સ્વાસ્થ્ય માટે લેવાયેલો એક નિર્ણય જમીન અને આવનારી પેઢી માટે આશીર્વાદ બન્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

• માત્ર આર્થિક ઉપાર્જન જ નહીં, પણ પારિવારિક અને ધરતીના સ્વાસ્થ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવીએ
• જીવનભાઈ પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખાદ્યપદાર્થોનું પણ ઉત્પાદન કરતા હોવાથી તેની ઉચ્ચ ગુણવત્તાના કારણે છેલ્લા ઘણાં સમયથી તેમના પરિવારમાં આરોગ્ય સંબંધી કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો નથી
Agricultural News : આજની ખેતીમાં ઉત્પાદન જેટલું મહત્ત્વનું છે, એટલું જ મહત્ત્વ હવે જમીનના સ્વાસ્થ્યનું પણ છે. જમીનની ઘટતી જતી તંદુરસ્તી, રોગ-જીવાતના ઉપદ્રવને નિયંત્રિત કરવા પાછળ થતો ખર્ચ, ખોરાકમાં દવાના અવશેષો અંગે ઉદ્ભવતા પ્રશ્નોએ ખેડૂતોને વિચારતા કર્યા છે કે, શું આપણે સાચા માર્ગ પર છીએ ? આવા જ પ્રશ્નો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામના આહીર જીવનભાઈ દેવાયતભાઈના મનમાં પણ ઉદ્ભવ્યા હતા. ખેતી તો વર્ષોથી તેઓ કરતા જ હતા પરંતુ સ્વાસ્થ્ય અને આવનારી પેઢીના ભવિષ્યની ચિંતાએ તેમને એક નવો માર્ગ બતાવ્યો અને પ્રાકૃતિક ખેતી તરફ આકત્ત્ષત કર્યા.
વર્ષ 2021થી તેમણે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો અને આજે તે નિર્ણયનું સકારાત્મક પરિણામ દેખાઈ રહ્યું છે. તેઓ ત્રણ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતી અપનાવતી વખતે તેમણે સૌથી પહેલો વિચાર કર્યો કે, પાક એવો હોવો જોઈએ જે સ્વસ્થ ખોરાક આપે અને પ્રાકૃતિક પદ્ધતિમાં સારી રીતે વિકસે. આથી તેમણે જામફળનું વાવેતર કર્યું. જામફળ બજારમાં માંગ ધરાવતું પોષક તવોથી ભરપૂર અને આરોગ્ય માટે લાભદાયી ફળ છે.
વર્ષ 2021માં લગાવેલા જામફળના બગીચામાં હવે પ્રથમ વખત ઉત્પાદન આવવાની તૈયારી છે, જે જીવનભાઈ માટે એક નવા આત્મવિશ્વાસનું પ્રતિક છે. પ્રાકૃતિક ખેતી અંતર્ગત તેઓ ઘઉં, બાજરી, ચણા તથા શાકભાજીની ખેતી કરતા હોવાથી તેની ઉચ્ચ ગુણવત્તાના કારણે પોતાના પરિવારને શુદ્ધ આહાર મળતો હોવાથી છેલ્લા ઘણાં સમયથી પરિવારમાં આરોગ્ય સંબંધી કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો નથી.
જીવનભાઈ સ્પષ્ટ કહે છે કે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન તરત જ ચમત્કારિક રીતે વધે એવું નથી. પરંતુ જે સૌથી મોટો ફેરફાર થાય છે તે છે જમીનની તંદુરસ્તીમાં. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સૂક્ષ્મ જીવો ફરી સક્રિય થાય છે. આ સૂક્ષ્મ જીવો જમીનને જીવંત બનાવે છે, પોષક તવોને પાક માટે ઉપલબ્ધ બનાવે છે અને જમીનની કુદરતી શક્તિ ફરી પાછી લાવે છે.
જામફળના બગીચામાં તેઓ આંતરપાક પણ લઇ રહ્યા છે. ખાલી જગ્યાનો યોગ્ય ઉપયોગ થાય અને જમીન સતત જીવંત રહે તે માટે તેઓ જુવારનું વાવેતર કરે છે. આ જુુવારનો ઉપયોગ તેઓ પોતાના પશુઓના આહાર માટે કરે છે. જીવનભાઈ માને છે કે પ્રાકૃતિક ખેતીમાં ખેતી અને પશુપાલન અલગ નથી, પરંતુ એકબીજાના પૂરક છે. જમીન, પાક અને પશુ, આમ ત્રણેય સાથે ચાલે ત્યારે ખેતી સાચા અર્થમાં ટકાઉ બને છે.
પશુપાલન જીવનભાઈની પ્રાકૃતિક ખેતીનો મહત્ત્વનો આધારસ્થંભ છે. તેમની પાસે ચાર ગાય અને છ ભેંસો મળીને કુલ 10 પશુઓ છે. આ પશુઓ માત્ર દૂધ ઉત્પાદન પૂરતા જ નથી, પરંતુ પ્રાકૃતિક ખેતી માટે જરૂરી તમામ ઇનપુટ્સના સ્રોત પણ છે. આ પશુઓમાંથી મળતા ગોબર-મૂત્રનો ઉપયોગ કરીને તેઓ જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરે છે. આ પ્રાકૃતિક ખાતર જમીન માટે સંજીવની સમાન છે. જીવામૃતના નિયમિત ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મ જીવોની સંખ્યા વધે છે અને પાકને જરૂરી પોષક તવો કુદરતી રીતે મળે છે.
રોગ-જીવાત નિયંત્રણ માટે પણ જીવનભાઈ રાસાયણિક દવાઓથી દૂર રહે છે. તેઓ દશપર્ણી અર્ક અને અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક દ્રાવણો જાતે તૈયાર કરે છે. આ દ્રાવણોના ઉપયોગથી પાક પર ઝેરી અસર થતી નથી અને ખેડૂત, ગ્રાહક તથા પર્યાવરણ ત્રણેયનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે. જીવનભાઈ કહે છે કે, શરૂઆતમાં આ પદ્ધતિઓ શીખવામાં સમય લાગે છે, પરંતુ એકવાર સમજ આવી જાય પછી ખેતી વધુ સરળ અને ઓછી ખર્ચાળ બની જાય છે.
ખેતીખર્ચ બાબતે પણ જીવનભાઈનો અનુભવ સ્પષ્ટ છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓ પર થતો મોટો ખર્ચ બચી જાય છે. પશુપાલન સાથે ખેતી કરવામાં આવે તો ખાતર અને દવાઓ માટે બહારથી કંઈ ખાસ ખરીદવાની જરૂર પડતી નથી. આથી ખેતી ખર્ચ ઘટે છે અને ખેડૂત પર આર્થિક દબાણ પણ ઓછું થાય છે.
જીવનભાઈ માટે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની એક જીવનશૈલી છે. તેઓ માને છે કે, જો આપણે આજે સ્વાસ્થ્યને અવગણીને ફક્ત ઉત્પાદન પાછળ દોડીશું, તો આવતી પેઢીને તેની કિંમત ચૂકવવી પડશે. આથી તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમ જ કૃત્રિમ રીતે તૈયાર થતા કૃષિ ઇનપુટસનો ઉપયોગ ઘટાડવા અપીલ કરે છે.
ઓછા વિસ્તારમાં પણ યોગ્ય આયોજન, પશુપાલન સાથે સંકલન અને પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવીને ખેતીને ટકાઉ બનાવી શકાય છે. પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ સ્વાસ્થ્ય, જમીન અને આવનારી પેઢીના ભવિષ્ય માટે લેવાયેલો જવાબદાર નિર્ણય છે. જામફળના બગીચામાં આવતું પ્રથમ ઉત્પાદન તેમના માટે માત્ર પાક નહીં, પરંતુ સ્વસ્થ જીવન તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું હશે, જે અન્ય ખેડૂતો માટે પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો વિશ્વાસ પૂરું પાડશે.




