Krushi Vishwa

ચણાની ખેતીમાં પ્રત્યક્ષ લાભ, વીઘાદીઠ ઉત્પાદન 25 મણથી વધીને 40 મણ સુધી પહોંચ્યું

By GS Team
9 Jan 20264 mins read
TukuTouch Logo
પિયતના પાણીની અગવડ હોય તેવા ખેડૂતો જો ડ્રીપ ઇરિગેશન અપનાવે તો ઉપલબ્ધ જળરાશિ દ્વારા જ પિયત વિસ્તારમાં બમણો વધારો કરી શકે છે

Summarized by AI; it may make mistakes. Check important info

ચણાની ખેતીમાં પ્રત્યક્ષ લાભ, વીઘાદીઠ ઉત્પાદન 25 મણથી વધીને 40 મણ સુધી પહોંચ્યું

Agriculture News : ડ્રીપ ઇરીગેશન પદ્ધતિ ખેડૂતો માટે અનેક રીતે ફાયદાકારક છે તેવું પાટણ જિલ્લાના ખેડૂત દજાભાઈ નાડોદા કહે છે. પોતાના અનુભવ પ્રમાણે તેઓ જણાવે છે કે ટપક સિંચાઈ પદ્ધતિથી લાભ જ થાય છે. ધોરીયા પદ્ધતિની સામે ટપક સિંચાઈ પદ્ધતિ ખેડૂતો માટે નફાકારક છે કારણ કે તેમાં પાણીનો વેડફાટ થતો નથી અને ખેડૂતને લાંબા ગાળે ફાયદો જ કરાવે છે. ધોરીયા પદ્ધતિ અને ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ બંને સિંચાઈની જ પદ્ધતિઓ છે, પરંતુ બંનેમાં મોટો તફાવત છે.

પરંપરાગત ઘોરિયા પદ્ધતિમાં પાણી વધુ માત્રામાં વપરાય છે અને પાણીનો બગાડ થવાની શક્યતા વધુ રહે છે. તેમ જ વધુ પાણીના કારણે પાકને રોગ-કિટકો લાગવાની શક્યતા પણ વધે છે. બીજી બાજુ, ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ આધુનિક અને વૈજ્ઞાનિક છે. તેમાં પાણી પાઇપ અને નોઝલ મારફતે સીધું જ છોડના મૂળ પાસે ટીપે ટીપે પહોંચાડવામાં આવે છે. 

આથી પાણીની બચત થાય છે, જમીન ભેજયુક્ત રહે છે અને પાક વધુ તંદુરસ્ત બને છે. એટલે કે, ધોરીયા પદ્ધતિ ખર્ચાળ અને પાણી બગાડતી હોય છે, જ્યારે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ પાણી, સમય અને ખર્ચ ત્રણેયમાં બચત સાથે વધુ ઉત્પાદન આપતી પદ્ધતિ છે. 

 પરંપરાગત સિંચાઈની તુલનામાં ડ્રીપ સિંચાઈથી 40 થી 50 ટકા જેટલું પાણી બચી શકે છે અને જમીનનું ધોવાણ પણ અટકાવી શકાય છે. પાકને જરૂરી પ્રમાણમાં જ પાણી અને પોષક તત્ત્વો મળતા હોવાથી ઉત્પાદન વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આ રીતે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ ખેડૂત માટે વધુ નફાકારક, પાણી બચાવનારી અને ટકાઉ ખેતી તરફનો એક મહત્ત્વપૂર્ણ આયામ સાબિત થાય છે. 

દજાભાઈ ધોરીયા પદ્ધતિથી જીરાની ખેતીનું વાવેતર કરતા હતા. પરંતુ તેમાં પાણી ભરાઈ જવાની તેમ જ નીંદણ વધારે થતું હોવાની સમસ્યા વારેવારે આવતી હતી, જેના લીધે જીરાના પાકમાં જોઈએ તેવું પરિણામ મળતું ન હતું. 

ઉપરાંત જમીનમાં લેવલિંગ ન હોવાથી પાણી પણ વધારે ભરાઈ જતું હતું. એકંદરે આ બધી સમસ્યાઓના કારણે આવક કરતાં ખર્ચ વધી જતો હતો, જેથી તેમણે વિચાર્યું કે હવે આ પદ્ધતિનો બદલાવ લાવવો જરૂરી છે એટલે તેમણે દસ વર્ષથી ચાલતી ધોરિયા પદ્ધતિ દ્વારા થતી ખેતી છોડીને છેલ્લા બે વર્ષથી ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ અપનાવી છે.

ઘોરીયા પદ્ધતિમાં રોગ-જીવાત વધુ આવે

દજાભાઈ જણાવે છે કે જ્યારે તેઓ ધોરીયા પદ્ધતિથી જીરૂની ખેતી કરતા હતા ત્યારે રોગ જીવાતની સમસ્યા પણ વધી જતી હતી અને પાકનું નુકસાન પણ વધારે થતું હતું. સાથે જ નીંદણની સમસ્યા પણ વધારે થતી હતી જેના કારણે નીંદણ નિયંત્રણ માટે પણ મજૂરોની જરૂર પડતી હતી. એટલે એકંદરે ધોરિયા પદ્ધતિથી થતી આવકની સામે ખર્ચ વધી જતો હતો.

ચણાની ખેતીમાં ડ્રીપ અને પૂરતી માવજત અપાવે સફળતા

દજાભાઈ 10 વીઘામાં ડ્રીપ ઈરીગેશન પદ્ધતિથી ચણાના પાકની ખેતી કરી રહ્યા છે. 10 વીઘા જમીનમાં 13 કિલો બિયારણનું વાવેતર કરે છે જેમાં વીઘે પાંચ કિલો ડી.એ.પી. અને 10 કિલો યુરિયા ખાતર નાખે છે, ત્યારે ચણામાં આવતી લીલી ઈયળને રોકવા માટે જંતુનાશક દવાના બે ડોઝ નાખે છે, જેનો એક વીઘાદીઠ ખર્ચ રૂ. 1465 લેખે દસ વીઘા દીઠ રૂ. 14,650 નો ખર્ચ થાય છે. હવે ખર્ચની સામે ઉત્પાદન જોઈએ તો ધોરીયા પદ્ધતિ પ્રમાણે ચણાનું ઉત્પાદન 25 મણ થતું હતું, જ્યારે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિથી 40 મણનું ઉત્પાદન થયું એટલે કે સીધો 15 મણનો ફાયદો થાય છે. એટલે કૃષિ ઉત્પાદનની દ્રષ્ટિએ ખેડૂતને સીધી રીતે ફાયદો જ થાય છે. 

ડ્રીપ ઇરિગેશના કારણે ઘટતો ખેતીખર્ચ

ડ્રીપ ઇરિગેશનના કારણે ઉત્પાદન તો વધે જ છે ઉપરાંત ખેતીખર્ચમાં પણ સારો એવો ઘટાડો થાય છે. તેની વિગત આપતા દજાભાઈ કહે છે કે, ખાતર અને દવા પાછળ વીઘાદીઠ રૂ. 1600નો ખર્ચ ઘોરિયા પદ્ધતિ અંતર્ગત થાય, જે મારે ડ્રીપ ઇરિગેશનમાં રૂ. 1400ની આસપાસ થાય છે, નીંદણ ખર્ચમાં રૂ. 1000ની સામે માત્ર રૂ. 400, પિયત આપવાનો મજૂરીખર્ચ રૂ. 1000 જેટલો થાય, જે ડ્રીપ ઇરિગેશનમાં બિલકુલ થતો જ નથી. એક વખત ડ્રીપ ઇરિગેશન વસાવવા પાછળ જે ખર્ચ થયો તેમાં 70 ટકા જેટલી સબસિડી તો રાજ્ય સરકાર દ્વારા મળતી હોય છે, બાકીના 30 ટકા જેટલો ખર્ચ ખેડૂતો બીજા-ત્રીજા વર્ષે જ વસૂલ કરી શકે, કારણ કે તેનો ખેતીખર્ચ ઘટે છે અને ઉત્પાદન અને તેની ગુણવત્તા વઘવાથી સારા બજારભાવ મળવાને કારણે તમામ ખર્ચ વસૂલી શકાય છે.

બમણા પિયત વિસ્તારમાં સિંચાઈ

દજાભાઈએ ડ્રીપ ઇરિગેશનની ઉપયોગિતાની સૌથી મહત્ત્વની વાત એ કરી કે, જેમને પિયતના પાણીની અગવડ હોય તેવા ખેડૂતો જો ડ્રીપ ઇરિગેશન અપનાવે તો ઉપલબ્ધ જળરાશિ દ્વારા જ પિયત વિસ્તારમાં બમણો વધારો કરી શકે છે. તેઓ પોતાનું જ ઉદાહરણ આપતા કહે છે કે, એક સમયે માત્ર પાંચ વીઘામાં ઘોરિયા પદ્ધતિથી ખેતી થતી હતી તે હવે ડ્રીપ દ્વારા 10 વીઘામાં તેમને રૂ. 5 લાખની આવક થવા પામી છે.

દજાભાઈ કહે છે કે ધોરીયા પદ્ધતિમાં બધી જ મજૂરીને ચોથા ભાગે આપીને ખર્ચ કાઢતા રૂ.1300 ના ભાવે વીઘાદીઠ રૂ. 22500ની આવક થતી હતી. જ્યારે ડ્રીપ ઈરીગેશન પદ્ધતિમાં વીઘાદીઠ આવક રૂ. 35,500 ની થાય છે. એટલે દેખીતી રીતે કૃષિ ઉત્પાદન વઘવાથી અને ખર્ચ ઘટવાથી આવક અને ઉત્પાદનમાં વધારો થાય છે, મારું સ્પષ્ટ માનવું છે કે આ સિંચાઈ પદ્ધતિ ખેડૂત અપનાવશે તો ચોક્કસ ફાયદો થશે. 

હું મારા અનુભવ પ્રમાણે એટલું જ કહીશ કે મેં હજી છેલ્લા બે વર્ષથી જ ડ્રીપ ઇરિગેશન દ્વારા ચણાની ખેતીની શરૂઆત કરી છે, આ વર્ષે મેં 20 વીઘામાં ડ્રીપ ઇરિગેશનનો પ્રયોગ કર્યો છે.  એટલે એવું કહી શકાય કે જો આ પદ્ધતિને સમયસર અપનાવી લઈએ અને ખંતપૂર્વક તેની પાછળ વળગી રહીએ તો ફાયદો જ ફાયદો છે.