માત્ર બે વીઘામાં ખંતથી કરાયેલી પ્રાકૃતિક ખેતી, પશુપાલનદ્વારા રૂ. 5.87 લાખની ચોખ્ખી આવક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : ભલે નેવાનાં પાણી મોભે ચઢાવવા જેવો સંઘર્ષ થાય, પણ મારે મારી જમીન બચાવવી છે. આવા નિશ્ચય સાથે પ્રાકૃતિક ખેતીમાં આગળ વધી રહેલાં બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકાનાં દામા ગામના દલપતભાઈ રેવાજી માળી, છેલ્લા છ વર્ષથી પોતાની ત્રણ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક ખેડૂત તરીકે, પ્રાકૃતિક જણસીનું આસપાસ યોગ્ય બજાર ન હોવા છતાં, સતત યોગ્ય બજાર ઊભું કરવામાં પ્રયત્નશીલ રહીને પ્રાકૃતિક ખેતીને વળગી રહ્યાં છે.
તેઓ શિયાળામાં બટાકા, ચોમાસામાં મગફળી, શાકભાજી અને ઉનાળામાં બાજરીનું વાવેતર કરે છે. તેમની આસપાસના ખેડૂતો જ્યાં રાસાયણિક ખાતર અને દવાઓ વાપરે છે, ત્યાં દલપતભાઈ સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિનાં વિવિધ આયામો પર આધાર રાખે છે.
દલપતભાઈએ ગત વર્ષે બે વીઘામાં શિયાળુ બટાકાનું વાવેતર કરીને 750 મણ ઉત્પાદન મેળવી, પ્રતિ મણ રૂ.500 ના ભાવે બટાકાનું વેચાણ કરીને રૂ. 3.75 લાખ આવક મેળવી. આ ઉત્પાદનમાંથી ખર્ચ બાદ કરતાં તેમણે રૂ. 1,95,000નો ચોખ્ખો નફો મેળવ્યો.
ગત વર્ષે ઉનાળામાં 2 વીઘામાંથી 100 મણ બાજરીનું ઉત્પાદન કરીને, રૂ. 600 પ્રતિ મણના ભાવે વેચાણ કરી, ખર્ચ બાદ કરતાં રૂ. 45,000નો ચોખ્ખો નફો રળ્યો. તેઓ 0.5 વીઘામાં શાકભાજીનું વાવેતર કરીને વાર્ષિક રૂ. 1,00,000 માંથી રૂ.70,000નો ચોખ્ખો નફો મેળવે છે.
વર્ષ 23-24માં તેમણે બે વીઘામાં મગફળીનું વાવેતર કરીને 60 મણ મગફળીનું મૂલ્યવર્ધન કર્યું, તેમણે મગફળીને બહાર ઘાણીમાં પ્રોસેસ કરાવી સિંગતેલના 15 કિલોનાં ડબ્બાને રૂ. 4500ના ભાવે, કુલ 25 ડબ્બાનું વેચાણ કરી, ખર્ચ બાદ કરતા, તેમાંથી રૂ. 77,500 મેળવ્યા. સિંગતેલ માટે વાવેલી જી-20 મગફળીમાંથી સામાન્ય રીતે 33-35 ટકા તેલ નીકળતું હોય છે અને આ પ્રાકૃતિક તેલની ખરીદી તેમનાં કાયમી ગ્રાહકો કરતા હોય છે.
દલપતભાઈ ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. તેમની પાસે ત્રણ દેશી ગાયો અને ત્રણ ભેંસો છે. તેઓ ડેરીમાં વાર્ષિક રૂ.5,00,000 નું દૂધ ભરાવે છે. ગાયના દૂધનો ભાવ રૂ. 40-42 અને ભેંસના દૂધનો ભાવ રૂ. 50-55 મળે છે. પશુપાલનના ખર્ચ 60 ટકા બાદ કરતાં તેમને વાર્ષિક રૂ.2 લાખનો ચોખ્ખો નફો થાય છે, જે તેમની ખેતીની આવકમાં વધારો કરે છે.
આમ, વર્ષ 2023-24માં તેમણે ખેતી ઉપરાંત પશુપાલનની કુલ આવક રૂ. 5,87,500ની ચોખ્ખી આવક મેળવી.
બટાકામાં રોગ-જીવાત નિયંત્રણ : સંપૂર્ણ પ્રાકૃતિક જ
દલપતભાઈ બટાકાનાં પાકમાં છિદ્ર પાડતી જીવાતનું નિયંત્રણ કરવા માટે ટ્રાયકોડર્મા અને સ્યુડોમોનાસ જેવી ફૂગ નાશકનું કંપોસ્ટ છાણિયા ખાતરમાં મિશ્રણ કરીને ઉપયોગ કરે છે. તેઓ પાકમાં મોલોમસીનાં નિયંત્રણ માટે ખાટી છાશ અને પાકનાં પોષણ માટે ગૌમૂત્ર, ગોળ અને દૂધનું મિશ્રણ કરીને છંટકાવ કરે છે, જેના પરિણામે પાક સ્વસ્થ અને રોગમુક્ત રહે છે. તેમણે ચાલુ વર્ષે ખરીજ સિઝનમાં વાવેલી મગફળીનો પાક એકદમ સ્વસ્થ રહેલો. તેમાં કોઈ રોગ જોવા મળ્યો નહોતો. જ્યારે તેમની આસપાસનાં ખેડૂતોની રાસાયણિક મગફળીમાં પીળાશ જોવા મળી હતી.
પ્રકૃતિ અને વિજ્ઞાનનો સમન્વય
દલપતભાઈએ પ્રાકૃતિક ખેતીમાં આધુનિક ટેક્નોલોજીનો પણ સમન્વય કર્યો છે. તેઓ વર્ષ 2004થી ખેતીમાં મીની ફુવારા અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે, જે પાણીના બચાવની સાથે ઉત્પાદન વધારવામાં પણ મદદ કરે છે અને ખેતીને વધુ કાર્યક્ષમ બનાવે છે.
તેઓ માને છે કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ કુદરતની એક જીવનશૈલી છે, જે પર્યાવરણનું રક્ષણ કરે છે અને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવે છે. દલપતભાઈની ઓછી જમીન હોવા છતાં, મહેનત અને પ્રાકૃતિક ખેતી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અન્ય ખેડૂતો માટે પણ માર્ગદર્શક બની રહે તેમ છે. દરેક વ્યકિતએ પોતાની માટીનું મૂલ્ય સમજી, તેને પ્રદૂષણથી મુક્ત રાખીને પર્યાવરણનાં સ્વાસ્થ્યમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.




