માઇકોરાઇઝા અજમાવી જુઓ ! ખેતીખર્ચ ઘટશે, આવક વઘશે, જમીનની ગુણવત્તા પણ જળવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

• જમીનમાં માઇકોરાઇઝા(ફૂગ)ની પૂરક ભૂમિકા, ખાતર સાથે પૂરક પોષક તવ સ્વરૂપે
• માઇકોરાઇઝાનો ઉપયોગ મૂળના વિકાસ અને તેનાં ફેલાવામાં મદદ તેમ જ જરૂરી તવોને છોડ સુધી પહોંચાડી ઊપજ વધારવામાં પણ મદદ કરે છે. પરોક્ષ રીતે રોગોથી લડવાની તાકાત પેદા કરે છે
Agriculture News : જમીનમાં ઘણાં પ્રકારનાં સૂક્ષ્મ જીવાણુઓ અને ફૂગ વસવાટ કરતા હોય છે, આવાં ફૂગ-જીવાણુઓ હવામાંના મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરવાનું અથવા જમીનમાં રહેલાં અલભ્ય ફોસ્ફરસ અને પોટાશને લભ્ય સ્વરૂપમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા કરતા હોય છે, જે વનસ્પતિ માટે બહુ ઉપયોગી સાબિત થાય છે.
માઇકોરાઇઝા ફૂગ પણ છોડનાં મૂળ સાથે સહજીવી સંબંધ બનાવી છોડને પોષક તવો ઉપલબ્ધ કરાવે છે. તેની આ પૂરક ભૂમિકા હોવા છતાં આ કાર્ય ખૂબ અગત્યનું છે. છોડ પ્રકાશસંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયેલી સુગર (કાર્બન) ફૂગને પૂરી પાડે છે અને તેની સામે ફૂગ દૂર-દૂર રહેલા ફોસ્ફરસ, ઝીંક, કોપર જેવાં મહત્ત્વનાં તવોને ખેંચીને છોડના મૂળને ઉપલબ્ધ કરાવે છે. આમ, માઇકોરાઇઝા ફૂગ અને છોડના મૂળ વચ્ચે પોષક તવોનું આદાનપ્રદાન ચાલતું રહેતું હોય છે.
માટીમાં અનેક પ્રકારનાં પોષક તવો રહેલાં હોય છે. તેમાંનાં ઘણાં તવો મૂળથી દૂર હોવાથી મૂળ તેને ગ્રહણ કરી શકતા નથી. અન્ય તવો ખૂબ સરળતાથી સ્થળાંતર કરીને મૂળ સુધી પહોંચે છે. તેની સરખામણીમાં ફોસ્ફરસ, ઝિંક, કોપર જેવાં તવો સહેલાઈથી સ્થળાંતર થઈ શકતાં નથી. ત્યારે આ તવોને વહન કરવાનું કામ માઇકોરાઇઝા કરે છે. જમીનમાં રહેલ ફોસ્ફરસ લભ્ય સ્વરૂપમાં ન હોય ત્યારે માઇકોરાઇઝા તેને લભ્ય સ્વરૂપમાં છોડ સુધી પહોંચાડે છે. અહીં માઇકોરાઇઝાની ભૂમિકા અગત્યની બને છે. માઇકોરાઇઝાને બાયો ફર્ટીલાઇઝર પણ કહી શકાય અથવા તો મિત્ર ફંગસ(ફૂગ) પણ કહી શકાય, જે મિત્રની જેમ છોડના મૂળ સાથે કાર્યરત રહે છે.
માઇકોરાઇઝા ફંગસ ત્રણ પ્રકારની જોવા મળે છે જેમ કે, એન્ડો-માઈકોરાઈઝા, એક્ટો-માઈકોરાઈઝા અને એક્ટોએન્ડો માઇકોરાઇઝા. સંશોધન પરથી માલૂમ પડેલ છે કે, એન્ડો-માઇકોરાઇઝા કે, જેનો જાણીતો દાખલો ‘વેમ’ છે. આ ફૂગનું મોટાભાગના ખેતીપાકો સાથે સહઅસ્તિત્ત્વ જોવા મળે છે.
આ પ્રકારની ફૂગ પ્રયોગશાળા દ્વારા સહેલાઈથી ઊગાડી શકાતી નથી. ઘાસચારાનાં પાક, ધાન્ય પાક, કઠોળવર્ગનાં પાકનાં મૂળ ઉપર આવી ફૂગ જોવા મળે છે. આવી ફૂગનાં તંતુઓ (માઇસેલિયા) ખૂબ દૂરથી પોષક તવોને ખેંચીને ફોસ્ફરસ, તાંબુ, જસત, સલ્ફર જેવાં તવો છોડને પૂરા પાડે છે.
એક્ટોમાઈકોરાઇઝા મોટા છોડ માટે પોષક તવો ઉપલબ્ધ કરાવે છે. ખેતીમાં ધાન્ય અને શાકભાજીમાં એન્ડો માઇકોરાઇઝાનો જ ઉપયોગ કરવો જોઈએ. બજારમાં મોટાભાગે એન્ડો માયકોરાઇઝાનું વેચાણ થતું હોય છે. માઇકોરાઇઝા પ્રવાહી, પાવડર અને દાણાદાર સ્વરૂપમાં પણ ઉપલબ્ધ હોય છે. તેનો શાકભાજી, અનાજ, કઠોળ, તેલીબિયાંના પાક અને બાગાયતી પાકમાં ઉપયોગ કરી શકાય. પાકમાં સારા પરિણામ માટે પાયાનાં ખાતરમાં અથવા વાવણીના સમયે માઇકોરાઇઝાનો પ્રયોગ કરી, ફોસ્ફરસની કમી પૂરી કરી શકાય છે. માઇકોરાઇઝા એક પૂરક તરીકે કાર્ય કરે છે. આ તો વાત થઈ જમીનની અંદરની પ્રક્રિયાની, પણ સાથે-સાથે જે તે છોડ પર તેની બાહ્ય અસરો અને તેનાં ફાયદા પણ એટલાં જ અગત્યનાં છે.
તે માટીની સંરચના સુધારે છે, પાણીની શોષવાની ક્ષમતાને વધારી, માટીને ઉપજાઉ બનાવે છે. માટીને શ્વસનયોગ્ય, પોચી બનાવે છે. તેથી છોડના મૂળનો વિકાસ પણ સારો થાય છે. માઇકોરાઇઝાથી મૂળનો વિકાસ અને તેનાં ફેલાવામાં મદદ તેમ જ જરૂરી તવોને છોડ સુધી પહોંચાડી ઊપજ વધારવામાં પણ મદદ કરે છે. પરોક્ષ રીતે રોગોથી લડવાની તાકાત પેદા કરે છે. માઇકોરાઇઝા ફૂગ પાણીની ખેંચને પણ આંશિક રીતે દૂર કરે છે. કેટલાક મૂળજન્ય રોગો સામે રક્ષણ આપે છે અને પાણીની અછતમાં ટકી રહેવાની શકિત આપે છે.
માઇકોરાઇઝાથી બીજોપચાર કરવાથી પાકનાં ઉત્પાદનમાં સ્પષ્ટ વધારો થાય છે. ફેરરોપણી કરતી વખતે છોડને માઇકોરાઇઝામાં ડુબાડીને અથવા તો તેના પાવડરનો ઉપયોગ કરી શકાય છે. માઇકોરાઇઝાને સ્પ્રે કરવાથી નહીં, પરંતુ જે તે પાકના મૂળમાં આપવાથી ફાયદો થાય છે. ગોબર અથવા વર્મીકમ્પોસ્ટ સાથે આપવાથી પરિણામ સુંદર મળે છે. વધુ મોટા અને ઊંડા મૂળીયાવાળાં ઝાડ કે છોડ પાસે ખાડો કરીને માઇકોરાઇઝા આપી શકાય. તેને ડ્રીપમાં વેંચુરીથી પણ આપી શકાય, પરંતુ તેમાં કોઈ કેમિકલ મિક્સ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
સારાં પરિણામ માટે સિંગલ માઇકોરાઇઝાનો પ્રયોગ કરવો. જો તેને રાસાયણિક ખાતર સાથે પ્રયોગ કરવામાં આવે તો પરિણામ મળશે નહીં. ઊભા પાકમાં માઇકોરાઇઝાનો પ્રયોગ કરવો હોય તો દસ દિવસ પહેલાં અને દસ દિવસ પછી કોઈપણ રાસાયણિક ખાતરનો ખેતરમાં પ્રયોગ થયેલ ન હોવો જોઈએ. પાક અવશેષોને ખેતરમાં બાળવાથી માઇકોરાઇઝાનું પ્રમાણ ઘટે છે. વધુ પડતા રાસાયણિક ખાતર તેમ જ જંતુનાશક દવાના કારણે પણ માઇકોરાઇઝા નાશ પામતા હોય છે.
માઇકોરાઇઝાનો વપરાશ કરવામાં આવે તો પ્રતિ હેક્ટર અંદાજે 30 થી 50 કિલો ફોસ્ફરસયુક્ત રાસાયણિક ખાતરની બચત થાય છે. માઇકોરાઇઝાનો ઉપયોગ કરવાથી ઓછી માત્રામાં ફોસ્ફરસયુકત ખાતર વાપરીને પણ સારું ઉત્પાદન મેળવી ખેતીખર્ચ બચાવી શકાય છે.









