Junagadh

ગીર-કેસરી પર રોગચાળાનું ત્રાટકઃ એક વર્ષમાં રોગથી 62 સિંહનાં મોત

By GS Team
11 Sep 20263 mins read
TukuTouch Logo
જૂનાગઢમાં છેલ્લા 1 વર્ષમાં 62 સિંહોના જીવલેણ રોગોથી મોત થતા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. વિધાનસભામાં અપાયેલા જવાબ મુજબ, 31 જુલાઈ 2026 સુધીમાં ગીરમાં સેપ્ટિસેમિયા, ન્યુમોનિયા અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોર જેવા રોગોથી 17 નર, 17 માદા અને 28 બચ્ચા મૃત્યુ પામ્યા છે. સિંહ પ્રેમીઓએ બેદરકાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગીર-કેસરી પર રોગચાળાનું ત્રાટકઃ એક વર્ષમાં રોગથી 62 સિંહનાં મોત

જૂનાગઢ : ગુજરાતની અસ્મિતા અને વિશ્વભરમાં ગૌરવસમા એશિયાટિક સિંહોનાં સંરક્ષણ અને લાયન હેલ્થ કેર અંગેના મોટા-મોટા દાવાઓ વચ્ચે વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં વન વિભાગે ચોંકાવનારી વિગતો સ્વીકારી છે. સરકારી આંકડા મુજબ ૩૧ જુલાઈ ૨૦૨૬ની સ્થિતિએ છેલ્લા માત્ર એક જ વર્ષમાં ગીરમાં ભયાનક અને જીવલેણ રોગોથી જ ૬૨ સિંહોના કરૂણ મોત નીપજ્યા છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે ૬૨ પૈકી ૨૮ જેટલા તો સિંહબાળ પણ આ રોગચાળાનો ભોગ બન્યા છે.
રોગચાળાથી વિલુપ્ત થતા સાવજના ૧ વર્ષના મોતના સરકારી આંકડા મુજબ ૧૭ નર, ૧૭ માદા અને ૨૮ બચ્ચા મળી કુલ ૬૨ સિંહના મોત થયા છે. વન વિભાગના જણાવ્યા મુજબ, સિંહોમાં એકસાથે અનેક જટિલ અને જીવલેણ બીમારીઓ જોવા મળી છે જેમાં સેપ્ટિસેમિયા અને ન્યુમોનિયા- હેમોરેજિક ન્યુમોનિયા (ફેફસાંનો ગંભીર ચેપ) હેપેટો-રીનલ ડિસફંક્શન અને કિડની ફેલ્યોર (લિવર અને કિડની નિષ્ફળ જવી) મલ્ટી-ઓર્ગન ફેલ્યોર અને માયોકાડયલ ઇન્ફાર્ક્શન (હાર્ટ એટેક) પેરાલિસિસ, એન્સેફાલાઇટિસ અને સી.એન.એસ. ડિસઓર્ડર (મગજ અને ચેતાતંત્રના રોગો) ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ, રાઉન્ડ વોર્મ ઇન્ફેક્શન અને એક્યુટ ઇલનેસ / સપ્ટિક શોક જેવા રોગ સિંહ માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે.
સરકારે પોતાના જવાબમાં જણાવ્યું છે કે તેઓ ડી-વોમગ, માલઢોરનું રસીકરણ, બ્લડ કલેક્શન, લાયન એમ્બ્યુલન્સ, રેપિડ એક્શન ટીમ અને વન્યપ્રાણી મિત્રો દ્વારા સતત મોનિટરિંગ કરે છે. પરંતુ જો આ તમામ સિસ્ટમ કાર્યરત હોય તો પછી એક જ વર્ષમાં આટલો મોટો રોગચાળો ફાટી નીકળ્યો કેમ? કરોડો રૂપિયાનું બજેટ વપરાયા છતાં સિંહો મલ્ટી-ઓર્ગન ફેલ્યોર અને સપ્ટિક શોકથી કેમ મરી રહ્યા છે? આંતરરાષ્ટ્રીય સ્તરના વાયરોલોજિસ્ટ અને પશુચિકિત્સકો દ્વારા ગીરમાં વ્યાપેલા વાયરલ- બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સ્વતંત્ર તપાસ થાય તે જરૂરી બની ગયું છે.

  • ચેપ સિંહો સુધી પહોંચી જતાં માલઢોરનાં રસીકરણના સરકારી દાવા પોકળ ઠર્યા
    પાણી અને ખોરાકના પ્રદૂષણનાં કારણે ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ અને કરમિયા (રાઉન્ડ વોર્મ) જેવા રોગો દૂષિત ખોરાક કે માસ અને ગંદા પાણીથી થાય છે. ગીરના નેસ અને માલઢોરમાં રસીકરણના મોટા દાવાઓ વચ્ચે આ ચેપ સિંહો સુધી કેવી રીતે પહોંચ્યો તે એક સવાલ છે. સારવાર કેન્દ્રો માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેમ સાસણ, જામવાળા, જસધાર, સાતવીરડા, ક્રાંકચ, બાબરકોટ અને ઝાંઝરવા ખાતે વન્યપ્રાણી સારવાર કેન્દ્રો અને લાયન એમ્બ્યુલન્સ હોવા છતાં ૬૨ સિંહો પીએમ ટેબલ સુધી પહોંચી ગયા! તો આ સુવિધાઓનો ઉપયોગ શું માત્ર ચોપડા પૂરતો છે?
    પાણીનું લેબોરેટરી પરિક્ષણ જરૂરી, લાયન હેલ્થકેરમાં બેદરકાર અધિકારીઓ સામે પગલાં લોઃ સિંહપ્રેમીઓ
    માત્ર અમુક સ્ટાફના ભરોસે રહેવાને બદલે સિંહ પરિવાર અને બચ્ચાંઓનું રિયલ-ટાઇમ હેલ્થ ટ્રેકિંગ કરવામાં આવે. ગીર જંગલ અને બોર્ડર વિસ્તારોમાં આવેલા પાણીના હોજ અને કુદરતી સ્ત્રોતોનું લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે. રોગચાળાના ચિહ્નો હોવા છતાં સમયસર સારવાર ન આપનાર અને લાયન હેલ્થ કેરમાં નિષ્કાળજી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી સિંહ પ્રેમીઓમાં માંગ ઉઠી છે.