કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટથી આખુ બાંધકામ ધ્વસ્ત, 5થી વધુ શ્રમિક ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kheda Kapadvanj Firecracker Factory Explosion: ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફટાકડાની એક ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેના અવાજથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો પણ ધ્રૂજી ઉઠ્યા હતા. વિસ્ફોટના કારણે ફેક્ટરી જે મકાનમાં ચાલી રહી હતી તે આખું મકાન તૂટીને ભુક્કો થઈ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
આસપાસના ગામો સુધી ધડાકો સંભળાયો
મળતી માહિતી અનુસાર, ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ધડાકાનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. જોતજોતામાં ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
કપડવંજમાં થયેલા આ પ્રચંડ વિસ્ફોટ અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ જણાવ્યું હતું કે, 'ઘટના સમયે ફેક્ટરીમાં 5થી 6 શ્રમિકો કામ કરી રહ્યા હતા. જેમાંથી 2 શ્રમિકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ટ
કારખાનામાં ફટાકડાની દિવેટો બનાવવાનું કામ ચાલતું હતું
વહીવટી તંત્રની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ સ્થળે ફટાકડા માટેની દિવેટો (વાટ) બનાવવાનું કામ ચાલતું હતું. જોકે, આ કારખાનું કેટલા સમયથી ધમધમતું હતું અને તેની પાસે સત્તાવાર લાયસન્સ કે મંજૂરી હતી કે નહીં તે અંગે પ્રાંત અધિકારીએ હાલ અજાણતા વ્યક્ત કરી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









