ખેતીમાં રાસાયણિક દવા-ખાતરનો ખર્ચ પ્રતિ વીઘે રૂ.15,000થી ઘટાડી રૂ.2,600 કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Agriculture News : ખેતીમાં ખેડૂતની મુખ્ય સમસ્યા જ્યારે સતત વધતા જતા ખેતીખર્ચની હોય ત્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતીખર્ચ કેટલો ઘટે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ખેતીખર્ચ ઘટવાના કારણે ઉત્પાદન થોડું ઓછું કે સરખું હોય તો પણ સરવાળે નફો રહે.
રાસાયણિક દવા-ખાતરનાં ભારે ખર્ચ કરવાને બદલે પ્રાકૃતિક ઉપાયોથી, ખર્ચ ઘટાડીને, ઓછા ખર્ચમાં જ ખેતી કરીને મહેસાણા જિલ્લાનાં જોટાણા તાલુકાના, સાંથલ ગામના અજીતભાઈ ચેલાભાઈ પટેલ વર્ષ 2019 થી આત્મા પ્રોજેક્ટ, જોટાણાના માર્ગદર્શનથી તેમની આઠ વીઘા જમીનને પ્રાકૃતિક ખેતીમાં ફેરવી રહ્યા છે. તેમાં ચાર વીઘા જમીન સંપૂર્ણ પ્રાકૃતિક થઈ ગઈ છે અને અન્ય પરિવર્તનના તબક્કામાં છે.
પ્રાકૃતિક ખેતીમાં બે વીઘામાં તેમણે મોડેલ ફાર્મમાં જામફળ, આમળાં, સફરજન, મોસંબી, સરગવા, લીંબુ, અંજીર, હળદર, કારેલા, તુવેર, મરચાં, મેથી, મૂળાં, પાલક તેમ જ અન્ય બે વીઘામાં દિવેલા, અડદ અને ચાર વીઘાની રાસાયણિક ખેતીમાં દિવેલાં અને જુવારનું વાવેતર કર્યું છે.
પ્રાકૃતિક ખેતીનો મૂળભૂત સિદ્ધાંત જમીનના સ્વાસ્થ્ય અને જીવાત નિયંત્રણ માટે પ્રકૃતિ પર આધાર રાખવાનો હોય છે. તે પ્રમાણે તેઓ તેમની ખેતીમાં રોગ જીવાતના નિયંત્રણ માટે વિવિધ વનસ્પતિઓ જેમ કે લીમડો, સીતાફળ કે તેનાં પાન, આંબો, આંકડો, ધતુરો, હળદર, હિંગ, દિવેલાના પાન, કણજી, પપૈયાના પાન, જામફળીના પાન, આંબાના પાન, તુલસી, અરણીનાં પાન 1-1 કિલો પ્રમાણે આ બધી વનસ્પતિને ભેગી કરીને, તેમાં 20 લિટર ગૌમૂત્ર, 170 લીટર પાણી નાખીને છાયામાં ઢાંકીને પંદર-વીસ દિવસ રાખીને ખૂબ હલાવ્યા બાદ તેમાંથી પ્રાકૃતિક દવાઓ બનાવીને રોગ-નિયંત્રણ માટે તેનો છંટકાવ કરે છે.
તેઓ કહે છે કે, માનો કે કોઈ ખેડૂતે જંતુનાશક દવાનો તાત્કાલિક ઉપયોગ કરવો હોય તો, ઉપરોક્ત વનસ્પતિનાં એક-એક કિલો પાન લઈને તેને પીસીને ઉકાળી દેવા જોઈએ. તેમાં 20 લીટર ગૌમૂત્ર નાંખીને, 170 લિટર જેટલું પાણી નાંખી 24 કલાક મિશ્રણને ઠંડુ પાડ્યા બાદ કોઈપણ પાકમાં 15 લીટરના એક પંપમાં 500 એમ.એલ. દ્રાવણ સાથે પાણી ઉમેરીને છંટકાવ કરવો. તેનાંથી કોઈપણ પ્રકારની જીવાત ભાગી જશે.
આ ઉપરાંત તેઓ નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, જીવામૃત, ઘનજીવામૃત અને ખાટી છાશનો પ્રયોગ પણ કરે છે.
વિવિધ પ્રાકૃતિક પ્રયોગોને કારણે તેમની એક સમયની રાસાયણિક ખેતીમાં થતા દવા અને ખાતરનાં ખર્ચમાં ઘણો ઘટાડો થયો. રાસાયણિકમાં તેમને પ્રતિ વીઘે રૂ. 12,000 નો ખાતર ખર્ચ થતો હતો અને જંતુનાશક દવામાં પ્રતિ વીઘે રૂ. 3000નો ખર્ચ થતો હતો. જે ઘટીને હવે ઘનજીવામૃત, જીવામૃત જેવાં પ્રાકૃતિક ખાતરના કારણે ખર્ચ રૂ.2000 અને પ્રાકૃતિક દવાનો રૂ. 600 જેટલો ખર્ચ થાય છે. તેમનાં મતે, પ્રાકૃતિક ખેતી ખરેખર ખેતીખર્ચમાં મોટી રાહત આપે છે.
તેમના રાસાયણિક ખેતરમાં પ્રતિ વીઘે દિવેલામાંથી 45 મણ અને પ્રાકૃતિક ખેતરમાંથી પ્રતિ વીઘે 35 મણનું ઉત્પાદન મેળવે છે. અહીં ઉત્પાદન ભલે થોડું ઓછું હશે, પણ ગુણવત્તાયુક્ત અને ઓછા ખર્ચમાં ઉપજ મેળવે છે. તેઓ જણાવે છે કે જો યોગ્ય માર્કેટિંગ કરવામાં આવે તો દિવેલામાં પણ સારો ભાવ મળી શકે, જ્યારે પ્રાકૃતિક ઘાન્ય અને શાકભાજીમાં વધુ ભાવ મળી જ રહે છે.
ગત વર્ષે તેમણે 513 જાતનાં ઘઉંનું વાવેતર કરેલ અને 2 વીઘામાંથી કુલ 101 મણ ઘઉંનું ઉત્પાદન થયું હતું. તેમણે આ ઘઉંનું સોર્ટિંગ, ક્લીનિંગ કરાવીને મૂલ્યવર્ધન કર્યું. ઘઉંનું 50 કિલોનું પેકિંગ કરીને રૂ. 1000 પ્રતિ મણનાં ભાવે વેચાણ કરીને રૂ.1,01,000 નું ઉત્પાદન મેળવ્યું અને તેમાં રૂ. 30,000 ખર્ચ બાદ કરતા રૂ. 71,000નો ચોખ્ખો નફો મેળવ્યો.
શાકભાજીમાં ગત વર્ષે રૂ. 70,000 નું ઉત્પાદન મેળવીને રૂ. 40,000 નો ખર્ચ બાદ કરતા રૂ. 30,000નો ચોખ્ખો નફો મેળવ્યો.
તેઓ પશુપાલન દ્વારા પણ સારી એવી આવક મેળવે છે. તેમનાં પશુઓને પણ તેઓ પ્રાકૃતિક ખોરાક આપે છે. પશુપાલનમાંથી તેઓ દૂધ ડેરીમાં ભરાવીને વાર્ષિક રૂ. 2,16,000 ની આવક મેળવે છે અને તેમાં ખર્ચ રૂ. 1,50,000 બાદ કરતા તેઓ વાર્ષિક રૂ. 66,000નો ચોખ્ખો નફો મેળવે છે. આમ તેમણે ગત વર્ષે પ્રાકૃતિક ખેતી અંતર્ગત માત્ર બે વીઘામાં રૂ. 1 લાખ અને અને પશુપાલનમાંથી રૂ. 66,000 કુલ ચોખ્ખી વાર્ષિક રૂ. 1,66,000 ની આવક મેળવી અને ભવિષ્યમાં તેમના ફળાઉ ઝાડમાંથી આવક શરૂ થશે, ત્યારે આ આંકડો હજી પણ વધશે.
પ્રાકૃતિક ખેતી માત્ર જમીન અને પર્યાવરણને જ નહી, પરંતુ ખેડૂતને આર્થિક રીતે પણ સમૃદ્ધિનો માર્ગ બતાવી શકે છે. અજિતભાઈ હવે ગામના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને માર્ગદર્શન આપીને પ્રાકૃતિક ખેતીના અભિયાનને આગળ ધપાવી રહ્યા છે.




