ચાંદીપુરા વાયરસનું સંકટ: ખેડાના કઠલાલમાં 4 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kheda News: ખેડા જિલ્લાના કઠલાલમાં 4 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા વધુ સારવાર માટે બાળકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસનું સંકટ છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈને આરોગ્યની ટીમ દ્વારા ગામમાં સર્વે અને પાઉડરનો છંટકાવ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કઠલાલમાં 4 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો
મળતી માહિતી મુજબ, ગત 9 જુલાઈ, 2026ના રોજ કઠલાલ તાલુકાના સીરાની મુવાડી ગામના 4 વર્ષીય બાળકને અચાનક ખેંચ આવતા સૌપ્રથમ ચરેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC) અને ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં બાળક ICUમાં સારવાર હેઠળ હોવાનું જણાય છે. ચાંદીપુરા વાયરસની શંકાને પગલે બાળકના બ્લડ સેમ્પલ લઈને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં યુવતી અચાનક મોબાઈલ ટાવર પર ચઢી, રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે
તાલુકા આરોગ્ય અધિકારીએ શું કહ્યું?
કઠલાલમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતાં આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી છે. જેમાં આરોગ્યની ટીમ દ્વારા સીરાની મુવાડી ગામમાં મેલેથિયોન પાઉડર છંટકાવની કામગીરી હાથ ધરી છે. સમગ્ર મામલે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સૌરભ શાહે જણાવ્યું હતું કે, 'તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વે તેમજ સ્વાસ્થ્ય સંબંધિત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે.'









