'મેં પત્નીથી કંટાળી ઘરે તેનો વધ કર્યો છે, હું ટ્રેન હેઠળ આપઘાત કરૂં છું'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ : કેશોદની સુમન સોસાયટીમાં રહેતા અને અર્બન હેલ્થ સેન્ટરમાં લેબ ટેકનિશ્યન તરીકે કરાર આધારિત નોકરી કરતા યુવાને આજે ગૃહ કલેશના કારણે પોતાની પત્નીને ગળેટુપો આપી તેની હત્યા કરી હતી, બાદમાં પોતે રેલ્વે સ્ટેશન નજીક આવેલા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહ પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો, જેમાં યુવકે પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાનો વીડિયો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ, કેશોદ રેલ્વે સ્ટેશન પરથી આજે બપોરે વેરાવળ-બ્રાન્દ્રા ટ્રેન પસાર થઈ ફાટક પાસે પહોંચી ત્યારે એક યુવકે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે જાણ થતા કેશોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. યુવકના મૃતદેહ પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. તેની તપાસ કરતાં આ યુવક સુમન સોસાયટીમાં રહેતો ગિરીશ બાબુભાઈ બાલસ (ઉ.વ.ર૭) હોવાની અને તે અર્બન હેલ્થ સેન્ટરમાં કરાર પર લેબ ટેકનિશ્યન તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખ થઈ હતી. તેના મોબાઈલમાંથી તેણે બનાવેલો વિડીયો મળી આવ્યો હતો, જેમાં તેણે ઘરે પોતાની પત્ની વિપુલા ઉર્ફે વિદ્યાબેનની હત્યા કર્યા બાદ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. આ વિડીયો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે ગિરીશ બાલસના ઘરે જઈ તપાસ કરતા ઉપરથી ઘર લોક હતું. તેના સગા-સબંધીઓ અને પંચની હાજરીમાં લોક તોડી તપાસ કરતા વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેનનો ગળેટુપો આપેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
- અગાઉ ડખ્ખો થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો પણ સમાધાન થઈ ગયું હતું
આ અંગે કેશોદના ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, ગિરીશ બાલસે ગૃહ કલેશના કારણે પત્નીની હત્યા કરી પોતે આપઘાત કરી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અગાઉ મૃતક વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેને પોલીસને અરજી કરી હતી પરંતુ પતિ-પત્ની વચ્ચેનો મામલો હોવાથી સમાધાન થઈ ગયું હતું.
દંપતીએ પ્રેમલગ્ન કર્યા હતા, કારકિર્દી માટે બંને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં હતાં
ગિરીશ બાબુભાઈ બાલસ મૂળ શેરગઢનો વતની છે. તેણે ચારેક વર્ષ પહેલાં વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. વિપુલાબેન ઉર્ફે વિદ્યાબેન અગાઉ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા. હાલ બંને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવથી કેશોદમાં ચકચાર વ્યાપી ગઈ હતી. - 'એ મને મારતી, બચકાં ભરતી, છ માસથી મરી-મરીને જીવું છું'
જૂનાગઢ: કેશોદમાં પત્નીની હત્યા કર્યા બાદ આપઘાત કરનાર ગિરીશ બાલસે ટ્રેન હેઠળ પડતું મુકતા પહેલા વિડીયો બનાવ્યો હતો. જેમાં તેણે પોતાની પત્ની એક વર્ષ રિસામણે હતી એમ કહી ઉમેર્યું કે છ માસ પહેલા સમાધાન થયું હતું. બંને સાથે રહેતા હતા પરંતુ વિપુલા ઉર્ફે વિદ્યા પોતાના પતિ ગિરીશ બાલસને કહેતી કે 'તેં મને જોબ મુકાવી છે એટલે હું તને હેરાન જ કરીશ'. ગિરીશે ઉમેર્યું કે, 'છ માસથી હું મરી-મરીને જીવી રહ્યો છું, હું તેના મનનું જ ધાર્યું કરતો હતો તેમ છતાં તેણી મને હેરાન કરતી હતી, માર મારતી હતી, બચકાં ભરતી હતી, તેના ફોટો પણ ફોનની ગેલેરીમાં છે, તેનો અત્યાચાર વધી ગયો હતો, તમામ બાબતનું રેકોર્ડીંગ છે, મેં તેને છુટાછેડા લેવાની અને અન્ય જગ્યાએ જોબ કરવી હોય તો કરવા છુટ આપી હતી પરંતુ તેણી મારે તને હેરાન જ કરવો છે એમ કહેતી, મારૂ તો તારા બાપને પણ પુરૂ પાડવું પડશે કહી મને ખુબ ઉશ્કેરતી હતી ત્યારે હું દોડીને ઘરની બહાર નીકળી જતો હતો. હું પોલીસ સ્ટેશને પણ ગયો હતો, પોલીસ પણ શું કરે કારણ કે કાયદા મહિલાઓની તરફેણમાં છે. આ વિડીયો દિલ્હી સુધી મોકલજો અને આ મહિલા તરફી કાયદો બદલવાની જરૂર છે કારણ કે ભણેલીગણેલી મહિલાઓ હોંશિયાર થઈ ગઈ છે, કાયદા-કાનુન જાણે છે અને ઘરવાળાઓને હેરાન કરી શાંતિથી જીવવા દેતી નથી. વસ્તુઓ મંગાવી મારા પર ૩પ-૪૦ હજારનું દેવું પણ કરી દીધુ હતું. આ બાબતથી કંટાળી મેં તેનો વધ કર્યો છે અને હમણા ટ્રેન આવે એટલે હું પણ આપઘાત કરૂ છું આ બાબતની તમામ જવાબદારી લઉ છું.'









