જૂનાગઢના કિન્નર અખાડામાં સાધ્વી પર કુખ્યાત સાધુનો ગદા વડે હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ : જૂનાગઢના ભવનાથ કિન્નર અખાડા ખાતે ગતરાત્રીના સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે કુખ્યાત સાધુએ નગ્ન હાલતમાં આવી કિન્નર અખાડાના સાધ્વી અને તેના ગુરૂને ગાળો આપી હતી. બાદમાં ઉશ્કેરાઈ જઈ કિન્નર સાધ્વી પર ગદા વડે હુમલો કર્યો હતો. સેવકો વચ્ચે પડતાં તેને પણ લાકડા વડે માર માર્યો હતો અને ૧.૬૦ લાખ સાથેની ઝોળી અને ધાતુની વીટી લઈ આ સાધુ નાસી ગયો હતો. આ અંગે ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કરી ફરાર કુખ્યાત સાધુની શોધખોળ શરૂ કરી છે.
જૂનાગઢના ભવનાથમાં કિન્નર અખાડામાં રહેતા અને સેવાપૂજા કરતા ગિરનારીગીરી માતાજી ગુરૂ હરીગીરીજી (ઉ.વ.૩૮) ગત રાત્રે દસેક વાગ્યે કિન્નર અખાડા ખાતે અન્ય કિન્નરો તેમજ સેવકો સાથે ભજન-સત્સંગનો કાર્યક્રમ માણી રહ્યા હતા ત્યારે શિવગીરી ગુરૂ જયદેવગીરી નામનો કુખ્યાત સાધુ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા. શિવગીરી નગ્ન હાલતમાં ગદા લઈ ત્યાં આવ્યો હતો. સત્સંગ કાર્યક્રમ ચાલુ હતો ત્યાં જઈ શિવગીરી ગિરનારીગીરી માતાજી પાસે ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. તેને ગાળો બોલવાની ના પાડતા શિવગીરીએ ઉશ્કેરાઈ જઈ તેની પાસે રહેલી ગદા ગિરનારીગીરી માતાજીને માથામાં મારી દીધી હતી. બુમાબુમ થતા અખાડામાં હાજર સેવકો, સુમીત્રાગીરી માતાજી, પુંજાભાઈ, વિપુલભાઈ રાવત વચ્ચે પડતા શિવગીરી તથા તેની સાથે આવેલા શખ્સો ધુણામાં પડેલા લાકડા ઉપાડી મારવા લાગ્યા હતા, જેમાં સાધ્વી સુમીત્રાગીરી અને પુંજાભાઈને મુઢ ઈજા થઈ હતી. આ શખ્સોએ ગાળો આપી 'કિન્નરો તમે અખાડાનું અન્નક્ષેત્ર કેમ ચલાવો છો, આ અખાડો બંધ કરી દેજે નહીતર તમો બધાને મારી નાખીશ' એવી ધમકી આપી હતી.
જતા જતા શિવગીરી કાપડની ઝોળીમાં રહેલા ૧.૬૦ લાખ રૂપિયા તથા વિપુલ રાવતના હાથમાં રહેલી ધાતુની વીટી ઝુંટવી ગયો હતો. આસપાસમાંથી અખાડાના માણસો આવતા કોઈએ ૧૧રને ફોન કર્યો હતો. એ દરમિયાન આ શખ્સો નાસી ગયા હતા.
- સાધુ સહિત ચાર સામે હુમલા- લૂંટની ફરિયાદ
આ અંગે કિન્નર અખાડાના ગિરનારીગીરી માતાજી ગુરૂ હરીગીરીજીએ ફરિયાદ કરતા ભવનાથ પોલીસે હુમલા તેમજ લૂંટ અંગેનો ગુનો દાખલ કરી શિવગીરીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.
કુખ્યાત સાધુ સામે અગાઉ છ કેસ થયેલા છે, તેને તડીપાર પણ કરાયો હતો
ભવનાથમાં રહેતા શિવગીરી ગુરૂ જયદેવગીરી નામના સાધુ સામે ર૦૧૮થી ર૦ર૬ દરમિયાન કુલ છ કેસ નોંધાયેલા છે. ર૦ર૩માં ભવનાથમાં સાધ્વી પર તલવાર વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત અન્ય એક સાધુને માર માર્યો હતો. ગત શિવરાત્રી મેળામાં તેના ઝુંપડામાંથી તલવાર, ભાલા, છરી સહિતના હથિયારો મળ્યા હતા આથી તેને તડીપાર કરી ઝુંપડાનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
'પ્રશાસને કડક કાર્યવાહી કરવી જરૂરી'
'મારે ક્યારેય શિવગીરી સાથે વાત પણ થઈ નથી, ગત રાત્રે પૂનમ હોવાથી સંતવાણી કાર્યક્રમ હતો ત્યારે શિવગીરી આવ્યો હતો, તેને સાધુ પરંપરા મુજબ જગ્યા આપી હતી પરંતુ તે ગાળો આપવા લાગ્યો હતો અને ઉશ્કેરાઈ મારા પર ગદા વડે હુમલો કર્યો હતો. આ સાધુને અગાઉ અખાડામાંથી બરખાસ્ત કરવામાં આવ્યો છે તેમ છતાં તે ગમે તેના પર હુમલા કરે છે. આ સાધુ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે બાકી કોઈ મોટી ઘટનાને પણ અંજામ આપી શકે તેવો ખુંખાર માણસ છે.' - કિન્નર અખાડાના ગિરનારીગીરી માતાજી




