કાલાવડ નજીક ટ્રકની ટક્કરે યુવાનને ગંભીર ઇજા : સમાધાન ન થતાં 11 દિવસ બાદ ફરિયાદ નોંધાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના પાટિયા પાસે આવેલા શિલ્પન સોલાર કંપનીના બોર્ડ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત બાદ સમાધાનની વાતચીત ચાલતી હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ અંગે કાલાવડના વેલનાથ ચોક, મીઠીવીરડીના પુલ પાસે કુંભનાથપરામાં રહેતા વિશાલ મુકેશભાઈ પરમાર (ઉ.વ. 19)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. 26 જુલાઈના રોજ તેઓ પોતાના કાકાના પુત્ર હાર્દિક રાજુભાઈ પરમાર સાથે કાકાની એક્ટિવા લઈને પડધરી તાલુકાના હીદડ ગામે કામસર ગયા હતા. પરત ફરી રહ્યા હતા ત્યારે બપોરે આશરે ત્રણ વાગ્યે મોટા વડાળા ગામના પાટિયા પાસે સામેથી આવતી ટ્રકે એક્ટિવાને ટક્કર મારી હતી.
અકસ્માતમાં વિશાલને જમણા પગમાં ગોઠણની નીચે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા તેમજ જમણા હાથમાં છોલા પડ્યા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ કાલાવડ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમના પગનું ઓપરેશન કરી પ્લેટ મૂકવામાં આવી હતી અને છ દિવસ સુધી સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.
ફરિયાદમાં ટ્રક નંબર જી.જે.36.ટી.1127ના ચાલક તરીકે મોટા વડાળા ગામના સાહીલ ગફારભાઈ મુલતાનીનું નામ દર્શાવવામાં આવ્યું છે. સમાધાનની વાતચીત નિષ્ફળ જતા આખરે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125(એ), 125(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









