Krushi Vishwa

જંતુનાશક દવાઓના અતિરેકે હવે માઝા મૂકી, વાદળ, પાણી, ઘરતી અને જંગલ પણ હવે દૂષિત

By GS Team
24 Jan 20265 mins read
TukuTouch Logo
જંતુનાશક દવાઓના છંટકાવની સૌથી ગંભીર અસર જમીનની જીવંતતા પર પડે છે. ઉપરાંત તેના છંટકાવની પ્રક્રિયા દરમિયાન તેના અવશેષો હવા દ્વારા વાદળ, વરસાદમાં પ્રવેશી અંતે વરસાદી પાણીરૂપે ખેતરોને પણ નુકસાન કરે છે

Summarized by AI; it may make mistakes. Check important info

જંતુનાશક દવાઓના અતિરેકે હવે માઝા મૂકી, વાદળ, પાણી, ઘરતી અને જંગલ પણ હવે દૂષિત

• જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ હવે કુદરતી ચક્રમાં પ્રવેશ્યો, જ્યાં ખેતી નથી થતી, તેવા વિસ્તાર પણ હવે દૂષિત

• જંતુનાશક દવાઓના છંટકાવની સૌથી ગંભીર અસર જમીનની જીવંતતા પર પડે છે. ઉપરાંત તેના છંટકાવની પ્રક્રિયા દરમિયાન તેના અવશેષો હવા દ્વારા વાદળ, વરસાદમાં પ્રવેશી અંતે વરસાદી પાણીરૂપે ખેતરોને પણ નુકસાન કરે છે

Agriculture News : ભારતમાં જંતુનાશકોનો ઉપયોગ વર્ષ 1948માં શરૂ થયો હતો, જ્યારે મેલેરિયા નિયંત્રણ માટે ડીડીટી અને તીડ નિયંત્રણ માટે બેન્ઝીન હેક્સાક્લોરાઇડની આયાત કરવામાં આવી હતી. ભારતે વર્ષ 1952માં ડીડીટી અને બેન્ઝીન હેક્સાક્લોરાઇડ માટે ઉત્પાદન પ્લાન્ટ સાથે જંતુનાશકોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જંતુનાશકોનો ઉપયોગ આધુનિક કૃષિ પદ્ધતિઓનો એક અભિન્ન ભાગ બની ગયો છે. 

કૃષિમાં વપરાતા મોટાભાગના જંતુનાશકોનું લક્ષ્ય માત્ર જીવાત-નિયંત્રણ ન હોવાના કારણે બને છે એવું કે તેના ઉપયોગના કારણે ઉપદ્રવી જીવાતો ઉપરાંત અન્ય જીવોને પણ નુકસાન કરે છે. એટલે કે જૈવવિવિધતાનું પણ નુકસાન થાય છે. જંતુનાશકોના સતત, વધુ પડતા અને અવિચારી ઉપયોગથી પર્યાવરણમાં જંતુનાશકોનું દૂષણ વધે છે અને તે વિવિધ પર્યાવરણીય અને માનવીય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી કરે છે. 

આ રસાયણોના બેકાબૂ ઉપયોગથી ટૂંકા અને લાંબા ગાળાની પ્રતિકૂળ અસરો થઈ રહી છે. ભારતમાં જંતુનાશકોને કારણે તેની માનવી પર દૂષિત અસરોનો પ્રથમ અહેવાલ વર્ષ 1958માં કેરળથી આવ્યો હતો. ત્યાં બનેલું એવું કે ઘઉંના પાકમાં પેરાથિઓન જંતુનાશક દવા એટલી બધીછંટાઈ કે તેના અવશેષોની દૂષિત અસર પકવેલા ઘઉંના લોટમાં પણ અનુભવાઈ તેના કારણે એ દૂષિત ઘઉંનો લોટ ખાવાથી 100 થી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં. ત્યારબાદ ભોપાલ ગેસ દુર્ઘટના સહિત અનેકના મૃત્યુ સાથે જંતુનાશકોના ઝેરના કારણે માનવીય મૃત્યુના ઘણા કિસ્સા નોંધાયા છે.

ભારત વિશ્વના અગ્રણી કૃષિ રાષ્ટ્રોમાંનું એક છે અને સાથે પેસ્ટિસાઇડ્‌સના ઉપયોગમાં પણ ટોચ પર છે. દુર્ભાગ્યે છેલ્લા દાયકામાં દેશભરના આઈ.સી.એ.આર., આઈ.એ.આર.આઈ., સી.પી.સી.બી., ટેરી અને નીન (ICAR, IARI, CPCB, TERI & NIN) જેવી સંસ્થાઓએ જંતુનાશક દવાઓ અંગે કરેલા અભ્યાસોનાં તારણો ખરેખર ચોંકાવનારા છે. 

ખેતરમાં છંટકાવ કરાયેલા પેસ્ટિસાઈડના અણુ હવે માત્ર જમીન અને છોડમાં નહીં, પણ હવા, ધુમ્મસ, વાદળો અને વરસાદમાં પણ જોવા મળી રહ્યા છે. તેનો અર્થ એ છે કે, દવાનું ઝેર કુદરતના આખા ચક્રમાં પ્રવેશે છે અને ત્યાંથી માણસ, પાણી, જમીન, પ્રાણી, પક્ષી અને ખેતી સુધી પહોચે છે.

જંતુનાશક દવાઓના અવશેષ હવામાં પ્રસરવાની આ પ્રક્રિયા કોઈ કાલ્પનિક નહીં પણ તેનો પ્રમાણિત ડેટા પણ ઉપલબ્ધ છે. આઈ. સી. એ. આર., આઈ. એ. આર. આઈ અને સી.પી.સી.બી.ના અભ્યાસોએ પંજાબ અને હરિયાણાના વરસાદી પાણીમાં 2 થી 12 એમ.એલ. સુધી ઓર્ગેનોક્લોરિન અને ઓર્ગેનોફોસ્ફેટ પ્રકારના જંતુનાશકો શોધ્યા છે. આઇ. આઈ. ટી. કાનપુર દ્વારા કરાયેલા સંશોધન પ્રમાણે ગંગોત્રી અને યમુનોત્રીના વરસાદી પાણીમાં 14 થી વધુ વિવિધ પેસ્ટિસાઇડના અવશેષો મળ્યાં છે. 

આ અહેવાલોના કારણે હવે સ્પષ્ટ થઇ ગયું છે કે, પેસ્ટિસાઇડનો પ્રભાવ માત્ર ત્યાં જ રહેતો નથી જ્યાં તેનો છંટકાવ થાય છે, પરંતુ પર્વતો, જંગલો, નદીઓ અને માનવ વસાહતો સુધી પણ તેની અસરો હવે દેખાવા લાગી છે.

હવે જ્યારે વાદળોમાં જંતુનાશક દવાઓની દૂષિત અસરો પ્રસરી હોય ત્યારે, વરસાદી પાણી પણ દૂષિત હોય જ અને આ પ્રકારનો વરસાદ પણ ખેતી માટે નવા પડકારો ઊભા કરે છે. જમીન પર પણ દવાનું એક સ્તર ઊભું થઈ શકે છે. તેના કારણે જમીનમાં સૂક્ષ્મ જીવોની સંખ્યામાં ભારે ઘટાડો થાય છે, જે આઈ.સી.એ.આર.ના અભ્યાસોમાં સાબિત થયું છે. 

નાઇટ્રોજન સ્થિર કરતા બેક્ટેરિયા અને સજીવ પદાર્થોના વિઘટનમાં મદદરૂપ સૂક્ષ્મ જીવોનાં નાશને કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે, માટીની રચના બગડે છે, પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં ઘટાડો અને પાકનું ઉત્પાદન ધીમે ધીમે ઘટતું જાય છે. લાંબા ગાળે જમીનમાં કાર્બન સ્ટોક ઓછો થવાથી ઉપજમાં 10-25 ટકા સુધીનો ઘટાડો જોવા મળે છે.

સી.પી.સી.બી.નો વર્ષ 2022નો રિપોર્ટ દર્શાવે છે કે, પાણીના સ્રોત પણ અતિશય અસરગ્રસ્ત હોવાથી ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબના 32 ટકા ભૂગર્ભજળ અને જળાશયોના પાણીમાં પેસ્ટિસાઇડના અવશેષ જોવા મળ્યાં છે. વરસાદના કારણે જમીન પર પડેલા આવા દૂષિત અવશેષો વરસાદી પાણી સાથે ભળીને તળાવો અને નદીઓમાં પહોંચીને માછલી અને અન્ય જળચર પ્રાણીઓની વૃદ્ધિ અને પ્રજનનક્ષમતા પર પણ પ્રતિકૂળ અસર કરે છે.

માનવ સ્વાસ્થ્ય માટે તેની અસર સૌથી ગંભીર છે. આઈ. સી. એમ. આર.- નીન જેવી સંસ્થાઓના વિવિધ અહેવાલો મુજબ હવામાં રહેલા અથવા પાણીમાં ભળેલા પેસ્ટિસાઇડના સતત સંપર્કથી શ્વસન સમસ્યા, ત્વચાના રોગ, નર્વસ સિસ્ટમ પર અસર, પ્રજનન ક્ષતિ અને બાળકોમાં બુદ્ધિઆંકના (IQ) વિકાસમાં ઘટાડો થાય છે. લાંબા ગાળે થાયરોઇડ, હોર્મોન અસંતુલન અને કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ પણ વધી જાય છે.

આમ, પેસ્ટિસાઇડ હવે ખેતરમાં છંટકાવથી શરૂ થઈને હવામાં ઊડે છે, વાદળોમાં જાય છે, વરસાદમાં ભળે છે, જમીનપાણીમાં ભળી જાય છે, પાકમાં ફરી પ્રવેશે છે અને અંતે માનવ આહાર ઉપરાંત માનવના શરીરમાં પણ પહોંચે છે. 

આમ, ભારતમાં જંતુનાશક દવાઓની અસરના જે પરિણામો આપણે જોયાં તેનું મુખ્ય કારણ દવાઓ કરતાં તેના અત્યંત વધુ પડતા અને ખોટા ઉપયોગનું છે. જો ખેડૂતો સમયસર જૈવિક વિકલ્પો, સંકલિત કીટનાશક વ્યવસ્થાપન, કુદરતી જીવનચક્ર એટલે કે પક્ષીઓ દ્વારા જ સહજતાથી થતું જીવાત-નિયંત્રણ અને યોગ્ય છંટકાવ પદ્ધતિઓ અપનાવશે તો ઉપજ વધશે, ખર્ચ ઘટશે અને દવાનો બોજ સ્વાભાવિક રીતે ઓછો થઈ શકે છે. પરિણામે પર્યાવરણ અને આગામી પેઢી બંને સુરક્ષિત રહેશે. 

જમીનને જીવંત રાખવી, પ્રકૃતિને સંતુલિત રાખવી અને માનવ સમાજના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, એ આજે સૌથી મોટી જરૂર છે. દવા ઓછી, સમજ વધુ, એ જ પ્રાકૃતિક સિદ્ધાંતો આધારિત વૈજ્ઞાનિક ખેતીનું સાચું સૂત્ર છે.

પેસ્ટિસાઇડ્‌સના દૂષિત અવશેષો હવામાં ફેલાવાનું મુખ્ય કારણ ભારતનું ઉચ્ચ તાપમાન અને પવનની ઝડપી ઊર્ઘ્વગતિ છે. દેશમાં ઉનાળામાં 35° થી 48° સુધી તાપમાન  રહે છે, જે પેસ્ટિસાઇડના અણુઓનું ઝડપથી બાષ્પીભવન કરીને હવામાં ઉડાડે છે. ક્લોરપાયરિફોસ, એન્ડોસલ્ફાન, પ્રોફેનોફોસ, એસીફેટ અને પેરાક્વોટ જેવી રાસાયણિક દવાઓ ભારતમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય, જ્યારે આ જ દવાઓના ઉપયોગ પર ફ્રાન્સ અને યુરોપિયન દેશોમાં વર્ષો પહેલાં પ્રતિબંધિત અથવા મર્યાદા લગાડી દેવામાં આવી છે. 

ભારતીય વૈજ્ઞાનિકો જણાવે છે કે, છંટકાવ બાદ 4 થી 5 કલાકમાં પેસ્ટિસાઇડના સૂક્ષ્મ અણુઓ 1.5 થી 2.5 કિ.મી. ઊંચાઈ સુધી પહોંચી જાય છે અને ત્યારબાદ પવન અને ચોમાસાના મોસમીય પવન દ્વારા સાથે સેંકડો કિલોમીટર દૂરના વિસ્તારોમાં ફેલાઈ જાય છે.