Ahmedabad

GPSCની પ્રિલિમિનરી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ, અનેક ઉમેદવારોએ કહ્યું-'વિધાનવાળા પ્રશ્નો વધારે અઘરા હતા'

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-1 અને 2ની 34 જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા આજે રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. 1લી ઓગસ્ટે ભારે વરસાદને કારણે બે વખત મોકૂફ રખાયેલી આ પરીક્ષામાં 50 હજારથી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા. અમદાવાદના 155 કેન્દ્રો પર 37 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 100 MCQનું આ પેપર લાંબુ અને અઘરું લાગ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

GPSCની પ્રિલિમિનરી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ, અનેક ઉમેદવારોએ કહ્યું-'વિધાનવાળા પ્રશ્નો વધારે અઘરા હતા'

GPSC Prelims Exam: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની વિવિધ 34 જેટલી જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ છે. નોંધનીય છે કે, અગાઉ 1લી ઓગસ્ટના રોજ યોજાનારી આ કસોટી ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને પગલે બે વખત મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જો કે, સુધારેલા કાર્યક્રમ મુજબ આજે 9 ઓગસ્ટે રાજ્યભરમાંથી 50 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા સાથે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

પેપર લાંબુ અને અઘરું હતું: અનેક ઉમેદવારો

આજે સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યા દરમિયાન યોજાયેલી સામાન્ય અભ્યાસની આ પ્રાથમિક કસોટીમાં અનેક મહત્વની પોસ્ટનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, સિવિલ સર્વિસ વર્ગ-1 અને 2 તથા મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસ વર્ગ-2 મુખ્ય છે. આ ઉપરાંત પશુ ચિકિત્સા અધિકારી, મદદનીશ ઇજનેર, મહિલા અને બાળ અધિકારી, લીગલ ઓફિસર, નર્સિંગ સેવા તેમજ ભૂસ્તરશાસ્ત્રી અને ઔદ્યોગિક સલામતી અધિકારી જેવી વિવિધ 34 જેટલી કેટેગરીની ભરતી માટે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એક્ઝામ પૂર્ણ થયા બાદ બહાર નીકળેલા મોટાભાગના ઉમેદવારોને 100 MCQનું આ પેપર વિધાનવાળા પ્રશ્નોને કારણે લાંબુ અને અઘરું લાગ્યું હતું.

સવારે 9 વાગ્યાથી અપાયો હતો પ્રવેશ

આજના આ આયોજનમાં માત્ર અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી જ 37 હજાર કરતાં વધારે પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ માટે તંત્ર દ્વારા અમદાવાદના 155 જેટલા પરીક્ષા કેન્દ્રો પર કુલ 1,580 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉમેદવારોને છેલ્લી ઘડીએ કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે સવારે 9 વાગ્યાથી જ તમામ કેન્દ્રો પર પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી.