જૂનાગઢ નજીક ગોઝારો અકસ્માત: સોમનાથ અસ્થિ વિસર્જન માટે જતા બનાસકાંઠાના પરિવારની કાર ટ્રક પાછળ ઘૂસી, 4ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh Accident: જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક આજે (11મી જુલાઈ) ભીષણ અકસ્માત સર્જાયો છે. સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા બનાસકાંઠાના એક પરિવારની કાર રસ્તા પર બંધ હાલતમાં ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
બંધ ટ્રક પાછળ કાર ઘૂસતા આગળનો ભાગ ચકનાચૂર
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાનો એક પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન અર્થે કાર દ્વારા સોમનાથ જવા નીકળ્યો હતો. દરમિયાન મજેવડી ગામ નજીકથી પસાર થતા ફોર ટ્રેક રોડ પર આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર બંધ હાલતમાં ઉભેલી એક ટ્રકની પાછળ કાર પૂરપાટ ઝડપે ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર સભ્યોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
અકસ્માતને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત થયેલા ચાર લોકોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી બે લોકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને હાલ ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.









