશનને વેગ આપવામાં આવ્યો છે.

ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ યુક્રેનમાં ભારે સંકટમાં ફસાયા છે. પોલેન્ડ સરહદે 300 જેટલા ભારતીયો ફસાયેલા છે. તેના અંતર્ગત યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એક નોટિફિકેશન જાહેર કરી દીધું છે. ભારતીયોને એવું કહેવામાં આવ્યું છે કે, તાત્કાલિક ધોરણે ભારતીય નાગરિકોએ યુક્રેનની રાજધાની કીવને ખાલી કરવી પડશે. સાથે જ એમ્બેસીએ સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવા આદેશ આપેલા છે. 

આ પરિસ્થિતી મધ્યે પોલેન્ડમાંથી ભારતીયોની મદદ માટે ગૃહાંગ પટેલ નામનો યુવાન આગળ આવ્યો છે. મૂળે આણંદના ગૃહાંગ પટેલે પોલેન્ડ ખાતેથી એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને મદદ માટેની તૈયારી દર્શાવી છે. ગૃહાંગ પટેલે વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, તે પોલેન્ડની સરહદે ફસાયેલા ભારતીયોની તેનાથી બનતી તમામ મદદ કરશે. ગૃહાંગ પટેલ દ્વારા પોતાનો મોબાઈલ નંબર +48729663296 પણ જાહેર કરવામાં આવ્યો છે. 

તેણે જણાવ્યું હતું કે, કોઈપણ ભારતીયોને મદદની જરૂર હોય તો સંપર્ક કરવો. તે ભારતીયોને રહેવા-જમવા સહિતની તમામ વ્યવસ્થા પૂરી પાડશે. ભારતીય લોકો અને વિદ્યાર્થીઓને જરૂર હોય તો પોલેન્ડમાં અમારો સંપર્ક કરે.

ગૃહાંગ પટેલ (28 વર્ષ) મૂળે આણંદના ઓડ ગામનો વતની છે અને પોલેન્ડની રાજધાની વોર્સો ખાતે સ્થાયી થયેલો છે. તે વોર્સો ખાતે ફુડ ડિલિવરી બિઝનેસમાં સંકળાયેલો છે. તે પોતાના લગ્ન બાદ ગત 26 જાન્યુઆરીના રોજ પોલેન્ડ પરત ફર્યો હતો. ગૃહાંગ અને તેના સાથીદારોએ અત્યાર સુધીમાં 30-40 લોકોને આશરો આપ્યો છે અને તે સિવાય અન્ય લોકોએ વોર્સો ખાતેના હિંદુ ભવન અને ગુરૂદ્વારામાં શરણ લીધું છે.