Jamnagar

જામનગરમાં વાહનચોરીનો ભેદ ઉકેલાયો : બે ટાબરીયા સહિત ત્રણ ઇસમો ઝડપાયા

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં અનડિટેક્ટ વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સીટી 'સી' ડિવિઝન પોલીસે 1 આરોપી અને 2 સગીરોને 3 ચોરાયેલી મોટરસાઈકલ સાથે ઝડપી પાડ્યા છે. દિગ્જામ સર્કલ નજીક બાવળની જાળીઓમાંથી આ વાહનો મળી આવ્યા હતા. પોલીસે કુલ 5 વાહનો કબજે કર્યા છે. પકડાયેલા આરોપી સની કોળી વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં વાહનચોરીનો ભેદ ઉકેલાયો : બે ટાબરીયા સહિત ત્રણ ઇસમો ઝડપાયા

Jamnagar Police : જામનગર શહેરમાં અનડીટેક્ટ વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જામનગર સીટી ‘સી’ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડે હાથ ધરેલી કામગીરીમાં એક આરોપી તથા બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને ચોરીના વાહનો સાથે ઝડપી પાડી ત્રણ મોટરસાઇકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરાયેલી ત્રણ મોટરસાઇકલ ઉપરાંત અન્ય બે વાહનો મળી કુલ પાંચ વાહનો કબજે કર્યા છે.
જામનગરમાં વાહનચોરીના બનાવોના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે માનવ અને ટેકનિકલ સોર્સની મદદથી ચોરી કરનાર ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, દિગજામ સર્કલ પાસે ગણપતનગર નજીક આવેલી બાવળની જાળીઓમાં કેટલાક ઇસમોએ મોટરસાઇકલ સંતાડી રાખી છે અને તેને સગેવગે કરવાની તેમજ સ્પેરપાર્ટ્સ વેચવાની ફિરાકમાં છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી એક આરોપી તથા બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીની ઓળખ સની સ/ઓ જેસીંગભાઇ કોળી (ઉંમર 19 વર્ષ, વ્યવસાય મજૂરી, રહે. દિગજામ સર્કલ પાસે, ખેતીવાડી ફાટક પાસે, બાવરીવાસ, જામનગર) તરીકે થઈ છે. તેની સાથે બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી વિરુદ્ધ જામનગર સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ), 331(3) મુજબનો ગુનો તેમજ જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.1533/2025, જી.પી. એક્ટની કલમ 122(સી) મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓ હેન્ડલ લોક કર્યા વગરની મોટરસાઇકલને ડાયરેક્ટ કરીને ચોરી કરવાની ટેવ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.