Krushi Vishwa

ધોરિયા પદ્ધતિની સિંચાઈમાં બહુ ગુમાવ્યું, હવે ટપક પદ્ધતિ અપનાવ્યે જ છૂટકો

By GS Team
9 Jan 20264 mins read
TukuTouch Logo
કૌશિકભાઈએ 7 વીઘામાં ટપક સિંચાઈથી 110 મણ કપાસનું ઉત્પાદન મેળવ્યું, જો ધોરિયા પદ્ધતિથી તેમણે સિંચાઈ કરી હોત તો, એટલા જ વિસ્તારમાં ફક્ત 70 મણ જેટલો પાક થાત, આટલું નુકસાન ન જ પરવડે

Summarized by AI; it may make mistakes. Check important info

ધોરિયા પદ્ધતિની સિંચાઈમાં બહુ ગુમાવ્યું, હવે ટપક પદ્ધતિ અપનાવ્યે જ છૂટકો

Agriculture News : ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં જળસ્તર નીચા જવાથી ખેડૂતો માટે પરંપરાગત રીતે પિયત કરવી મુશ્કેલ બનતી હોય છે. આ સમયે સીમિત પાણીનાં સ્રોતમાં ધોરિયા પદ્ધતિને પકડી રાખવી એ પોતાની જ ખેતીનાં વિકાસને રૂંધવા જેવી વાત છે. વરસાદ ક્યારે આવે અને જાય, તેની સો ટકા આગાહી કરવી મુશ્કેલ છે, ત્યારે આવી પરિસ્થિતિમાં પાણીનાં મૂલ્યને સમજી, કરકસરયુક્ત ઉપયોગ થાય તે માટે સૂક્ષ્મ સિંચાઈથી ખેતી કરવી જરૂરી બની જાય છે. જ્યાં પાણીની મહેર છે ત્યાં પણ પાણીની કિંમત દરેકને સમજાવી જોઈએ. ખેતીમાં ટપક સિંચાઈ અપનાવવી એ કોઈપણ ખેડૂત માટે માત્ર પાણીની બચત જ નહીં પણ, તેનાં પાકના સારા ઊતારા માટે પણ એટલો જ ઉપયોગી વિકલ્પ સાબિત થઈ શકે છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં, ધ્રાંગધ્રા તાલુકાનાં ગાજણવાવ ગામના કૌશિકભાઈ રસિકભાઈ પટેલ છેલ્લા 15 વર્ષથી તેમની 25 વીઘા જમીનમાં ટપક સિંચાઈનો ઉપયોગ કરીને, ખેતીમાં ઘણાં ફાયદા મેળવી રહ્યા છે. કૌશિકભાઈ કહે છે કે, તેમના વિસ્તારમાં ભૂગર્ભ જળસપાટી ઘણી ઊંડી છે. જો તેઓ ધોરિયા પદ્ધતિથી પાણી આપે તો આખા ખેતરમાં પાણી પહોંચાડવું મુશ્કેલ બની જાય, પણ ટપક સિંચાઈથી પાણી સીધું છોડના મૂળમાં ટીપે-ટીપે પહોંચે છે, એટલે પાણીનો બગાડ થતો નથી. જેટલું પાણી છોડને જોઈએ એટલું જ મળે છે અને વધુ વિસ્તારમાં પિયત કરી શકાય છે, જે પાણીની અછતવાળા વિસ્તારો માટે ખૂબ જ જરૂરી છે. ટપક સિંચાઈથી પાકને નિયમિત અને પૂરતું પાણી મળતું હોવાથી છોડનો વિકાસ સારો થાય છે.

કૌશિકભાઈ જણાવે છે કે, ગયા વર્ષે તેમને 7 વીઘામાં ટપક સિંચાઈથી 110 મણ કપાસનું ઉત્પાદન મળ્યું હતું. જો તેઓ ધોરિયા પદ્ધતિ વાપરતા હોત તો, આ જ જમીનમાં ફક્ત 70 મણ જેટલો પાક થાત. મગફળીમાં ગતવર્ષે કુલ 7 વીઘામાં 185 મણ જેટલું ઉત્પાદન મળ્યું હતું. આ પાક તેમણે ધોરીયા પિયતથી કર્યો હોત તો, તેમને 120-140 મણ મગફળીનું ઉત્પાદન મળ્યુ હોત. આનાથી સ્પષ્ટ થાય છે કે ટપક સિંચાઈથી પાકની ઊપજમાં સારો વધારો થાય છે અને ખેડૂતની આવક પણ વધે છે.

ઘોરીયા પદ્ધતિમાં વધુ નીંદણના કારણે મજૂરીખર્ચ વધે

પહેલાં જ્યારે કૌશિકભાઈ ધોરિયા પદ્ધતિથી પાણી આપતા હતા, ત્યારે તેમને પાણી વાળવા માટે વધુ માણસોની જરૂર પડતી હતી, પણ ટપક સિંચાઈ લગાવ્યા પછી આ કામ ઘણું સરળ થઈ ગયું છે. હવે તેમને પાણી વાળવા માટે વધુ માણસો કે, વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી. બીજું, ટપક સિંચાઈમાં નીંદણ પણ ઓછું થાય છે, જેના કારણે નીંદણનો ખર્ચ પણ ઘટી જાય છે. ઘોરિયા પદ્ધતિમાં રૂ.5000 જેટલો નીંદણનો ખર્ચ થતો હતો, હવે ટપક પદ્ધતિમાં આ ખર્ચ માત્ર રૂ. 2000 થી 2500 જેટલો એટલે કે લગભગ અડઘો થઈ જાય છે. 

પાકને ખાતર આપવામાં સરળતા

ટપક સિંચાઈમાં ખાતરને પાણી સાથે ભેળવીને સીધું છોડના મૂળ સુધી પહોંચાડી શકાય છે. કૌશિકભાઈ શાકભાજી જેવા પાકોમાં આ રીતે પાણીમાં દ્રાવ્ય ખાતરનો વધુ વપરાશ કરે છે. આનાથી ખાતરનો બગાડ થતો નથી અને છોડને પૂરેપૂરું પોષણ મળે છે. ઘોરિયા પદ્ધતિમાં એકરે એક થેલી ખાતરનો વપરાશ થાય જ્યારે ટપક પદ્ધતિમાં એકરે અડઘી થેલી જ વપરાય છે. એટલે કે ખાતરમાં અડઘોઅડઘ બચત થાય છે.

પર્યાવરણ માટે લાભદાયી

ટપક સિંચાઈ પર્યાવરણને પણ મદદ કરે છે. પાણીનો બગાડ ઓછો થવાથી જમીનમાં પાણીનું સ્તર જળવાઈ રહે છે. ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થવાથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. આ રીતે ટપક સિંચાઈ ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપે છે. જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડે છે અથવા પાણીની અછત રહે છે, ત્યાં ટપક સિંચાઈ એક આશીર્વાદ સમાન છે. 

કૌશિકભાઈના વિસ્તારમાં પણ ભૂગર્ભ જળસપાટી ઊંડી છે, પરંતુ ટપક સિંચાઈના કારણે તેઓ સારી રીતે ખેતી કરી શકે છે. વેલાવાળા અને નાજુક પાકો માટે તો આ પદ્ધતિ ઉત્તમ છે, કારણ કે ધોરિયા પદ્ધતિથી રોગ અને ફૂગ લાગવાનું જોખમ વધી જાય છે, જ્યારે ટપક સિંચાઈથી પાક સ્વસ્થ રહે છે અને ઉત્પાદન સારું મળે છે.

કદાચ ઘણાંને લાગશે કે, ટપક સિંચાઈ લગાવવાનો ખર્ચ વધારે હશે. કૌશિકભાઈએ 15 વર્ષ પહેલાં 25 વીઘા માટે આશરે એકથી સવા લાખ રૂપિયા ખર્ચ્યા હતા, જેમાં તેમને સબસિડી પણ મળી હતી. તેઓ કહે છે કે એકવાર ખર્ચ કર્યા પછી લાંબા ગાળે આ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે. તેની જાળવણીનો ખર્ચ પણ બહુ વધારે નથી. બે વર્ષમાં એકાદ વાર પાઇપ સાફ કરવી પડે છે અને ક્યાંક પાઇપ તૂટી જાય તો તેને જોડી પણ શકાય છે.

કૌશિકભાઈની જેમ ઘણાં જાગૃત ખેડૂતો હવે ટપક સિંચાઈ અપનાવી રહ્યા છે અને તેનાં ફાયદા મેળવી રહ્યા છે. જો તમે પણ પાણીની સમસ્યાથી પરેશાન છો અથવા તમારા પાકનું ઉત્પાદન વધારવા માંગો છો, તો ટપક સિંચાઈ એક ઉત્તમ વિકલ્પ છે. સરકાર પણ આ માટે મદદ કરે છે, ત્યારે ખેડૂતોએ આ સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવીને સમૃદ્ધ ખેતી તરફ આગળ વધવું જોઈએ.