Gujarat

ભારતીય ક્રિકેટ ટિમના રવિન્દ્ર જાડેજાના પત્ની અને સાસુ સામે અદાલતમાં હાજર થવાનું વોરંટ

By GS Team
2 Mar 20222 mins read
This article was originally published on 2 Mar 2022
ભારતીય ક્રિકેટ ટિમના રવિન્દ્ર જાડેજાના પત્ની અને સાસુ સામે અદાલતમાં હાજર થવાનું વોરંટ

જામનગર, તા. 02

જામનગરના સરૂ સેકશન રોડ પર ચારેક  વર્ષ પહેલાં મૂળ જામનગરના અને ઈન્ડિયાની ટીમના જાણીતા ઓલરાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા ના પત્ની પર  પોલીસકર્મી એ હુમલો કર્યાની ફરિયાદ થઈ હતી. તે કેસમાં રીવાબા તથા રિવાબાના માતા ને હાજર થવા સમન્સ પાઠવાયુ હોવા છતા તે બન્ને વ્યક્તિ અદાલતમાં હાજર થતા ન હોય જામીનલાયક વોરન્ટ ઈશ્યૂ થયું હતું. તે પણ બજવણી વગર પરત ફરતા અદાલતે બન્ને વ્યક્તિ સામેના વોરંટની બજવણી માટે રાજકોટ પોલીસ કમિશનરને આદેશ કર્યો છે.

જામનગરમાં સરૂ સેક્શન રોડ પરથી ગઈ તારીખ 21-05-18ના દિને સાંજના સમયે ભારતીય ક્રિકેટટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને મૂળ જામનગરના રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા અને તેમના માતા પ્રફૂલ્લાબા  મોટરમાં જતા હતા ત્યારે પોલીસ હેડક્વાર્ટર પાસે અચાનક જ એક મોટર સાયકલ બહાર નીકળ્યુ હતુ અને મોટર સાથે અથડાઈ પડયુ હતું. તેથી મોટર ચલાવી રહેલા રીવાબા અને સાથે રહેલા તેમના માતા બહાર નીકળ્યા હતા.

આ પછી રીવાબાને બાઈકના ચાલક સંજય ખીમાભાઈ કરંગીયા એ જોઈને મોટર ચલાવો તેમ કહી પોતાની પાસે રહેલું પોલીસ કર્મચારીનું ઓળખકાર્ડ બતાવી રીવાબાને ફડાકા ઝીંકયા હતા અને તેઓનું માથુ પકડી મોટરના કાચ સાથે અથડાવ્યું હતું. આ વેળાએ ત્યાં હાજર અન્ય લોકો એ તેઓને છોડાવ્યા હતા અને ત્યારે જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સ્થળ પરથી જ પોલીસકર્મી સંજય કરંગીયાની અટકાયત કરી લેવાઈ હતી અને તે પછી તત્કાલિન એસપી એ  તેને સસ્પેન્ડ કર્યો હતો.

ઉપરોક્ત બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો. ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા રીવાબા જાડેજા તથા પ્રફૂલ્લાબાને હાજર રહેવા અદાલત દ્વારા સમન્સ પાઠવાયું હતું. તેમ છતાં તારીખ 5-11-19થી આ બન્ને વ્યક્તિઓના વકીલ દ્વારા મુદ્દત માંગવામાં આવતી હતી. તે પછી અદાલતે છેલ્લી મુદ્દત આપવામાં આવશે તે શરતે રીપોર્ટ મંજૂર કર્યો હતો.

આમ છતાં અદાલતમાં રીવાબા અને  પ્રફૂલ્લાબા  હાજર નહીં રહેતાં અદાલતે તા. 22-1-20ના દિને જામીનલાયક વોરંટ ઈશ્યુ કર્યું હતું. પોલીસ તા. 24-2-2022 સુધી રીવાબા મળી આવતા નથી તેવા શેરા સાથે વોરંટ પરત ફરતા તેમજ પોલીસ દ્વારા ફોન પર સંપર્ક કરવામાં આવતા તેણીના વકીલ જોઈ લેશે તેવા જવાબો મળ્યા હોવાનું શેરામાં જણાવાતા અદાલતે રીવાબા તથા તેમના માતા પ્રફૂલ્લાબા સામેના વોરંટની બજવણી માટે હવે તે વોરંટ રાજકોટ પોલીસ કમિશનરને મોકલાવ્યુ છે. આ કેસની મુદ્દત આગામી તા. 25ના દિને મુકરર્ર કરવામાં આવી છે. આરોપી તરફથી વકીલ વી. એચ. કનારા રોકાયા છે.