જામનગરમાં મિગ કોલોની પાસે ઝૂંપડામાં રહેવા મુદ્દે કાકા-ભત્રીજા સામસામે, બંને પક્ષની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેરમાં મિગ કોલોની નજીક જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે ઝૂંપડામાં રહેવા બાબતે કાકા-ભત્રીજા સહિતના બે જૂથ વચ્ચે થયેલી તકરાર મારામારીમાં પરિણમી હતી. બનાવને પગલે સિટી-એ ડિવિઝન પોલીસ મથકમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક ફરિયાદમાં કાકા સહિત ચાર સામે, જ્યારે બીજી ફરિયાદમાં બે ભાઈઓ સામે મારામારી, લોખંડના સળિયા તથા લાકડાના ધોકાથી હુમલો અને ધમકીના આક્ષેપો કરવામાં આવ્યા છે.
પોલીસમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ, મિગ કોલોની નજીક ઝૂંપડામાં રહેતા વિપુલભાઈ સામાભાઈ વાઘેલા (ઉ.વ.24)એ ભરતભાઈ તખુભાઈ વાઘેલા અને ભાવુભાઈ તખુભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા.29ના સવારે સાડા દસ વાગ્યાના અરસામાં વિપુલભાઈના પિતા સામાભાઈ અને ભરતભાઈના પિતા વચ્ચે ગુરુ રાખડી બાંધવા ઘરે ન આવવા બાબતે વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન ભરતભાઈ તથા ભાવુભાઈ ઉશ્કેરાયા હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, બંનેએ ગાળો આપી બોલાચાલી કરતાં એક શખ્સ લાકડાનો ધોકો લઈને આવ્યો હતો અને ફરિયાદી તથા સાહેદને માર મારી મુઢ ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ સામાભાઈએ લોખંડનો સળિયો લઈ ફરિયાદીના પિતાના માથાના ભાગે એક ઘા મારતાં આશરે પાંચ ટાંકા જેવી ઈજા થઈ હતી. ઉપરાંત જમણા હાથના કાંડા પાસે છરકા જેવી ઇજા તથા શરીરે મુઢ માર લાગ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ બનાવમાં સામાભાઈએ સાહેદને માર મારવાની ધમકી આપી હોવાનો તેમજ જાહેરનામાનો ભંગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજી તરફ, ભરતભાઈ તખુભાઈ વાઘેલાએ સામાભાઈ ધમાભાઈ વાઘેલા, વિપુલ સામાભાઈ વાઘેલા, વીનુ સામાભાઈ વાઘેલા અને નિતાબેન મનસુખભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ભરતભાઈ તથા તેમના ભાઈ ભાવુભાઈ પોતાના ઝૂંપડામાં હાજર હતા ત્યારે સામાભાઈ, વિપુલભાઈ અને વીનુભાઈ ત્યાં આવ્યા હતા. સામાભાઈએ ‘તું અમારી બાજુના ઝૂંપડામાં ન રહે, બીજે રહેવા જતો રહે’ તેમ કહી બોલાચાલી કરી હતી.
આ પછી ત્રણેયે ગાળાગાળી કરી ભરતભાઈ સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. દરમિયાન સામાભાઈ લોખંડનો સળિયો લઈને ભરતભાઈના માથામાં એક ઘા મારતાં લોહી નીકળ્યું હતું. ભરતભાઈના ભાઈ ભાવુભાઈ છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ નિતાબેન પણ ત્યાં આવી બંને સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો અને બંનેને માર મારવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.
આમ, એક જ સ્થળે થયેલી તકરારના પગલે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતાં સિટી-એ ડિવિઝન પોલીસે બંને ગુનાઓમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 352, 351(2), 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




