પ્રાકૃતિક ખેતીના કારણે લીલો ઘાસચારો અને કપાસના છોડ બચી જતા ખેતીખર્ચ બચી ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામના મગનભાઈ શાર્દુલભાઈ હડિયા પાસે કુલ 5 હેક્ટર જમીન છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો તેમનો નિર્ણય આજે તેમને આર્થિક તથા સાંસ્કૃતિક રીતે સકારાત્મક પરિણામો આપી રહ્યો છે. મગનભાઈ જણાવે છે કે રાસાયણિક ખેતીમાં પાક માત્ર 90 દિવસ જ તંદુરસ્ત દેખાય, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં પાક લણણી સુધી તંદુરસ્ત રહે છે. જમીનની શક્તિ જળવાઈ રહે છે અને પાકમાં જીવંતતા રહે છે.
અતિવૃષ્ટિમાં થયો બચાવ
મગનભાઈ પાસે 20 ગીર ગાયો છે અને તેમના માટે તેઓ 2.5 હેક્ટરમાં લીલો ચારો ઉગાડે છે. આ વર્ષે થયેલી અતિવૃષ્ટિએ સમગ્ર જિલ્લામાં ખેડૂતોને મોટું નુકસાન કરેલું. આ અતિવૃષ્ટિથી મગનભાઈની ખેતીને પ્રાકૃતિક ખેતીને કારણે પ્રમાણમાં થોડું નુકસાન થયેલું. પ્રાકૃતિક ખેતી કરતા હોવાના કારણે તેમના ખેતરમાં પાણી લાંબા સમય સુધી ભરાઈ ન રહ્યું અને જમીનની નીતારશક્તિ સારી હોવાથી અન્ય ખેડૂતોની તુલનામાં નુકસાન ઓછું રહ્યું.
લીલાચારાના વાવેતરવાળા ખેતરમાં પાણી 8 થી 12 કલાકમાં જમીનમાં ઉતરી ગયું હતું, જેથી તેમને માત્ર 55 ટકા જેટલું જ નુકસાન થયું અને બાકીનો ચારો તેઓ પોતાની ગાયો માટે ઉપયોગમાં લઈ શકે છે. મગનભાઈ કહે છે કે જો તેઓ રાસાયણિક ખેતી કરતા હોત તો આ નુકસાન 60-70 ટકા સુધી પહોંચી જાત. એટલે કે પ્રાકૃતિક ખેતી તેમના પાક માટે રક્ષણરૂપ બની. આમ, ઘાસચારામાં જ રૂા. 40,000 નો ઘાસચારો બચી ગયો.
મગનભાઈ કહે છે કે જો તેમના લીલાચારાના પાકમાં સંપૂર્ણ નુકસાન થઈ ગયું હોત તો આ આર્થિક આફતમાંથી પાર ઉતરવું મુશ્કેલ બની જાત. પરંતુ પ્રાકૃતિક ખેતીના કારણે ગાય માટેનો લીલો ચારો મોટા ભાગે બચી ગયો છે.
આમ, પ્રાકૃતિક ખેતીના કારણે લીલા ઘાસચારામાં અને કપાસના પાકમાં વરસાદના વિપરિત સંજોગોમાં જે આર્થિક નુકસાની સહન કરવાની નોબત આવે તે આવી નહીં અને પાક ટકી રહેવાના કારણે આર્થિક મુશ્કેલીમાં થોડી હળવાશ મળી છે.
કપાસમાં પણ ઓછું નુકસાન
કપાસના પાકમાં આ વર્ષે થઈ ગયેલી અતિવૃષ્ટિનો સીધો પ્રભાવ જોવા મળ્યો છે. વરસાદના કારણે પાક પર લાગેલા તમામ જીંડવા કાળા પડી ગયા છે, જેના કારણે ઉત્પાદન પર પ્રથમ દ્રષ્ટિએ અસર તો થઈ છે જ. પણ પ્રાકૃતિક ખેતીની શક્તિ એ છે કે તે માત્ર પાકને નહીં, પરંતુ આખી જમીનને તથા છોડની આંતરિક સહનશક્તિને પણ મજબૂત બનાવે છે. મગનભાઈ જણાવે છે કે ભારે વરસાદ હોવા છતાં કપાસના છોડ જમીનમાં મજબૂતીથી ઊભા રહી શકવાના કારણે કપાસનો પાક ઢળી પડયો નથી.
છોડની પક્કડ ઓછી રહે
રાસાયણિક ખેતીમાં પાક જમીન સાથે પૂરતી મજબૂતાઈ ઘરાવતો નથી, ખેતરની જમીનમાં પાણી ભરાઈ રહેતાની સાથે જ તેનો આધાર તૂટી જાય અને આખો પાક જમીન પર પડી જાય એવી સ્થિતિ સર્જાઈ જાય છે. પરંતુ અહીં પ્રાકૃતિક પદ્ધતિઓથી જમીનનું સંતુલન જળવાતાં જે-તે છોડના મૂળ મજબૂત રહેવાથી છોડ મજબૂતાઈથી ઊભા રહી શકે છે તેના કારણે પાકનું ઉત્પાદન પણ જળવાઈ રહે છે.
પ્રાકૃતિક ખેતીના કારણે કપાસમાં જ રૂા. 42 થી 45 હજાર જેટલો ખેતીખર્ચ થયો તે બચી ગયો. આમ, કપાસ અને ઘાસચારામાં રૂા. 80,000 જેટલું આર્થિક નુકસાન પ્રાકૃતિક ખેતીના કારણે થતું અટક્યું.
પશુપાલનનો પણ સમન્વય
પ્રાકૃતિક ખેતીના કારણે મગનભાઈને ગયા વર્ષે જે લાભ મળ્યો તેની વાત કરીએ તો તેમને માટે પ્રાકૃતિક ખેતીનું બીજું વર્ષ અત્યંત સકારાત્મક સાબિત થયું હતું. જમીનની તંદુરસ્તી વધતાં ઉત્પાદન ક્ષમતા પણ સુધરતી ગઈ. તેમણે 2.5 હેક્ટર વિસ્તારમાં ગાય માટે લીલાચારાનું વાવેતર કર્યું હતું.
પ્રાકૃતિક પદ્ધતિઓથી ઉગાડેલા આ ચારામાં ઉત્તમ ગુણવત્તા જળવાઈ. 2.5 એકરમાં તેમને અંદાજે 1400 મણ જેટલો લીલો ચારો પ્રાપ્ત થયો, જેને તેઓ પોતાની 20 ગીર ગાયો માટે ઉપયોગમાં લે છે. બજારભાવ મુજબ આ ચારાનું મૂલ્ય અંદાજે રૂા. 63,000 જેટલું થાય છે, પરંતુ મગનભાઈ માટે તેનો સાચો લાભ એ છે કે તેમની ગાયો વર્ષભર શુદ્ધ, રસાયણમુક્ત ચારો મેળવી શકશે.
તેઓએ ગત વર્ષે એક હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કર્યું હતું, જેમાંથી તેમને 106 મણ ઉત્પાદન મળ્યું હતું. તે સમયે કપાસનો બજારભાવ રૂા.1300 પ્રતિ મણ હતો, જેના આધાર પર કુલ આવક રૂા.1,37,000 થઈ. ખેતી દરમિયાન થયેલા રૂા.43,000ના ખર્ચ બાદ તેઓને માત્ર કપાસમાંથી જ રૂા. 94,000નો ચોખ્ખો નફો પ્રાપ્ત થયો.
મગફળીનો 5ાક ફળ્યો
મગફળીના પાકે તો મગનભાઈને આર્થિક રીતે વધુ મજબૂતી આપી. 2.3 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરેલી મગફળીમાંથી કુલ 210 મણ જેટલું ઉત્પાદન મળ્યું હતું. તેને તેઓએ રૂા.1325 પ્રતિ મણના ભાવથી વેચી, જેને આધારે કુલ આવક રૂા.2,83,000 નોંધાઈ. ખેતી ખર્ચ રૂા.1,40,000 બાદ કર્યા પછી પણ તેમના હાથમાં રૂા.1,43,000ની ચોખ્ખી આવક રહી હતી. આમ, માત્ર બીજા જ વર્ષે પ્રાકૃતિક ખેતી દ્વારા મગનભાઈએ અંદાજિત રૂા.2,34,000નો ચોખ્ખો નફો મેળવ્યો હતો.
તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીના શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઓછું મળે, પરંતુ જમીન તંદુરસ્ત બનતાં ત્રીજા-ચોથા વર્ષે ઉત્પાદન વધે છે અને ખેતી ખર્ચ ઘટે છે. પ્રાકૃતિક ચારો મળતાં ગાયોનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે છે. ગાયોના દૂધમાં પણ શુદ્ધતા જળવાઈ રહે છે.
કમોસમી વરસાદમાં અન્ય ખેડૂતોને ભારે નુકસાન થતાં તેમના મનમાં હતાશા છવાઈ છે, ત્યારે મગનભાઈ જેવા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના કારણે નુકસાનમાં ઘટાડો કરીને આશાની નવી દિશા દર્શાવી રહ્યા છે. જમીનને જીવંત રાખીને નફાકારક ખેતી તરફ આગળ વધવાનું મગનભાઈનું ઉદાહરણ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપે છે.




