Krushi Vishwa

પ્રાકૃતિક ખેતીમાં જીવાત નિયંત્રણનો અનોખો પ્રયોગ, જીવાત નિયંત્રણમાં સફળતાના પગલે કૃષિ ઉત્પાદન વૃદ્ધિ

By GS Team
7 Jan 20264 mins read
TukuTouch Logo
આ પ્રાકૃતિક દ્રાવણની વિશેષતા એ છે કે તેના છંટકાવથી તે ખાતરના કામ સાથે તેના મિશ્રણથી જીવાતો પણ આવતી નથી અને ફ્‌લાવરિંગ પણ સારું થાય છે. તેના ઉપયોગની સાથે નવું દ્રાવણનું ઉમેરણ કરી શકાય છે

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રાકૃતિક ખેતીમાં જીવાત નિયંત્રણનો અનોખો પ્રયોગ, જીવાત નિયંત્રણમાં સફળતાના પગલે કૃષિ ઉત્પાદન વૃદ્ધિ

Agriculture News : મારા પિતા ગાય અને બળદ આધારિત કુદરતી ખેતી કરતા હતા. એ સમયે અમારા ખેતરમાં પાક એટલો સારો થતો કે, અમારા ખેતરનું મરચું છેક મુંબઈ સુધી વેચાણ માટે જતું હતું. ત્યારે જમીન સજીવ હતી અને વાતાવરણ શુદ્ધ હતું. સમય જતાં, બદલાયેલી પરિસ્થિતિ, વારંવાર દુષ્કાળ કે અછત જેવી આપદાને કારણે, મેં રાસાયણિક ખેતી અપનાવી, જેમાં આવક તો થતી હતી પરંતુ ખર્ચ પણ ખૂબ વધી જતો હતો.

બદલાતા સમય અને બદલાતી ખેતીનાં સાક્ષી બનેલાં આ ખેડૂત એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના 70 વર્ષની ઉંમર ધરાવતા રણછોડભાઈ નારણભાઈ લકુમે ફરીથી પ્રકૃતિનો સહારો લઈ પ્રાકૃતિક ખેતી શરૂ કરી.

વર્ષ 2017થી પ્રાકૃતિક ખેતી અપનાવી, રણછોડભાઈ માત્ર એક જ પાક પર નિર્ભર નથી રહેતા. તેઓ સિઝન મુજબ અજમો, વરીયાળી, ચણા જેવાં વિવિધ પાક કરતા રહે છે. તેમના 6.5 એકરના ખેતરમાંથી હાલ 1 એકરમાં લીંબુ, જામફળ, મોસંબી, સીતાફળ, ચીકુ, દાડમ જેવાં ફળાઉ ઝાડ અને શાકભાજીનું તેમણે વાવેતર કર્યું છે, જ્યારે બાકીના 5.5 એકરમાં કપાસનું વાવેતર કરેલું છે. 

મિશ્ર પાકના કારણે કપાસના એકરદીઠ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ

આ પંથકમાં સામાન્ય રીતે કપાસનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે, પરંતુ તેમાં મોટાભાગે રાસાયણિક ખાતર અને દવાઓનો ભરપૂર ઉપયોગ થાય છે. ત્યારે રણછોડભાઈ પ્રાકૃતિક રીતે કપાસની ખેતી કરે છે એટલું જ નહીં, તેમણે કપાસ સાથે મિશ્ર પાક પદ્ધતિ અંતર્ગત મગ વાવ્યા છે. આ કઠોળનો પાક કપાસને નાઇટ્રોજન આપી તેનાં વિકાસમાં સહભાગી થતો હોવાથી કપાસનું ઉત્પાદન એકરદીઠ35 થી 40 મણ ઉત્પાદન મળ્યું. જો માત્ર કપાસની જ ખેતી હોય તો માંડ 20 થી25 મણ ઉત્પાદન મળે.

પ્રાકૃતિક ખેતીમાં રણછોડભાઈ અનોખા પ્રયોગો પણ કરતા રહે છે. તેઓ ગાય આધારિત પ્રાકૃતિક પ્રયોગો ઉપરાંત જીવાતોનાં નિયંત્રણ માટે અલગ રીતે પ્રયોગ કરીને એક મિશ્રણ પણ તૈયાર કરે છે. આ મિશ્રણ તૈયાર કરવા માટે  લીંબોળીના બીજનો પાવડર 10 કિલો, ધતુરો 5 કિલો, આંકડો 5 કિલો, અજમાનો પાવડર 1 કિલો, તમાકુ 1 કિલો, કણજીના બીજ 10 કિલો, હળદર 1 કિલો, એલોવેરા 5 કિલો અને હિંગ 500 ગ્રામ જેટલી લઈને તેને 200 લિટર ગૌમૂત્રમાં 15 દિવસ પલાળવામાં આવે છે અને દરરોજ બે વખત આ મિશ્રણને હલાવવામાં આવે છે. 

આ મિશ્રણને ગાળીને 15 લીટરના પંપમાં અડધો લિટર તૈયાર થયેલા આ મિશ્રણને પાણી સાથે ભેગું કરીને છંટકાવ કરવામાં આવે છે. આ પ્રવાહીની કોઈ એક્સપાયરી ડેટ નથી અને તેની કોઈ આડઅસર થતી નથી, તે પાકમાં જીવાતોનું સારી રીતે નિયંત્રણ કરે છે.

એનેરોબિક બેક્ટેરિયા પ્લાન્ટ

આ ઉપરાંત તેઓ એનેરોબિક બેક્ટેરિયા પ્લાન્ટ પણ ધરાવે છે. આ એનેરોબિક બેક્ટેરિયા તૈયાર કરવા માટે ગાયનું છાણ 10 કિલો, ગૌમૂત્ર 10 લિટર, ભાતનું ઓસામણ 5 લિટર, ગાયના દૂઘની છાસ 5 લિટર અને ગોળ 2.5 કિલોને લઈને  200 લિટર પાણીમાં ભેળવીને, પ્રથમવાર બનાવતા હોય તો 45 દિવસ સુધી રાખવામાં આવે છે ત્યારબાદ આ તૈયાર થયેલ દ્રવ્યનો તેઓ ડ્રીપ ઇરિગેશન દ્વારા ઉપયોગ કરે છે. 

આ દ્રાવણનો છંટકાવ પણ કરી શકાય છે, ખાતર તરીકે વપરાય છે અને આ મિશ્રણથી જીવાતો પણ આવતી નથી અને ફ્‌લાવરિંગ પણ સારું થાય છે. આ મિશ્રણનો જેમ-જેમ ઉપયોગ કરતા જાવ, તેમ નવું ઉમેરણ કરતા જવાનું હોય છે.

પ્રાકૃતિક ખેતી પોષણક્ષમ

રણછોડભાઈ તેમના પાકનું વેચાણ સ્થાનિક બજારમાં કરે છે. પ્રાકૃતિક ખેતીમાંથી રણછોડભાઈને મળેલ પરિણામોની વાત કરીએ તો, ગત વર્ષે તેમણે 4 એકરમાંથી 150 મણ કપાસનું ઉત્પાદન મેળવ્યું, જેનો ભાવ રૂા.1400 પ્રતિ મણ મેળવી, ખર્ચ બાદ કરતા રૂા. 1,95,000 નો ચોખ્ખો નફો મેળવ્યો. 2 એકરમાં અજમાનું વાવેતર કરીને 50 મણ અજમાનાં ઉત્પાદનમાંથી, રૂા.1620 પ્રતિ મણનો ભાવ મેળવી, રૂા.71000 નો ચોખ્ખો નફો મેળવ્યો. અડઘા એકરથી ઓછી જમીનમાં તેમને 87-88 મણ કાગદી લીંબુમાંથી રૂા. 40-45 પ્રતિ કિલો મુજબ આશરે રૂા.62,000નો નફો મેળવ્યો. આમ, કુલ 6 એકરની પ્રાકૃતિક ખેતીમાં તેઓ રૂા. 3.28 લાખની ચોખ્ખી આવક મેળવે છે.

પ્રાકૃતિક ખેતી માત્ર આર્થિક ઉપાર્જન નથી

રણછોડભાઈનાં મતે, પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચના કારણે આર્થિક રીતે તો ફાયદાકારક તો છે જ, પરંતુ પર્યાવરણ અને જમીન માટે પણ ફાયદાકારક છે. પ્રાકૃતિક ખેતીના કારણે જમીનની નિતારશક્તિ વધે છે. મલ્ચિંગના કારણે અળસિયા વધુ સારી રીતે ઉછરે છે, અળસિયાં જમીનને ફળદ્રુપ અને નિતારવાળી બનાવે છે. 

જમીનમાં ભેજસંગ્રહ વધતા પાણીની ખપત ઓછી રહે છે. પંખીઓ ઝાડના કારણે ખેતરમાં વસવાટ કરે છે તેથી પક્ષીઓ દ્વારા જીવાત નિયંત્રણ અને પક્ષીની ચરકમાંથી મળતું ખાતર પણ ખેતી માટે ઉપકારક છે. તેઓ માને છે કે, પ્રાકૃતિક ખેતીમાં મોટા ટ્રેક્ટરનો વપરાશ કરવાથી તેના વજનને કારણે જમીનનાં સૂક્ષ્મ જીવાણુ,અળસિયાનું નિકંદન નીકળી જાય છે. તેથી તેઓ તેમનાં ખેતરમાં ઓછા વજન અને ખર્ચવાળું ટીલર વાપરે છે.

તેમના પંથકમાં મજૂરો જલદી મળતા નથી ત્યારે ખેતીનાં પડકારનો સામનો કરતાં-કરતાં પણ રણછોડભાઈ આ ઉંમરે પણ પ્રાકૃતિક ખેતી કરીને પ્રવૃત્તિમય રહી એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનાં નિર્માણમાં નાનોસૂનો પણ ફાળો આપી રહ્યા છે, જે આજનાં યુવાનો માટે એક મોટો સંદેશો છે.