પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત બિયારણનો આગ્રહ રાખો, ખર્ચ ઘટશે, ઉત્પાદન પણ વઘશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : શિયાળાની ગુલાબી ઠંડીના દિવસોમાં રાજ્યના સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સીમમાં ફરીએ તો ઠંડા પવનોની વચ્ચે ખેતરો ઘઉંના લીલાછમ પાકથી લહેરાતા હોય ત્યારે આનંદ થાય કે, પોતાના આર્થિક ઉપાર્જનની સાથે સામાન્ય માનવીની ખાદ્ય જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખીને ખેડૂત જે મહેનત કરી રહ્યો છે, તેના મીઠાં ફળ ધરતીમાતા અવશ્ય આપશે. પણ હવે સ્થિતિ એવી છે કે માત્ર આપણી ઇચ્છાથી નથી ચાલતું, છેલ્લા કેટલાક વર્ષોથી પ્રકૃતિએ પણ સમયે સમયે તેના અલગ અલગ રૂપ દેખાડવાની શરૂઆત કરી દીઘી છે. ગ્લોબલ વોર્મિંગ કહો કે સતત વિષમ હવામાન વગેરે પરિબળોના કારણે અગાઉનાં વર્ષોની તુલનામાં ખેતી આજે સતત અનિશ્ચિત બનતી જાય છે.
રાજ્યમાં અનેક ખેડૂતો એવા છે કે જે હવે આ પ્રકારની વારંવારની સમસ્યાઓને પડકાર માનીને તેને અવસરમાં પલટાવવા અનેક પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનોનો લાભ લઈને જે-તે ખેતીપાકના શુદ્ધ પ્રમાણિત બિયારણનો આગ્રહ રાખે, આ પ્રકારના બિયારણોની પોતે પણ ખેતી કરે અને આ રીતે ગ્લોબલ વોર્મિંગ જેવા વિપરિત પરિબળો વચ્ચે પોતાની ખેતીને સાચા અર્થમાં ટકાઉ બનાવી રહ્યા છે.
અહીં આપણે વાત કરવી છે શિયાળાના મુખ્ય પાક ઘઉંની. કોઈ પણ પાકની જેમ ઘઉંની ખેતીમાં પણ યોગ્ય સમયે તકેદારી કે સાવઘાની ન રખાય તો રોગ-જીવાતનો ઉપદ્રવ લીલાછમ હરિયાળાં ખેતરોને પણ રોગચાળાથી નુકસાન કરે તે હવે લગભગ મોટાભાગના ખેડૂતોનો અનુભવ છે. જો પૂરતી માવજત ન કરાય તો ઘણીવાર ગેરૂ રોગ જેવા રોગ ઉપજમાં 20 થી 25 ટકા સુધીનું નુકસાન પહોંચાડે છે. જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો આ રોગ પાકની ગુણવત્તા અને ઉપજ બંનેને અસર કરે છે. પરંતુ હવે ખેડૂતો માટે આશાનું નવું કિરણ બનીને આવી છે ગુજરાત રાજ્ય બીજ નિગમની ઘઉં-513 જાત, જે ઘઉં માટે ગેરૂ રોગથી રક્ષિત છે અને તેની ઉપજમાં પણ વધારો આપે છે.
આ નવી જાતના લાભનો અનુભવ કર્યો છે મહેસાણા જિલ્લાના વડસ્મા ગામના ખેડૂત માનસિંહભાઈ ચાવડાએ, જેમણે છેલ્લા ઘણાં વર્ષોથી બીજ ઉત્પાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. માનસિંહભાઈ કુલ 80 એકર જમીન ધરાવે છે અને છેલ્લા 14 વર્ષથી ગુજરાત રાજ્ય બીજ નિગમ સાથે જોડાઈને બીજ ઉત્પાદનનું કામ કરે છે. તેઓ ફાઉન્ડેશન અને બ્રીડર બીજમાંથી પ્રમાણિત બિયારણનું ઉત્પાદન કરે છે.
શિયાળાની ૠતુમાં માનસિંહભાઈ 30 એકર જમીનમાં ઘઉંની ખેતી કરે છે. વર્ષ 2024માં તેમણે 10 એકર જમીનમાં ‘ઘઉં-513’ જાતનું વાવેતર કર્યું હતું, જ્યારે બાકી 20 એકરમાં ઘઉં-496 અને ઘઉં-451 જાતો વાવી હતી. પોતાના અનુભવો જણાવતા તેઓ કહે છે કે ‘ઘઉં-513’ જાતે તેમને અતિ ઉત્તમ પરિણામ આપ્યું.
વધુ ઉપજ અને ઓછું બિયારણ
માનસિંહભાઈ જણાવે છે કે ઘઉં-513 જાતમાં અન્ય જાતો કરતા 15 થી 20 ટકા વધુ ઉપજ મળી હતી. જ્યાં ઘઉં 496 અને 451 જાતોમાં તેમને એકર દીઠ 85 થી 90 મણ ઉપજ મળી, ત્યાં ઘઉં 513 જાતમાં એકર દીઠ 120 મણ ઉપજ પ્રાપ્ત થઈ. આ જાતમાં એકર દીઠ આશરે 10 કિલો ઓછા બિયારણની જરૂર પડે છે, સામાન્ય જાતમાં 50 કિલો પ્રતિ એકર બિયારણની જરૂર પડે છે, જ્યારે આ જાતમાં માત્ર 40 કિલો બિયારણ પૂરતું થઈ રહે છે. આ રીતે ખેડૂતોને બિયારણ ખર્ચમાં પણ સીધો લાભ થાય છે.
વહેલી પાકતી ગુણવત્તાયુક્ત જાત
ઘઉં 513 જાતનો વધુ એક મોટો ફાયદો એ છે કે તે વહેલી પાકી જાય છે. જ્યાં અન્ય ઘઉંની જાતોને તૈયાર થવામાં 120 થી 140 દિવસ લાગે છે, ત્યાં ઘઉં-513 જાત માત્ર 105 થી 115 દિવસમાં તૈયાર થાય છે. વહેલી પાકી જવાના કારણે ખેડૂતો વહેલી કાપણી કરી સારા ભાવ મેળવી શકે છે. દાણાનો રંગ, આકાર અને ચમક પણ અન્ય જાતો કરતાં વધુ ઉત્તમ હોય છે, જેના કારણે તેનું બજાર વેચાણ સરળ બને છે અને ભાવ પણ વધુ મળે છે.
આર્થિક લાભ અને નફાકારકતા
માનસિંહભાઈએ 10 એકર જમીનમાં ઘઉં 513 જાત વાવી હતી, જેમાંથી તેમને 1,200 મણ ઉત્પાદન મળ્યું. કારણ કે તેઓ બીજ ઉત્પાદન કરતા હતા તેથી તેમને રૂપિયા 750 પ્રતિ મણનો ભાવ મળ્યો અને આમ તેમની કુલ આવક રૂપિયા 9,00,000 સુધી પહોંચી.
તેઓ જણાવે છે કે ઘઉંની ખેતીમાં એકર દીઠ રૂપિયા 6,000 થી રૂપિયા 6,500 જેટલો ખર્ચ થાય છે. એટલે ઘઉં 513 જાતમાં 10 એકર માટે કુલ રૂપિયા 65,000 જેટલો ખર્ચ થયો અને તેમને રૂપિયા 8,35,000 નો ચોખ્ખો નફો થયો.
બીજી તરફ, ઘઉં 496 અને 451 જાતની 20 એકરમાંથી તેમને 1,760 મણ ઉપજ મળી અને રૂપિયા 600 પ્રતિ મણના દરે વેચાણ કરતાં આશરે રૂપિયા 10,56,000 ની આવક થઈ. તેમાં તેમનો નફો રૂપિયા 9,36,000 જેટલો રહ્યો. આમ તેમને ગયા વર્ષે ઘઉં માંથી કુલ 17,71,000 આવક થઇ. એટલે કોઈપણ ખેડૂત જો ઘઉં 513 જાતનું વાવેતર કરે તો એકરદીઠ ઉત્પાદનમાં અંદાજે 30 થી 32 મણ ઉત્પાદનનો વધારો થવાની સંભાવના છે.
આ રીતે જોવામાં આવે તો ઘઉં 513 જાતે ઉપજ, ગુણવત્તા અને આવક, ત્રણેય ક્ષેત્રોમાં ઉત્તમ પરિણામ આપ્યું છે.
કાપણી સમયનું મહત્ત્વ
માનસિંહભાઈ તેમના અનુભવે કહે છે કે ઘઉં-513 જાતમાં 20 થી 25 ટકા વધારે ઉપજ મળી શકે છે, પરંતુ કાપણીના સમયનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો કાપણી મોડેથી કરવામાં આવે તો દાણા ખરી જાય છે અને ઉપજ ઘટે છે. તેથી પાક તૈયાર થયા પછી સમયસર કાપણી કરવી અત્યંત જરૂરી છે.
માનસિંહભાઈનો અનુભવ એ સાબિત કરે છે કે નવી જાતો અપનાવવી અને આધુનિક ખેતી પદ્ધતિઓ અમલમાં મૂકવી એ આજના સમયમાં આવક વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ઘઉં-513 જેવી જાતો માત્ર રોગપ્રતિકારક જ નથી, પરંતુ ઓછા ખર્ચે વધુ ઉપજ આપતી હોવાથી ખેડૂતો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. તેઓ અંતમાં કહે છે, ખેડૂતોએ સમય સાથે બદલાવ લાવવો જોઈએ. નવી ટેક્નોલોજી અને સુધારેલી જાતો અપનાવીને જ આપણે ખેતીને વધુ નફાકારક બનાવી શકીએ.
ઘઉં-513 જેવી નવી જાતો ખેડૂત માટે નવી સંભાવનાઓનું દ્વાર ખોલે છે. આ જાત રોગપ્રતિકારક, વહેલી પાકી જતી અને વધુ ઉપજ આપનારી હોવાથી ગુજરાત જેવા પ્રદેશોમાં ખેડૂતો માટે સુવર્ણ તક સમાન છે. જો ખેડૂતો માનસિંહભાઈ જેવા નવીન વિચારો અપનાવે, તો પાક ઉપજ અને આવક બંનેમાં ક્રાંતિ લાવી શકે છે.




