ગળતેશ્વર વનમાં પ્રથમ વરસાદે કરોડોના ખર્ચે બનાવેલી દીવાલ ધસી પડી, ભ્રષ્ટતંત્રની પોલ ખુલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Galteshwar Van project: ખેડા જિલ્લાના પ્રસિદ્ધ ગલતેશ્વર મહાદેવ મંદિર નજીક વિકસાવવામાં આવેલા ગલતેશ્વર વન પ્રોજેક્ટમાં પ્રથમ જ ભારે વરસાદ બાદ ધરાશાયી થયેલા વિકાસકામોની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પ્રોજેક્ટના કેટલાક ભાગોમાં દીવાલ ધસી પડવાની અને મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલી લોખંડની સીડીઓ ખડી પડવાની ઘટનાઓ સામે આવતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને નારાજગી જોવા મળી રહી છે.
પ્રથમ વરસાદમાં જ માળખાકીય ખામીઓ સામે આવી
વન વિભાગ દ્વારા ગલતેશ્વર વિસ્તારને પર્યટન અને પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષક સ્થળ તરીકે વિકસાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઉપલબ્ધ ટેન્ડર વિગતો મુજબ પ્રોજેક્ટના વિકાસ માટે રૂ. 10 કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે વરસાદના શરૂઆતના તબક્કામાં જ માળખાકીય ખામીઓ સામે આવતાં ખર્ચેલી રકમ અને કામની ગુણવત્તા અંગે ચર્ચા તેજ બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ તો પહેલા સામાન્ય વરસાદમાં જ બધું ધોવાણ થયું છે ત્યારે વધુ વરસાદ આવશે ત્યારે શું પરિસ્થિતિ થશે.
નિષ્પક્ષ તકનીકી તપાસની માંગ
ગલતેશ્વર વનને માત્ર હરિયાળી વિસ્તાર તરીકે નહીં, પરંતુ સાંસ્કૃતિક અને પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહીસાગર નદીના કિનારે આવેલું આ સ્થળ દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને આકર્ષે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો નવા બનેલા બાંધકામોમાં પ્રથમ જ વરસાદમાં નુકસાન દેખાવા લાગે તો તેની પાછળના કારણોની નિષ્પક્ષ તકનીકી તપાસ થવી જોઈએ.
ટકાઉપણું અને સલામતી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ
બાંધકામ દરમિયાન અપનાવવામાં આવેલા ધોરણો, ગુણવત્તા નિયંત્રણ અને કામની દેખરેખ અંગે પણ સ્પષ્ટતા થવી જરૂરી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ જાહેર પ્રોજેક્ટોમાં ગુણવત્તા સંબંધિત પ્રશ્નો ઊભા થયા છે. ગલતેશ્વર વનની ઘટના પણ એ જ પ્રકારની ચિંતાઓને ફરી જીવંત કરી રહી છે. જાહેર નાણાંમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે ત્યારે માત્ર ભવ્યતા નહીં, પરંતુ ટકાઉપણું અને સલામતી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. હવે સંબંધિત વિભાગો દ્વારા નુકસાનના કારણોની તપાસ અને જરૂરી જવાબદારી નક્કી કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.




