Sabarkantha

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં યુવતી અચાનક મોબાઈલ ટાવર પર ચઢી, રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
સાબરકાંઠાના ખેડબ્રહ્મા પંથકમાં ચોંકાવનારી ઘટના બની હતી. બાવડ-કાંઠીયા ગામ નજીક એક યુવતી 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી. તેને જોવા લોકોની ભીડ ઉમટતા અંબાજી હાઇવે પર 3 કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. પોલીસ અને ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવતીને સુરક્ષિત નીચે ઉતારવાના પ્રયાસો કર્યા. યુવતી કયા કારણોસર ચઢી હતી તે જાણી શકાયું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં યુવતી અચાનક મોબાઈલ ટાવર પર ચઢી, રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાંથી આજે (11મી જુલાઈ) સવારે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીંના બાવડ-કાંઠીયા ગામ નજીક એક યુવતી અચાનક જ 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી. યુવતીને ટાવરની ટોચ પર જોતા જ સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

અંબાજી હાઇવે પર ચક્કાજામ અને ભારે દોડધામ

મળતી માહિતી અનુસાર, ટાવરની ટોચ પર ઊભેલી યુવતીને જોવા માટે રોડ પર સ્થાનિકો અને મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવતા ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. યુવતી ટાવરના છેક ઉપરના ભાગે ઊભી હોવાથી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક ગ્રામજનો સતત 3 કલાક સુધી ચિંતામાં ડૂબેલા રહ્યા હતા.

રેસ્ક્યૂ ઓપરેશન અને મેગાફોનથી સમજાવવાના પ્રયાસો

આ ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો અને ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે યુવતીને કોઈ પણ પ્રકારની ઈજા વગર સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું છે. બીજી તરફ, પોલીસ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા નીચેથી મેગાફોન (માઇક)ની મદદથી યુવતીને શાંત પાડવાના અને નીચે ઉતરી જવા માટે સમજાવવાના સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે.

સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનેલી આ ઘટનામાં હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ યુવતી કયા વિવાદ, ઘરકંકાસ કે કયા કારણોસર આટલા ઊંચા ટાવર પર ચઢી ગઈ છે. પોલીસે હાલ આ મામલે કાયદેસરની નોંધ કરી છે અને યુવતી સુરક્ષિત નીચે ઉતર્યા બાદ તેની પૂછપરછ કરીને અસલી કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.