Krushi Vishwa

માત્ર 6.5 હેક્ટરમાં સરગવાની ખેતીમાં રૂા. 42 લાખની આવક, ખેડૂતની પ્રયોગશીલતાની સફળતાની પરાકાષ્ઠા

By GS Team
7 Jan 20265 mins read
TukuTouch Logo
સિદ્ધપુર તાલુકાના કામરાજભાઈએ કૃષિવિજ્ઞાન કેન્દ્ર, પાટણના માર્ગદર્શન દ્વારા સરગવાની નવી જાત વિકસાવ્યા બાદ તેના સતત સંવર્ધન, માવજત અને તકેદારી દ્વારા વિપરિત વાતાવરણ વચ્ચે પણ સરગવાની ખેતીને ટકાઉ બનાવી

Summarized by AI; it may make mistakes. Check important info

માત્ર 6.5 હેક્ટરમાં સરગવાની ખેતીમાં રૂા. 42 લાખની આવક, ખેડૂતની પ્રયોગશીલતાની સફળતાની પરાકાષ્ઠા

Agriculture News : આજે ઘણાં ખેડૂતો સરગવાની ખેતી કરે છે પરંતુ તેમાંથી તેઓ સંતોષકારક પરિણામ નથી મેળવી શકતા. સરગવો પીળો પડી જવો, ફાલ ખરી પડવો, શીંગ લાલ થઈ જવી જેવી અનેક સમસ્યાઓ તેમના પાકમાં જોવા મળતી હોય છે એટલું જ નહીં, ઓક્ટોબર-નવેમ્બરમાં વાતાવરણમાં આવેલ અચાનક બદલાવને કારણે ઘણાં ખેડૂતોને સરગવાની ખેતીમાં ભારે નુકસાન થયેલું, ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના કામરાજભાઈ ચૌધરીની સરગવાની ખેતીમાં પ્રાકૃતિક ઉપાયોને કારણે, અન્ય ખેડૂતોની સરખામણીમાં 60 ટકા ફાલ ઊભો છે અને નુકસાની ઓછી આવી છે. તેઓ ખાસ પ્રાકૃતિક પ્રયોગોનાં કારણે, અન્ય ખેડૂતો કરતાં સરગવાની ખેતીમાં સફળ અને અગ્રેસર રહ્યાં છે. 

અહીં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે કામરાજભાઈના ફાર્મમાં સરગવાનો પાક માત્ર ઊભો જ નથી પરંતુ તેઓની સંપૂર્ણપણે વૈજ્ઞાનિક માવજત, તકેદારી અને આગવા સંશોઘનના કારણે માત્ર 6.5 હેક્ટર જમીનમાં કામરાજભાઈએ સરગવાની ખેતી દ્વારા વર્ષ 2023-24માં 1.65 લાખ કિ.ગ્રા. સરગવાનું ઉત્પાદન મેળવી, રૂા. 42.23 લાખનો ચોખ્ખો નફો મેળવી એક પ્રયોગશીલ ખેડૂતે અન્ય ખેડૂતો માટે પણ કેવું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે !

સામાન્ય રીતે માર્ચ, એપ્રિલ મહિનામાં સરગવામાં મંદી હોય તેવા સમયે તેઓ પ્રુનિંગ કરે છે. વર્ષમાં બે વાર તેઓ પ્રુનિંગ કરે છે. તેમના મતે, ફેબ્રુઆરી 25 થી માર્ચની 10 તારીખ પ્રુનિંગ કરવાનો આદર્શ સમય છે. ઠંડા વાતાવરણમાં પ્રુનિંગ ટાળવું. ઉનાળામાં પ્રુનિંગ બાદ દોઢ મહિને શીંગો તૈયાર થઈ જતી હોય છે. વિવિધ રાજ્યોમાં નિકાસ કરતા તેમનાં સરગવાનું વર્ષ 2023-24 માં 6.5 હેક્ટરમાંથી કુલ 1,65,700 કિ.ગ્રા ઉત્પાદન થતા રૂા. 56,33,800 ની આવક થઈ, રૂા. 14,10,000 ખર્ચ બાદ કરતા રૂા. 42,23,800 નો ચોખ્ખો નફો રળ્યો.

કામરાજભાઈએ કૃષિવિજ્ઞાન કેન્દ્ર, પાટણના માર્ગદર્શન હેઠળ ‘સરગવા શક્તિ’નામની સરગવાની જાત વિકસાવી છે. આ નવીન જાતનો ઉલ્લેખ આપણા વડાપ્રધાનશ્રીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ કરેલો છે. આ સરગવાના બીજ 126 ફૂટનાં અંતરે વાવ્યા બાદ પાંચ મહિનામાં તો લણણી માટે તૈયાર થઈ જાય છે. આ શીંગ ઊંચી ગુણવત્તાવાળી, વધુ અને વહેલું ઉત્પાદન આપતી હોવાથી સારો ભાવ પણ અપાવે છે. 

કામરાજભાઈ જણાવે છે કે, આ ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો પ્રયોગ ન કરીને, પ્રાકૃતિક ખેતી કરવામાં આવે, સારું પરિણામ મેળવી શકાય. આ પાક રસાયણો પ્રત્યે સંવેદનશીલ હોવાથી વધુ રસાયણ કે વધુ દવા છંટાઈ જાય તો પણ તેનાં પાન પીળાં પડવા કે ફૂલ-પાન ખરવાની સમસ્યા થતી હોય છે. 

તેઓ સરગવાના પાકમાં સૌથી વધારે પ્રાકૃતિક દ્રવ્ય જીવાણું જળ, બેક્ટેરિયા અને લીંબુના ખટ્ટા જૈવ રસાયણનો પણ પ્રયોગ કરે છે. જીવાણુ જળમાં બધા પ્રકારની ઈયળો અને ફૂગનાં નિયંત્રક તમામ બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. બેક્ટેરિયાનાં છંટકાવથી છોડ લીલોછમ રહે છે. 

તેઓ જણાવે છે કે, આપણા ઘરે કાચો ખોરાક એટલે કે શાકભાજી, દાળ કે લોટ ઘરમાં પડેલ હોય, પરંતુ આહાર માટેની આ સામગ્રી સીધી જ આહારના રૂપમાં કામ ન આવે. તેને રાંધીને, રસોઈ સ્વરૂપમાં ફેરવીને આરોગવામાં આવે છે, તેવી જ રીતે બેક્ટેરિયાનું કાર્ય અલભ્ય સ્વરૂપમાં રહેલ ખોરાકને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડને આપવાનું છે. મોટાભાગના ખેડૂતો આ મૂળભૂત વાત નથી સમજી શકતા. 

ખેડૂતો 80 ટકા રોગની ઉપર કામ કરતા હોય છે અને 20 ટકા માત્ર જમીન ઉપર કામ કરે છે, પરંતુ ખરેખર તો 80 ટકા કાર્ય જમીનનાં સ્વાસ્થ્ય પર થવું જોઈએ અને 20 ટકા રોગની ઉપર કામ થવું જોઈએ. જો જમીન સ્વસ્થ હશે તો બહારથી આવનારા રોગ સામે પાક મજબૂતાઈથી ટકીને પોતાનું રક્ષણ કરી શકશે અને રોગ આવવાની શક્યતા નહીંવત્‌ થઈ જશે, આ મહત્ત્વનો મુદ્દો દરેક ખેડૂતે સમજવો જરૂરી છે. 

તેઓ જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો રેશિયો વધારવા કમ્પોસ્ટ છાણીયું ખાતર ઉપરાંત શણના લીલા પડવાશને જમીનમાં દાટીને તેના પર જીવામૃત, જીવાણુ જળ, ગોકૃપા અમૃતમ વગેરે બેક્ટેરિયાઓનું મિશ્રણ આપે છે. 

છોડની વૃદ્ધિ માટે પ્રાકૃતિક પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર

કામરાજભાઈ બજારમાં મળતા પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરના ઉપયોગની જગ્યાએ લીંબુમાંથી પોતે જાતે બનાવેલ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરનો પ્રયોગ કરે છે. તેના છંટકાવથી છોડનો વાનસ્પતિ ગ્રોથ અટકીને ફૂલ, ફળ બેસવાની પ્રક્રિયા સારી રીતે થાય છે. ઝાડમાં કળી બેસતી હોય ત્યારે તેમાં 3 ટકા છંટકાવ કરવામાં આવે છે. કળીમાંથી ફૂલ બનીને શીંગ બેસતી હોય ત્યારે 2 થી 2.5 ટકા છાંટવામાં આવે છે અને શીંગ લટકતી થાય ત્યારે 1.5 થી 2 ટકાનો પ્રમાણસર છંટકાવ કરવામાં આવે છે. આ ત્રણ સ્તરીય છંટકાવથી સરગવામાં 100 ટકા પરિણામ મળવાની શક્યતા રહે છે. લીંબુના આ ખટ્ટા જૈવ રસાયણને 1ઃ3ઃ10 ના રેશિયોમાં બનાવવામાં આવે છે.

તેને બનાવવા માટે ગોળ-1 ટકો, લીંબુ 3 ટકા, પાણી 10 ટકા, જેમ કે 14 કિલો ગોળ, 42 કિલો લિંબુ (ટુકડા કરેલ), 140 લિટર પાણી-આ ત્રણેય વસ્તુઓને હવાચૂસ્ત રીતે પીપમાં બંધ કરવી. તેને અઠવાડિયામાં બે વખત ખોલીને, તેમાંથી હવા બહાર નીકળવા દેવી, તેમ જ બે વખત ઘડીયાળની દિશામાં મિશ્રણને હલાવવું. ત્યારબાદ 2 મહિના 21 દિવસ હવાચૂસ્ત બંધ કરવું. આ તૈયાર થયેલ મિશ્રણ જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગમાં લઈને પીપ બંધ કરી દેવું. આ મિશ્રણ બે વર્ષ સુધી વાપરી શકાશે. 

આ ઉપરાંત તેઓ ભસ્મ રસાયણ પણ બનાવે છે, જે સૂક્ષ્મ પોષણનું કાર્ય કરે છે. તેને બનાવવા માટે 7 થી 8 પ્રકારની માટી, વાટેલ આખું મીઠું અને નાળિયેરની કાચલીના ટુકડા મિશ્ર કરી માટલામાં નાંખીને તેને માટીનાં વાસણથી ઢાંકી માટીનાં લેપથી હવાચૂસ્ત રીતે બંધ કરવામાં આવે છે અને તેને જમીનમાં ખાડો કરીને નીચે આગ પેટાવી 24 કલાક પકવવામાં આવે છે. 

તૈયાર થયેલ આ મિશ્રણને દળીને પાવડર બનાવી, તેમાંથી 500 ગ્રામ પાવડર અને 2 કિલો ગોળને 200 લિટર ભરેલ બેક્ટેરિયા જળમાં નાંખી 2 થી 3 દિવસ રાખવામાં આવે છે અને આ તૈયાર મિશ્રણમાં 300 લિટર પાણી નાંખીને તેનો છંટકાવ કરી શકાય છે. તેમાં જરૂર હોય તો લીંબુનું ખટ્ટા જૈવ રસાયણ પણ નાંખી શકાય. 

તેઓ સોશિયલ મીડિયા પર 500 થી 600 ખેડૂતોનાં વિશાળ ગ્રૂપને પોતાની વિવિધ કૃષિપ્રવૃત્તિનાં વિડીયો, માહિતી તેમ જ રૂબરૂ મુલાકાત લઈને ખેડૂતોને માર્ગદર્શન પણ આપે છે.