જામનગર તાલુકાના ઠેબા ગામમાં બહેનને ઘરે મૂકી જવાના મુદ્દે યુવાન પર હુમલો, ત્રણ સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર તાલુકાના ઠેબા ગામે બહેનને આરોપીઓના ઘરે મૂકી જવાના મુદ્દે થયેલી તકરારમાં એક યુવાન પર લોખંડના પાઇપથી માથામાં હુમલો કરી ધોકાથી હાથ-પગમાં માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
નાદુરી ગામે રહેતા અને મજૂરી કામ કરતા મેઘાભાઈ પરબતભાઈ વકાતર (ઉ.વ.37)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.29ના બપોરે 2:00 વાગ્યાના અરસામાં તેઓ ઠેબા ગામમાં આરોપીઓના રહેણાંક મકાન પાસે હતા. આ દરમિયાન હેમતભાઈ લખુભાઈ ગમારા, મુનાભાઈ લખુભાઈ ગમારા અને હેમતભાઈનો પુત્ર મચ્છાભાઈ ત્યાં હાજર હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીની બહેન મણીબેન ફરિયાદીના ઘરે હતી. આ દરમિયાન આરોપી હેમતભાઈએ ‘તારી બહેનને અમારા ઘરે મૂકી જા, નહીં તો મારીશું’ તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યારબાદ હેમતભાઈએ હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે ફરિયાદીના માથાના ભાગે ઘા મારતાં તેઓ નીચે પડી ગયા હતા અને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
આ પછી ત્રણેય આરોપીઓએ હાથમાં રહેલા ધોકા વડે ફરિયાદીને પગ તથા હાથના ભાગે માર માર્યો હતો, જેના કારણે શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્રણેયે એકબીજાની મદદગારી કરી મારામારી કરી તથા જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસે હેમતભાઈ લખુભાઈ ગમારા, મુનાભાઈ લખુભાઈ ગમારા અને મચ્છાભાઈ હેમતભાઈ ગમારા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 115(2), 351(3), 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




