વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસના ટ્રેન નંબર બદલાશે : ૧૨ જાન્યુઆરીથી નવો નંબર અમલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: વડોદરા અને જામનગર વચ્ચે દોડતી ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર છે. રેલવે મંત્રાલય દ્વારા વડોદરા-જામનગર અને જામનગર-વડોદરા ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસને સુપરફાસ્ટ કેટેગરીમાંથી એક્સપ્રેસ કેટેગરીમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયના પગલે આગામી તા. 12 જાન્યુઆરી, 2027થી બંને ટ્રેનોના નંબર બદલાશે અને મુસાફરોને ભાડામાં ઘટાડાનો લાભ મળશે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાની માહિતી મુજબ, હાલ ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસનો નવો નંબર 19059 કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડશે. તેના જામનગર પહોંચવાના સમયમાં પણ 10 મિનિટનો ફેરફાર કરાયો છે. હાલ રાત્રે ૧૧:૩૦ વાગ્યે જામનગર પહોંચતી આ ટ્રેન હવે રાત્રે 11:40 વાગ્યે પહોંચશે.
જ્યારે બીજી તરફ ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસનો નવો નંબર 19060 કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડશે. જોકે, આ ટ્રેનના ઉપડવાના અને પહોંચવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ બંને ફેરફાર તા. 12 જાન્યુઆરી, 2027થી પ્રારંભિક સ્ટેશનથી ઉપડતી ટ્રેનોને લાગુ પડશે. કેટેગરીમાં ફેરફારના કારણે બંને દિશાની ટ્રેનોના ભાડામાં ઘટાડો થશે. મુસાફરોએ મુસાફરીનું આયોજન કરતી વખતે નવા ટ્રેન નંબર અને સુધારેલા સમયની નોંધ લેવા રેલવે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ પર માહિતી મેળવી શકાશે.




