Krushi Vishwa

સ્ટીવીયાની ખેતીમાં માત્ર ચાર ગૂંઠામાં વર્ષે રૂા. 2 થી 5 લાખની આવક, વાવેતર પછી સતત પાંચ વર્ષ સુધી ઉત્પાદન મળતું રહે

By GS Team
7 Jan 20265 mins read
TukuTouch Logo
સ્ટીવીયા એટલે કે મીઠી તુલસીના પાનમાંથી મૂલ્યવર્ધન દ્વારા મળતો પાવડર એ ખાંડ કરતાં 30 ટકાથી વધુ ગળપણ ઘરાવે છે, ડાયાબીટીસના દર્દીઓ માટે આ ઔષધ મૂલ્યવાન છે, તેની કોઈ આડઅસર પણ જોવા મળતી નથી

Summarized by AI; it may make mistakes. Check important info

સ્ટીવીયાની ખેતીમાં માત્ર ચાર ગૂંઠામાં વર્ષે રૂા. 2 થી 5 લાખની આવક, વાવેતર પછી સતત પાંચ વર્ષ સુધી ઉત્પાદન મળતું રહે

Agriculture News : શારીરિક સ્વાસ્થ્ય જોખમાવીને માનવીના તન-મનને અકળાવી મૂકે, તેની સારવાર પણ એવી કે જિંદગી આખી દવા લઈને આરોગ્યને જાળવવા માટે દર્દીએ સતત તકેદારી રાખવાની, એવો રોગ એટલે ડાયાબીટીસ. ડાયાબીટીસના દર્દી માટે સૌથી મોટો પ્રશ્ન ગળપણયુક્ત આહાર કે પીણાંને તિલાંજલિ આપવી. 

આ પરિસ્થિતિમાં ખાંડ એટલે ડાયાબીટીસના દર્દીઓ માટે દુશ્મનથી પણ વિશેષ. પણ ખાંડ એટલે કે ગળપણ વિના ચાલે નહીં, ખાસ કરીને જેમને ચાની આદત હોય તેમને માટે તો ડાયાબીટીસના કારણે બિલકુલ ખાંડ વિનાની એટલે કે સદંતર મોળી ચા જિંદગીભર પીને સંતોષ માનવાનો.

હવે મજાની વાત એ છે કે જેને આપણે આયુર્વેદિક ઔષધ કહી શકીએ, તેવો એક છોડ કે જે સ્ટીવીયા અને આપણી દેશી ભાષામાં મીઠી તુલસી તરીકે ઓળખાય છે, તેનું વાવેતર કરી ખેડૂતો જો તેનું ઉત્પાદન મેળવે તો કેટલા ખેડૂતોને એ વાતની ખબર છે કે સ્ટીવીયાની ખેતી  દ્વારા માત્ર અડઘા કે એકાદ વીઘામાં પણ કલ્પના બહારની કમાણી કરી શકાય ? કદાચ બહુ ઓછાને ખબર હશે.

અહીં વાત કરવી છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામના ખેડૂત નરેન્દ્રભાઈ સાંઘાણીની કે જેઓ માત્ર ચાર ગૂંઠામાં જ સ્ટીવીયાની ખેતીમાં વર્ષે ખર્ચ બાદ કરીને પણ રૂપિયા પાંચેક લાખની ચોખ્ખી કમાણી કરે છે. ચાર ગૂંઠામાં આટલી કમાણી શક્ય બને કે કેમ  ? તેવો પ્રશ્ન થતા તેના ઉત્તરમાં વિસ્તૃત માહિતી આપતા નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. 

તેમણે વિગતવાર ગણતરી કરીને વાત કરતા કહ્યું, ‘હું છેલ્લા પાંચ વર્ષથી મારા ચાર ગૂંઠામાં સ્ટીવીયાની ખેતી કરું છું. તેનું વાવેતર કર્યા પછી લગભગ ત્રીજા મહિનાથી જ સ્ટીવીયાના પાનનું ઉત્પાદન મળતું થઈ જાય છે. મને પહેલા જ વર્ષે વાવેતર કર્યા બાદ ત્રીજા મહિનાથી પાનનું ઉત્પાદન મળતા તેમાંથી 16 કિલોગ્રામ પાવડર મળતા તેનું રૂા. 2500/- ના ભાવે મેં સ્થાનિક બજારમાં વેચાણ કર્યું. એટલે બે મહિને રૂા. 30 હજાર પ્રમાણે વાર્ષિક રૂા. 1.20 લાખની મને આવક  પાવડરના વેચાણ પેટે થઈ.

પહેલા વર્ષથી લગભગ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સરેરાશ રૂા. 6 લાખની આવક તો થાય જ છે. તેમાંથી મારી પ્રાકૃતિક ખેતીના કારણે પ્રમાણમાં ઘણો ઓછો ખર્ચ એટલે કે ખેતમજૂરી ઉપરાંત અન્ય મજૂરી ખર્ચ ગણીએ તો રૂા. 80,000 જેવો ખર્ચ થાય, એટલે ખર્ચ બાદ કરતા પાંચેક વર્ષે સહેજે પાંચેક લાખ રૂપિયાની ચોખ્ખી આવક માત્ર ચાર ગૂંઠામાં મને મળે છે. હું સ્ટીવીયાના પાવડરનું વેચાણ સ્થાનિક બજારમાં જ કરી લઉં છું. 

તેઓ આવક અંગે સ્પષ્ટતા કરતા જણાવે છે કે સ્ટીવીયાની ખેતી કરનાર ખેડૂત માનો કે સ્થાનિક બજારમાં સંપર્ક કેળવીને જો સીઘું જ વેચાણ ન કરી શકે અને આયુર્વેદિક દવાઓ તૈયાર કરતી કંપની કે ફાર્મસીને જો વેચાણ કરે તો પણ પાવડરનો ભાવ પ્રમાણમાં ઓછો મળવાને કારણે ખેડૂતને ચાર ગૂંઠાદીઠ વાર્ષિક રૂા. બે લાખની ચોખ્ખી આવક તો થાય જ. જે કોઈ પણ ખેડૂત માટે ઓછી ન કહેવાય.

અન્ય ખેડૂતોએ જો સ્ટીવીયાની ખેતી કરવી હોય તો તેઓ પણ તેમના અન્ય કોઈ પણ ખેતીપાકની સાથે કરી શકે. તેમણે કહ્યું કે, હાલમાં સ્ટીવીયાના છોડની સરેરાશ કિંમત રૂા. 5 ની આસપાસ છે એટલે એક વીઘામાં ખેડૂતોએ 20,000 છોડનું વાવેતર કરવું પડે. એટલે રૂા. એકાદ લાખનો ખર્ચ છોડની ખરીદી પાછળ થાય, પણ મહત્ત્વની વાત એ છે કે ખેડૂતો એક વખત સ્ટીવીયાના છોડનું વાવેતર કરે પછી પહેલા વર્ષથી ત્રીજા અથવા તો ચોથા મહિનાથી જ ખેડૂતોને સ્ટીવીયાના પાનનું ઉત્પાદન મળવાની શરૂઆત થઈ જાય, જે પછી સતત પાંચ વર્ષ સુધી ઉત્પાદન મળ્યા જ કરે. એક વખત તેની શરૂઆત થઈ  ગયા પછી વર્ષમાં ત્રણથી ચાર વખત ખેડૂતો તેનું ઉત્પાદન લઈ શકે. જે સતત પાંચ વર્ષ સુધી ચાલ્યા કરે. આ મારો પોતાનો અનુભવ છે. 

સ્ટીવીયા એક એવો પાક છે જે ખાંડ કરતા 30 ટકાથી વધુ ગળપણ ઘરાવે છે. એટલે ડાયાબીટીસના જે દર્દીઓ ખાંડનો ઉપયોગ કરી શકતા નથી, તેમને માટે સ્ટીવીયા અત્યંત આશીર્વાદરૂપ છે. સ્ટીવીયાનું ગળપણ આટલું હોવા છતાં પણ શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરાપણ નુકસાનકર્તા નથી તેવું તબીબોનું કહેવું છે. 

તેનો અર્થ એ થયો કે સ્ટીવીયાના મૂલ્યવર્ધન દ્વારા જો તેનો પાવડર બનાવીને ખેડૂતો વેચાણ કરે તો તેનું બજાર સ્થાનિક કક્ષાએ જ મળી જાય. કારણ કે કમનસીબી એ છે કે ડાયાબીટીસનો રોગ એ માત્ર હવે શહેરી વિસ્તાર પૂરતો મર્યાદિત નથી, ગામડાઓમાં પણ આ રોગનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જવાથી આ પ્રકારની ઔષધિની માંગ બજારમાં રહેવાની જ.

સ્ટીવીયા શું છે ?

જેન આપણે ‘મીઠી તુલસી’તરીકે ઓળખીએ છીએ તે મીઠી તુલસી એટલે સ્ટીવીયા. આ છોડમાં તુલસીની માંજર જેવા જ બીજ હોય છે જે બીજ આપોઆપ ખરી જાય તેમાંથી બીજા છોડના અંકૂર ફૂટે  છે. એટલે કે એક છોડમાંથી બીજો છોડ આપોઆપ થઇ જાય છે. ડાયાબીટીસના દર્દીઓ સ્ટીવીયાનાં પાન અથવા તેનો પાવડર કે પછી તેના સીરપનો પણ ઉપયોગ કરે તો તેનું શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તે શરીરમાં બ્લડ શુગર વધારતું નથી. એટલે ડાયાબીટીસના દર્દીઓ માટે તે એક સુરક્ષિત વિકલ્પ છે. 

સ્ટીવીયાની ખેતી લગભગ દરેક પ્રકારની જમીનમાં કરી શકાય છે. પરંતુ ગોરાડું, કાળી અને પથ્થરવાળી જમીનમાં સ્ટીવીયાની ખેતી કરવામાં આવે તો પરિણામ સારું મળે છે.

ખેડૂતો તેમના ખેતરની સપાટ જમીન ઉપર બેડ બનાવીને તેના પર જો સ્ટીવીયાનું વાવેતર કરે તો છોડને નુકસાન ઓછું થાય છે. સ્ટીવીયાનું વાવેતર ચોમાસા દરમિયાન અથવા તો શિયાળાના અંત સુધીમાં ગમે ત્યારે કરી શકાય. તેને વધુ પડતી ગરમી માફક આવતી નથી એટલે એ પહેલા તેનું વાવેતર થઈ જવું જોઈએ. સ્ટીવીયાની ખેતીમાં છોડની આસપાસ પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી પણ ખેડૂતોએ રાખવી જોઈએ. તેને પિયત માટે 8 થી 10 દિવસે બે થી અઢી કલાક પાણી આપવામાં આવે તો વધારે સારું પરિણામ મળે છે, તેમાં પણ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાથી પરિણામ વધુ સારું  મળે છે.

ડાયાબીટીસના દર્દીઓ માટે ખાસ કરીને સ્ટીવીયા ખૂબ ફાયદાકારક રહે છે અને જો સ્ટીવીયાની ખેતી હવે બીજા ખેડૂતો કરવા લાગે તો ચોક્કસ સ્ટીવીયા ખેતીથી ખેડૂતોને અને પરોક્ષ રીતે દર્દીઓને ફાયદો થઇ શકે છે. ખેડૂતો માટે સ્ટીવીયાની ખેતી એક નવો પાક પણ ગણાશે આ પાક દ્વારા ખેડૂત ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે છે. 

આ દ્રષ્ટિએ જોઈએ તો  સ્ટીવીયાની ખેતી આગામી સમયમાં ખેડૂતો માટે ચોક્કસ લાભદાયક બની શકે તે છે. પરંપરાગત પાકમાં મોટાભાગના ખેડૂતો હાલના સતત બદલાતા રહેતા વાતાવરણના કારણે મોટાભાગે વઘતે-ઓછે અંશે આર્થિક નુકસાનીનો ભોગ બનતા હોય ત્યારે, અર્ઘા કે એકાદ વીઘામાં આ પ્રકારના આર્થિક દ્રષ્ટિએ લાભદાયી પાકના વાવેતરનો પ્રયોગ કરે તો સરવાળે ખેડૂતને આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક નીવડે, તે સ્પષ્ટ છે.