લાલપુરમાં વીજ કરંટથી મહિલાનું કરૂણ મોત : PGVCLની બેદરકારીનો પરિવારનો આક્ષેપ, પોલીસે શરૂ કરી તપાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે ખેતરમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગતાં એક મહિલાનું કરૂણ મૃત્યુ નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ પીજીવીસીએલની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વીજ તંત્રની કોઈ બેદરકારી રહી છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ તા. 26 જુલાઈ, 2026ના રોજ સાંજે આશરે 6:00 વાગ્યાના અરસામાં લાલપુર પોલીસ સ્ટેશનથી પશ્ચિમ તરફ આશરે 12 કિલોમીટર દૂર નાની રાફુદળ ગામની સીમમાં આવેલી વાડીમાં આ દુર્ઘટના બની હતી. બનાવ અંગે મીતુલભાઈ મોહનભાઈ ધારવિયા (ઉ.વ. 26, રહે. નાની રાફુદળ ગામ)એ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.એસ.ની કલમ 194 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૃતક ભાનુબેન મોહનભાઈ ગોપાલભાઈ ધારવિયા (ઉ.વ. 50, રહે. નાની રાફુદડ ગામ) પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા. તે દરમિયાન ખેતરમાંથી પસાર થતી 415 વોલ્ટની એલ.ટી. વીજલાઇનના પોલના તાણિયાને સ્પર્શ થતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે પીજીવીસીએલ દ્વારા પોલમાં લગાવવામાં આવેલા તાણિયા સાથે જીવંત વીજ વાયર અડી જતાં સમગ્ર તાણિયામાં વીજપ્રવાહ પ્રસરી ગયો હતો અને તેના કારણે ભાનુબેનને જીવલેણ કરંટ લાગ્યો હતો. પરિવારજનોએ આ દુર્ઘટના માટે વીજ તંત્રની બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે.
જોકે, લાલપુર પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. વીજલાઇન, પોલ અને તાણિયાની સ્થિતિ તેમજ વીજ તંત્રની કોઈ બેદરકારી રહી છે કે કેમ તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે.









