વાતાવરણ ન બદલાય તો ખેત-પદ્ધતિ બદલવી પડશે અને તેના ઉપાય છે જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : છેલ્લા કેટલાક વર્ષોથી આબોહવામાં જે સતત વિષમ ફેરફાર થતા રહે છે, તેની સૌથી વધુ વિપરિત અસર જે-તે કૃષિ પાક પર પડ્યા વિના રહેતી નથી. અહીં આપણે ઘઉંની જ વાત કરીએ. ઘઉં એ એક એવો પાક છે જેની ગુણવત્તા થોડી પણ બગડે તો પણ તેના સ્વાદ અને આરોગ્યસંબંધી તેની અસર પણ જોખમાયા વિના રહે નહીં.
શિયાળામાં પાકતા ઘઉંની શ્રેષ્ઠ વિકાસ પ્રક્રિયા માટે ઠંડીની જરૂરિયાત રહે છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગ જેવાં પરિબળોનાં કારણે મોટેભાગે એવું બનતું હોય છે કે જ્યાં ઠંડીની જરૂરિયાત હોય ત્યાં આપણે ગરમી અનુભવીએ. આ પ્રકારની ગરમીના કારણે ઘઉંની વિકાસ પ્રક્રિયા જોખમાતી હોય છે. એટલે જ ઘઉંની ગુણવત્તા અને તેનું ઉત્પાદન ઘટી જાય તે સ્વાભાવિક છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વાતાવરણમાં થતાં સતત ફેરફારોએ ઘઉંના પાકની ઉપજ પર ચિંતાજનક અસર કરી છે. તાપમાનમાં થતો ફેરફાર હવે માત્ર કૃષિ વૈજ્ઞાનિકોની ચર્ચા કે ચિંતાનો વિષય નથી રહ્યો, તે ખેતરમાં ઊભેલા પાકમાં દેખાતો વાસ્તવિક પડકાર પણ બની ગયો છે.
તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ‘એ. પી. એસ. આઇ. એમ.- વ્હીટ મોડલ’ નામના વૈજ્ઞાનિક મોડલ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઘઉંની ઉપજ પર વાતાવરણના ફેરફારોની અસરનું વિશ્લેષણ કર્યું છે. આ મોડલના આધારે મળેલી માહિતી ખૂબ મહત્ત્વની છે.
સંશોધન અનુસાર, જો તાપમાનમાં માત્ર 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય, તો ઘઉંની ઉપજમાં 3 થી 7 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. જો આ વૃદ્ધિ 2 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય, તો ઉપજમાં સરેરાશ 12 થી 14 ટકા સુધી ઘટાડો થવાની શક્યતા છે.
ફેબ્રુઆરી અને માર્ચ મહિનો ઘઉંના પાક માટે નિર્ણાયક
ઉષ્ણતામાનમાં આ વધારો આપણને નાનો લાગે, પરંતુ ખેતરમાં ઉત્પાદન ઘટવાના સંદર્ભમાં તેનું પરિણામ ખૂબ મોટું એટલે કે ખેડૂત માટે ખૂબ નુકસાનકારક છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનાઓ ઘઉંના પાક માટે નિર્ણાયક ગણાય છે, કારણ કે આ સમયે ગ્રેઈન ફિલિંગ એટલે કે દાણા ભરવાની પ્રક્રિયા ચાલતી હોય છે. જો આ સમયમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહે તો છોડમાં પોષણના પ્રવાહ પર અસર થાય છે. દાણા નાના બને છે, તેમનું વજન ઘટે છે અને છોડ વહેલા સૂકાઈ જાય છે. પરિણામે ઉપજમાં ઘટાડો થવા લાગે છે.
અભ્યાસ દર્શાવે છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગરમીનો પ્રભાવ વધુ ગંભીર છે, કારણ કે આ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત વહેલી થાય છે. એવામાં પાકની અંતિમ અવસ્થામાં તીવ્ર ગરમી હોય તો ઉપજમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે તાપમાનમાં વધારાની આ પ્રક્રિયા આવી જ રીતે ચાલુ રહી તો આવતા દાયકાઓમાં ઘઉંની સરેરાશ ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના વધી જશે.
ગરમી સહન કરી શકતી ઘઉંની જાતોની પસંદગી કરવી જોઈએ
આ સાથે વૈજ્ઞાનિકોએ ગરમી સહન કરી શકે તેવી ઘઉંની જાતો પસંદ કરવાની ભલામણ કરી છે. જેમ કે GW-366, GW-496 અને GW-322. આ જાતો વધતા તાપમાનમાં પણ સારી ઉપજ આપે છે. સાથે સાથે માઇક્રો સિંચાઈ પદ્ધતિ, જેમ કે ડ્રીપ અથવા સ્પ્રિંકલર, અપનાવીને પાણીનો બચાવ અને ભેજનું સંતુલન બંને જાળવી શકાય છે. સાથે જ વાતાવરણમાં ઠંડક પણ જળવાવાથી ગરમીના સંજોગોમાં પણ ઘઉંના પાકને લાભ થશે.
વાતાવરણમાં ફેરફાર અનિવાર્ય છે, પરંતુ સમજદાર ખેડૂત એ છે જે પોતાનું આયોજન વાતાવરણ પ્રમાણે બદલે છે. જો તાપમાન વધી રહ્યું છે, તો પાકની પદ્ધતિ અને વાવણીનો સમય પણ વૈજ્ઞાનિક રીતે બદલવો જ પડશે. ફક્ત ગરમીને દોષ આપવાથી કંઈ બદલાશે નહીં પદ્ધતિ બદલવાથી પરિણામ બદલાશે.
અંતમાં, વાત એટલી જ છે કે તાપમાનનો વધારો હવે ભવિષ્યની ચેતવણી નહીં પરંતુ આજની વાસ્તવિકતા છે. પરંતુ ઘઉંનો પાક હજી પણ આપણા હાથમાં છે. જો આપણે વિજ્ઞાનના આધારે ખેતી કરીએ, સમયસર નિર્ણય લઈએ અને નવી ટેક્નોલોજી સ્વીકારીએ, તો આ ગરમીને પણ પોતાના પક્ષમાં ફેરવી શકીએ. વાતાવરણ બદલાય છે, પરંતુ સમજદાર ખેડૂત પોતાની પદ્ધતિ બદલતો રહે છે. એ જ સાચી આધુનિક અને નફાકારક ખેતીની ઓળખ છે.
યોગ્ય સમયે સિંચાઈ વ્યવસ્થાપન ખૂબ જરૂરી
જ્યારે જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં ગરમી પડે ત્યારે ઘઉંના પાકને એ ગરમીની અસરથી બચાવવા પિયત વ્યવસ્થાપન ઉપયોગી બની જાય છે. આવા સંજોગોમાં ઘઉંના સંતોષકારક ઉત્પાદન માટે તેના યોગ્ય સમયે સિંચાઈનું વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે. સિંચાઈમાં થોડો પણ વિલંબ થાય તો જમીનનો ભેજ ઘટે છે અને ગરમી વધુ અસર કરે છે. વધતા તાપમાનથી છોડની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા ઓછી થાય છે, જેના કારણે છોડ પોતાની ઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવે છે. પરિણામે પાંદડા વહેલાં સુકાઈ જાય છે, દાણા પૂરતા ભરાઈ શકતા નથી અને ગુણવત્તા સાથે ઉપજ એમ બંને ઘટે છે.
ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક છે, પરંતુ તેના ઉપાય પણ છે જ. આજનું વિજ્ઞાન હવે ખેડૂત સુધી પહોંચી ગયું છે અને યોગ્ય સમયસર પગલાં લેવાથી આ જોખમને ઘણું ઓછું કરી શકાય છે. તેનો વ્યવહારુ ઉપાય છે વાવણીનો યોગ્ય સમય. વૈજ્ઞાનિક ભલામણ પ્રમાણે જો વાવણી કરવામાં આવે તો ગરમી વધે તે પહેલાં જ દાણા ભરાવાની અવસ્થામાં પાક પહોંચી શકે છે. આ રીતે પાક પોતાના સૌથી સંવેદનશીલ તબક્કામાં તાપમાનની તીવ્ર અસરથી બચી શકે છે.
બીજું, ખેતરમાં પૂરતો ભેજ જાળવી રાખવા માટે સિંચાઈનું યોગ્ય આયોજન કરવું આવશ્યક છે. ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં એક વધારાની સિંચાઈ આપવી અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિંચાઈ છોડને વધતા તાપમાન સામે રક્ષણ આપે છે. વધુમાં પ્રાકૃતિક આચ્છાદન પણ ખૂબ અસરકારક પદ્ધતિ છે. મલ્ચિંગ દ્વારા જમીનનું તાપમાન ઓછું રહે છે, ભેજ લાંબા સમય સુધી ટકી રહે છે અને છોડ તણાવમુક્ત રહે છે.




