Junagadh

જૂનાગઢના કિન્નર અખાડામાં સાધ્વી પર કુખ્યાત સાધુનો ગદા વડે હુમલો, સત્સંત કાર્યક્રમમાં નગ્ન હાલતમાં ડખો કર્યો

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
જૂનાગઢના ભવનાથ સ્થિત કિન્નર અખાડામાં સત્સંગ દરમિયાન ચોંકાવનારી ઘટના બની હતી. કુખ્યાત સાધુ શિવગીરીએ નગ્ન હાલતમાં પ્રવેશ કરી, કિન્નર સાધ્વી ગિરનારીગીરી માતાજી અને સેવકો પર ગદા તથા લાકડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. બચાવવા પડેલા સેવકોને પણ માર મારવામાં આવ્યો હતો. હુમલા બાદ આરોપી સાધુ 1.60 લાખ રોકડા અને વીંટી લૂંટી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢના કિન્નર અખાડામાં સાધ્વી પર કુખ્યાત સાધુનો ગદા વડે હુમલો, સત્સંત કાર્યક્રમમાં નગ્ન હાલતમાં ડખો કર્યો

Junagadh Kinnar Akhada attack : જૂનાગઢના ભવનાથ સ્થિત કિન્નર અખાડા ખાતે ગત રાત્રિના સમયે ચાલી રહેલા સત્સંગ કાર્યક્રમમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. કુખ્યાત સાધુએ નગ્ન હાલતમાં અખાડામાં પ્રવેશી કિન્નર અખાડાના સાધ્વી અને તેમના ગુરુને અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈ તેણે કિન્નર સાધ્વી પર ગદા વડે જીવલેણ હુમલો કર્યો હતો. બચાવવા માટે વચ્ચે પડેલા સેવકોને પણ લાકડા વડે માર મારવામાં આવ્યો હતો અને આરોપી સાધુ રૂ. 1.60 લાખ રોકડા ભરેલી ઝોળી તથા ધાતુની વીંટી ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી ફરાર કુખ્યાત સાધુની શોધખોળ હાથ ધરી છે.

કિન્નર અખાડામાં સાધ્વી પર કુખ્યાત સાધુનો ગદા વડે હુમલો

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા કિન્નર અખાડામાં રહી સેવાપૂજા કરતા ગિરનારીગીરી માતાજી ગુરુ હરીગીરીજી (ઉં.વ. 38) ગત રાત્રે દસેક વાગ્યાના અરસામાં અખાડા ખાતે અન્ય કિન્નરો તેમજ સેવકો સાથે ભજન-સત્સંગનો કાર્યક્રમ માણી રહ્યા હતા. આ દરમિયાન શિવગીરી ગુરુ જયદેવગીરી નામનો કુખ્યાત સાધુ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સાથે ત્યાં ધસી આવ્યો હતો. શિવગીરી નગ્ન હાલતમાં હાથમાં ગદા લઈને સત્સંગ ચાલુ હતો ત્યાં ગયો હતો અને ગિરનારીગીરી માતાજી પાસે જઈ અપશબ્દો બોલવા લાગ્યો હતો. તેને અપશબ્દો બોલવાની ના પાડતા શિવગીરીએ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી ગદા ગિરનારીગીરી માતાજીના માથામાં ઝીંકી દીધી હતી.

બચાવવા પડેલા અન્ય 3 સેવકોને પણ માર મારી ધમકી આપી

હુમલાને પગલે બૂમાબૂમ થતા અખાડામાં હાજર સેવકો સુમીત્રાગીરી માતાજી, પુંજાભાઈ અને વિપુલભાઈ રાવત વચ્ચે બચાવવા પડ્યા હતા. આથી શિવગીરી તથા તેની સાથે આવેલા શખ્સોએ ધૂણામાં પડેલા લાકડા ઉપાડીને તેમને માર મારવાનું શરૂ કર્યું હતું, જેમાં સાધ્વી સુમીત્રાગીરી અને પુંજાભાઈને મૂઢ ઈજાઓ પહોંચી હતી. આ શખ્સોએ ગાળો આપી 'કિન્નરો તમે અખાડાનું અન્નક્ષેત્ર કેમ ચલાવો છો, આ અખાડો બંધ કરી દેજો નહીંતર તમને બધાને મારી નાખીશ' તેવી ધમકી પણ આપી હતી.

રૂ. 1.60 લાખ સાથેની ઝોળી અને વીંટી લઈ ફરાર

જતાં-જતાં શિવગીરી કાપડની ઝોળીમાં રહેલા રૂ. 1.60 લાખ રોકડા તથા વિપુલ રાવતના હાથમાં પહેરેલી ધાતુની વીંટી ઝૂંટવી ગયો હતો. આસપાસમાંથી અખાડાના માણસો દોડી આવતા કોઈએ 112 પર પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ આ શખ્સો નાસી છૂટ્યા હતા.