Junagadh

'સિંહ ઘાસ ન ખાય' તે કહેવત ખોટી ઠરી, જંગલનો રાજા ઘાસ આરોગે જ છે, આ દૃશ્ય જોઈ શંકા ન કરતા

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહ, વાઘ ઘાસ ખાતા જોવા મળ્યા છે, જે પાચનક્રિયા સુધારવા માટેની કુદરતી પ્રક્રિયા છે. ઝૂના નિયામક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, માંસાહારી પ્રાણીઓ શિકાર સાથે વાળ-હાડકાં ગળી જતા હોય છે. આ અપાચ્ય વસ્તુઓ બહાર કાઢવા માટે તેઓ લીલું ઘાસ ખાય છે. આ કોઈ બીમારી નહીં, પણ કુદરતી 'સેલ્ફ-કેર' પદ્ધતિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'સિંહ ઘાસ ન ખાય' તે કહેવત ખોટી ઠરી, જંગલનો રાજા ઘાસ આરોગે જ છે, આ દૃશ્ય જોઈ શંકા ન કરતા

Lion Eats Grass: 'જંગલનો રાજા સિંહ ક્યારેય ઘાસ ન ખાય…' આ કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ ચોમાસાની ઋતુમાં સિંહ, વાઘ કે દીપડા જેવા શિકારી પ્રાણીઓ લીલું ઘાસ ચરતા કે મોંમાં નાખતા જોવા મળે તે દ્રશ્ય એકદમ નૈસર્ગિક અને સ્વાભાવિક છે. શિકારી પ્રાણીઓના ઘાસ ખાવા પાછળનું આશ્ચર્યજનક વૈજ્ઞાનિક રહસ્ય જૂનાગઢ સક્કરબાગ ઝૂના નિયામક રાજદીપસિંહ ઝાલાએ સ્પષ્ટ કર્યું છે.

ભૂખ નહીં પણ પાચનક્રિયા સુધારવા ખાય છે ઘાસ

સક્કરબાગ ઝૂના નિયામક રાજદીપસિંહ ઝાલાના જણાવ્યાનુસાર, સિંહ, વાઘ અને દીપડા જેવા બિલાડી કુળના પ્રાણીઓ સંપૂર્ણપણે માંસાહારી (ઓબ્લીગેટ કાર્નિવોર્સ) હોય છે. છતાં તેઓ જંગલમાં મુક્ત અવસ્થામાં હોય કે ઝૂમાં બંધનાવસ્થામાં હોય, ક્યારેક-ક્યારેક ઘાસ ખાય છે.

આની પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યારે આ પ્રાણીઓ શિકાર કે માંસ આરોગે છે, ત્યારે ખોરાકની સાથે પ્રાણીઓના વાળ, ચામડી અને હાડકાના ટુકડા પણ તેમની હોજરીમાં જતા રહે છે. આ અપાચ્ય વસ્તુઓ સરળતાથી પચતી ન હોવાથી, પેટ અને આંતરડા સાફ કરવા માટે પ્રાણીઓને 'ફાઈબર ઈન્ટેક' (ફાઈબર યુક્ત ખોરાક)ની જરૂર પડે છે. જેના માટે તેઓ લીલું ઘાસ ખાય છે.

પ્રાણીઓ માટે ઘાસ એ 'કુદરતી ઈસબગુલ' સમાન

જે રીતે મનુષ્યો પોતાની પાચનક્રિયા સુધારવા અને પેટ સાફ રાખવા માટે ઈસબગુલ કે તકમરિયા જેવા ફાઈબર યુક્ત પદાર્થો લે છે, તેવી જ રીતે જંગલના પ્રાણીઓ માટે લીલું ઘાસ કુદરતી ઈસબગુલ કે તકમરિયા તરીકે કામ કરે છે. સિંહ કે વાઘનું ઘાસ ખાવું એ કોઈ બીમારી, નબળાઈ કે રોગનું લક્ષણ નથી, પરંતુ પોતાની પાચનક્રિયા સ્વસ્થ રાખવા માટેની કુદરતી 'સેલ્ફ-કેર' પદ્ધતિ છે.

મુલાકાતીઓમાં ફેલાતી ગેરસમજ

સામાન્ય રીતે સક્કરબાગ ઝૂ કે અન્ય પ્રાણીસંગ્રહાલયોમાં મુલાકાતીઓ જ્યારે સિંહ કે વાઘને ઘાસ ખાતા જુએ છે, ત્યારે 'પ્રાણીઓને પૂરતો ખોરાક નથી મળતો એટલે તેઓ ઘાસ ખાવા મજબૂર બન્યા છે' તેવી ટિપ્પણીઓ કરતા હોય છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. જોકે, આ માન્યતા તદ્દન ભ્રામક છે અને વાસ્તવિકતા આખી અલગ છે.