Jamnagar

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં પોલીસમાં બાતમી આપવાની શંકાએ યુવાન પર હુમલો, બે ભાઈઓ સામે ગુનો નોંધાયો

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં બેડી વિસ્તારમાં શાહરૂખ ઘુમરા પર બે ભાઈઓએ હુમલો કર્યો. પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી, રફીક ઉર્ફે વાંઢો અને ફિરોઝ નોતીયારે 3 જુલાઈએ બેડેશ્વર ઓવરબ્રિજ પાસે મારપીટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં પોલીસમાં બાતમી આપવાની શંકાએ યુવાન પર હુમલો, બે ભાઈઓ સામે ગુનો નોંધાયો

Jamnagar: જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર પોલીસમાં બાતમી આપવાની શંકા રાખીને બે ભાઈઓએ હુમલો કરી મારપીટ કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ બેડીના નુરી રજા ચોક, ઈદ મસ્જિદ રોડ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા શાહરૂખભાઈ હુશેનભાઈ ઘુમરા ગત તા. 3 જુલાઈની મધરાત્રિએ બેડેશ્વર ઓવરબ્રિજ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક પોતાના મિત્રની રાહ જોઈ બેઠા હતા. તે દરમિયાન એકડે એક બાપુની દરગાહ પાસે રહેતા રફીક ઉર્ફે વાંઢો નોતીયાર અને તેનો ભાઈ ફિરોઝ નોતીયાર ત્યાં આવી પહોંચ્યા હતા.
ફરિયાદીનું કહેવું છે કે રફીકે તેને અહીં શું કામ બેઠો છે તેમ પૂછ્યા બાદ પોલીસમાં તેમની બાતમી આપતો હોવાની શંકા વ્યક્ત કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ બંને ભાઈઓએ મળીને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. મારપીટ દરમિયાન ફરિયાદી નીચે પડી જતાં પણ બંનેએ હુમલો ચાલુ રાખ્યો હતો. આસપાસ લોકો ભેગા થતાં બંને આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. જતાં જતાં રફીક ઉર્ફે વાંઢોએ ફરીયાદીને ફરી આ વિસ્તારમાં દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બનાવ બાદ ફરિયાદી પોતાના ઘરે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોતાના નાના ભાઈને કરી હતી. ત્યારબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે રફીક ઉર્ફે વાંઢો નોતીયાર અને ફિરોઝ નોતીયાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.