Kheda

કપડવંજમાં નાના બાળકો માટેની રતવાની દવાના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણનો પર્દાફાશ

By GS Team
9 Aug 20263 mins read
TukuTouch Logo
નડિયાદ FDCAની ટીમે કપડવંજના ધોળીકૂઈ ખાતે "ડોક્ટર સોની, બાવીશી વાળાનું દવાખાનું" પર દરોડો પાડ્યો હતો. અહીં નાના બાળકો માટેની રતવાની દવાના નામે બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ થતું હતું. ટીમે રૂ. 66,400નો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં 160 બોટલ શંકાસ્પદ પ્રવાહી અને ખાલી બોટલોનો સમાવેશ થાય છે. ડૉ. સોની (B.H.M.S.) 5 વર્ષથી આ પ્રેક્ટિસ કરતા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

કપડવંજમાં નાના બાળકો માટેની રતવાની દવાના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણનો પર્દાફાશ

Kapadvanj Illegal Infant Medicine Busted FDCA Nadiad: ગુજરાતમાં ગેરકાયદે અને નકલી દવાઓ સામે ચાલી રહેલી 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ નડિયાદ મદદનીશ કમિશનરની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કપડવંજમાં નાના બાળકો માટેની રતવાની દવાના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણનો પર્દાફાશ કરી રૂ.66,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કપડવંજમાં દવાના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણનો પર્દાફાશ

નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને બિનઅધિકૃત તબીબી પ્રેક્ટિસ અટકાવવાના ભાગરૂપે નડિયાદ વિભાગીય કચેરી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રવર ઔષધ નિરીક્ષક તથા ઔષધ નિરીક્ષકની ટીમે 7 ઓગસ્ટ 2026ના રોજ કપડવંજના ધોળીકૂઈ ખાતે આવેલા "ડોક્ટર સોની, બાવીશી વાળાનું દવાખાનું" પર દરોડો પાડ્યો હતો અને ક્લિનિક સંબંધિત તમામ દસ્તાવેજો તથા દવાઓના જથ્થાની તપાસ હાથ ધરી હતી.

160 બોટલો સીઝે કરી તપાસ અર્થે મોકલી

તપાસ કરતી ટીમ દ્વારા સ્થળ પરથી વેચાણ માટે રાખવામાં આવેલો શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં લેબલ વગરની 100 મિ.લી. ક્ષમતા ધરાવતી પારદર્શક પ્લાસ્ટિકની 160 બોટલોમાંથી લાલ રંગનું પ્રવાહી મળી આવ્યું હતું, જેને ટીમે સીઝ કરી વધુ તપાસ અર્થે સેમ્પલ લીધા હતા.

રૂ.66,400ની કિંમતનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન સ્થળ પરથી "રતવાની દવાની 1000 ખાલી બોટલો તથા 'વિટામિન B-Complex' દવાની 4.5 લીટર ક્ષમતા ધરાવતા 92 ભરેલા પ્લાસ્ટિક કન્ટેનર અને વપરાયેલા ખાલી કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા હતા. ટીમે સ્થળ પરથી કુલ રૂ.66,400ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ દવાખાનું ચલાવતા ડૉ. સોની (B.H.M.S.) છેલ્લા પાંચ વર્ષથી આ પ્રેક્ટિસ કરતા હતા. તેઓ અમદાવાદની 'પરેશ ટ્રેડીંગ કોર્પોરેશન' નામની પેઢી પાસેથી 'Euphoria Pharmaceuticals, Mumbai' દ્વારા ઉત્પાદિત 'ENGE PLEX' (વિટામિન B-Complex) દવા 4.5 લીટરના કન્ટેનરમાં ખરીદતા હતા. ત્યારબાદ આ દવાને પોતાના દવાખાનામાં જ 100 મિ.લી.ની નાની બોટલોમાં રીપેક કરી, પોતાનું બ્રાન્ડેડ લેબલ લગાવી દર્દીઓને બોટલ દીઠ રૂ.80ના ભાવે બિનઅધિકૃત રીતે વેચતા હતા.

દરોડા દરમિયાન સામે આવ્યું છે કે, આ પ્રવાહી દવાના ઉત્પાદન માટે જરૂરી ઉત્પાદન પરવાનો કે પ્રોડક્ટ પરમિશન ઉપલબ્ધ નહોતી. આ સિવાય નિયમ મુજબ જાળવવાના થતા બેચ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ, સ્ટોક રજિસ્ટર કે વેચાણ બિલ/કેશમેમો જેવા કોઈ પણ દસ્તાવેજો સ્થળ પર રાખવામાં આવતા નહોતા. બોટલ પર દવાનું નામ, ઉત્પાદકનું સરનામું, કમ્પોઝિશન, બેચ નંબર, ઉત્પાદન અને એક્સપાયરી ડેટ કે લાયસન્સ નંબર જેવી કોઈપણ કાયદાકીય વિગતો દર્શાવવામાં આવી નહોતી.

તપાસ ટીમે સ્થળ પરથી શંકાસ્પદ દવાની બોટલોના સેમ્પલ લઈ પૃથક્કરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબોરેટરીના ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ 'ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940' તથા 'ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સ, 1945'ની કડક જોગવાઈઓ હેઠળ સંચાલકો સામે ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: GPSCની પ્રિલિમિનરી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ, અનેક ઉમેદવારોએ કહ્યું-'વિધાનવાળા પ્રશ્નો વધારે અઘરા હતા'

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર(FDCA) દ્વારા નાગરિકોને જાહેર હિતમાં અપીલ કરવામાં આવી છે કે, નિષ્ણાત પિડિયાટ્રિશિયનની સલાહ વગર 6 માસથી નાના બાળકોને માતાના દૂધ સિવાય ઉપરનો કોઈપણ ખોરાક, ઘૂંટી, દવા કે પ્રવાહી આપવું બાળકના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. નાગરિકોને માત્ર પ્રમાણિત અને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ મુજબ જ દવાઓનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.